તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 2nd April 2026
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ખુલ્લી ધમકી: આગામી બે-ત્રણ સપ્તાહમાં ઈરાનના ન્યુક્લિયર અને ઓઈલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ભીષણ હુમલો કરી તેને પાષાણ યુગમાં ધકેલી દઈશું
હોર્મુઝ સ્ટ્રેટના તેલની અમેરિકાને જરૂર નથી તેવું નિવેદન આપતા ટ્રમ્પ: ઈરાન યુદ્ધના ભણકારાથી રોકાણકારોમાં ગભરાટ વધ્યો, ભારતીય શેરબજારમાં સવારે ૮.૩૧ વાગ્યે ગિફ્ટ નિફ્ટીમાં ૩૫૦ પોઈન્ટનો ભયાનક કડાકો

વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે ભારતીય સમય અનુસાર સવારે ૬:૩૦ કલાકે દેશને સંબોધિત કરતા ઈરાન પર મોટા સૈન્ય હુમલાની ચેતવણી આપી છે. ઈઝરાયલ અને અમેરિકા દ્વારા ઈરાન પર શરૂ કરાયેલા સંયુક્ત હુમલાઓને એક મહિનાથી વધુ સમય વીતી ચૂક્યો છે, ત્યારે ટ્રમ્પે આ અત્યંત આક્રમક નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે ભલે પડદા પાછળ રાજદ્વારી વાટાઘાટો ચાલી રહી હોય, પરંતુ આગામી બે થી ત્રણ અઠવાડિયામાં અમેરિકા પોતાનું સૈન્ય અભિયાન વધુ તેજ કરશે અને ઈરાનના ઓઈલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ પરમાણુ મથકો પર ગમે ત્યારે ભીષણ હુમલો કરીને તેને પાષાણ યુગમાં ધકેલી દેશે.
પોતાના ૨૦ મિનિટના આ મહત્વપૂર્ણ સંબોધનમાં ટ્રમ્પે હોર્મુઝની ખાડીના બ્લોકેજ વિશે પણ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે અમેરિકાને હોર્મુઝ સ્ટ્રેટમાંથી કોઈ તેલની જરૂર નથી અને તે ત્યાંથી લગભગ કોઈ આયાત કરતું નથી. તેથી જે એશિયન અને યુરોપિયન દેશો ઉર્જા સપ્લાય માટે આ રૂટ પર નિર્ભર છે, તેમણે જાતે જ તેની સુરક્ષાની જવાબદારી લેવી જોઈએ. ટ્રમ્પના આ નિવેદનથી વિશ્વભરના દેશો પર દબાણ વધ્યું છે.
આ વૈશ્વિક તંગદિલી અને યુદ્ધની આશંકાની સીધી અસર ભારતીય શેરબજાર પર પડી છે. ટ્રમ્પના સંબોધન બાદ રોકાણકારોમાં ભારે ગભરાટ અને અનિશ્ચિતતાનો માહોલ જોવા મળી રહ્યો છે. પરિણામે, આજે બજાર ખુલતા પહેલા જ ગિફ્ટ નિફ્ટી ૩૫૦ પોઈન્ટના ગેપ ડાઉન ઓપનિંગના સ્પષ્ટ સંકેતો આપી રહ્યો છે, જેનાથી શેરબજારમાં મોટા કડાકાની દહેશત વ્યાપી ગઈ છે.*
(9:27 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
