<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd April 2026

૪ મહિનાનું રૂા.૯,૭૦,૦૦૦ વીજ બિલ આવતા હોબાળો

સ્‍માર્ટ મીટરે ધંધે લગાડી દીધા! : વીજ વિભાગે તપાસ બાદ ભૂલ સુધારી માત્ર રૂા.૫૪૯ બિલ કરાયું

સમસ્‍તીપુર  તા.૨: સ્‍માર્ટ વીજળી મીટરની ગરબડનો એક એવો કિસ્‍સો સામે આવ્‍યો છે કે જેણે સૌને ચોંકાવી દીધા છે. હકીકતમાં, બિહારના સમસ્‍તીપુર જિલ્‍લામાં એક સામાન્‍ય પરિવારને માત્ર ૪ મહિનાના વપરાશ માટે રૂા. ૯,૭૦,૦૦૦ નું તોતિગ બિલ પકડાવી દેવામાં આવ્‍યું હતું. જો કે, હોબાળો મચ્‍યા બાદ વીજ વિભાગે તપાસ કરી અને ભૂલ સ્‍વીકારીને આ બિલ ઘટાડીને માત્ર રૂા. ૫૪૯ કરી દીધું છે. આ ઘટનાએ સ્‍માર્ટ મીટર સામે ફરી એકવાર ગંભીર સવાલો ઉભા કર્યા છે.

સમસ્‍તીપુરના બાઘોપુર ગામમાં રહેતા રાજેન્‍દ્ર સહની નામના વ્‍યક્‍તિના ઘરના સ્‍માર્ટ મીટરમાં ડિસેમ્‍બર ૨૦૨૫ થી માર્ચ ૨૦૨૬ સુધીના માત્ર ૪ મહિનાના સમયગાળા માટે  રૂા. ૯,૭૦,૬૦૯.૩૧ નું વીજળી બિલ જારી કરવામાં આવ્‍યું હતું. રાજેન્‍દ્ર સહનીએ જણાવ્‍યું કે તેમના ઘરે માત્ર સામાન્‍ય ઘરવપરાશના ઉપકરણો જ ચાલે છે. આટલો મોટો જોઈને આખું ગામ સ્‍તબ્‍ધ થઈ ગયું હતું. અમને આશંકા હતી કે સ્‍માર્ટ મીટરમાં ટેકનિકલ ખામીની મોટી ભૂલને કારણે આવું અસામાન્‍ય બિલ આવ્‍યું છે. તેથી અમે આ બાબતે લેખિત અરજી આપીને તપાસની માંગ કરી હતી.

આ મામલો સામે આવતા જ વિજળી વિભાગમાં દોડધામ મચી ગઈ હતી. પછી તંત્રની તપાસમાં સ્‍પષ્ટ થયું કે મીટર અથવા બિલિગ સિસ્‍ટમમાં ખામીને કારણે આટલું મોટું બિલ જનરેટ થયું હતું. પરિણામે, વિભાગે બિલમાં સુધારો કરીને  રૂા. ૯.૭ લાખના તોતિગ બિલને ઘટાડીને માત્ર  રૂા. ૫૪૯ કરી દીધું હતું.

ભલે હાલમાં આ મામલો શાંત પડી ગયો છે, પરંતુ આ ઘટનાએ સ્‍માર્ટ મીટર ટેકનોલોજી પર લોકોનો ભરોસો નબળો પાડ્‍યો છે. સ્‍થાનિક લોકોની માંગ છે કે ભવિષ્‍યમાં સામાન્‍ય ગ્રાહકોને આવી માનસિક પરેશાની ન ભોગવવી પડે તે માટે વીજ વિભાગે પોતાની સિસ્‍ટમને વધુ મજબૂત અને ભૂલરહિત બનાવવી જોઈએ

(10:11 AM IST)