<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st April 2026

ટ્રમ્પનો ગંભીર આરોપ: 'નાટો હવે કાગળનો વાઘ', ઐતિહાસિક ભાષણમાં ગઠબંધન છોડવાની અને સાથી દેશોને 'આગ' ચાંપી દેવાની ખુલ્લી ધમકી!

ઈરાન સાથેના યુદ્ધમાં સાથી દેશોએ સાથ ન આપતા ટ્રમ્પ લાલઘૂમ; વિશ્વના સૌથી શક્તિશાળી લશ્કરી જૂથના અસ્તિત્વ સામે ખતરો, વૈશ્વિક રાજકારણમાં ભૂકંપ.

વોશિંગ્ટન : રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર પોતાની આગવી શૈલીમાં સમગ્ર વિશ્વને હચમચાવી દીધું છે. બુધવારે રાત્રે ૯ વાગ્યે રાષ્ટ્રને સંબોધતા પહેલા ટ્રમ્પે એવો ઘટસ્ફોટ કર્યો છે કે તેઓ નાટો (NATO) ગઠબંધનમાંથી અમેરિકાને કાયમ માટે બહાર ખેંચી લેવા અંગે 'સંપૂર્ણ' વિચારણા કરી રહ્યા છે. તેમણે આ ઐતિહાસિક જોડાણને 'ઘૃણાસ્પદ' ગણાવ્યું છે અને સાથી દેશો પર અમેરિકાના હિતોનું રક્ષણ ન કરવાનો ગંભીર આરોપ લગાવ્યો છે.

ટ્રમ્પનો સૌથી મોટો આક્રોશ ઈરાન સામેના યુદ્ધમાં યુરોપિયન સાથીઓના ઠંડા પ્રતિસાદને લઈને છે. ટ્રમ્પે રોઇટર્સ સાથેની વાતચીતમાં સ્પષ્ટ કર્યું કે, "હું નાટો પ્રત્યેની મારી નારાજગી વિશે ખુલ્લેઆમ ચર્ચા કરીશ. જો તમે મારી જગ્યાએ હોત, તો શું તમે આવા નિષ્ક્રિય જોડાણને સહન કર્યું હોત?" ટ્રમ્પના આ આક્રમક વલણને કારણે ૧૯૪૯માં સ્થપાયેલા ૩૨ દેશોના આ શક્તિશાળી લશ્કરી સંગઠન પર વિખેરાઈ જવાનું જોખમ તોળાઈ રહ્યું છે.

'કાગળનો વાઘ' અને હોર્મુઝ સ્ટ્રેટનો વિવાદ

રાષ્ટ્રપતિએ નાટોને 'કાગળનો વાઘ' ગણાવીને મજાક ઉડાવી છે. તેમણે કહ્યું કે અમેરિકાના દુશ્મનો હવે આ ગઠબંધનથી ડરતા નથી. ખાસ કરીને હોર્મુઝ સ્ટ્રેટમાં ઈરાન દ્વારા ઊભી કરવામાં આવેલી નાકાબંધી અને વધતા તેલના ભાવો વચ્ચે, યુરોપિયન દેશોએ અમેરિકાને મદદ કરવાને બદલે હાથ ઊંચા કરી દીધા છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોન અને બ્રિટનના વડાપ્રધાન કીર સ્ટારમરે આ સંઘર્ષને 'પોતાનું યુદ્ધ નથી' એમ કહીને ટ્રમ્પના ગુસ્સામાં ઘી હોમ્યું છે.

બ્રિટન અને યુરોપ પર આકરા પ્રહારો

ટ્રમ્પે માત્ર નાટો જ નહીં, પરંતુ વ્યક્તિગત રીતે સાથી દેશો પર પણ નિશાન સાધ્યું છે. બ્રિટનની નૌકાદળની મજાક ઉડાવતા તેમણે કહ્યું, "તમારી પાસે તો ઠીકથી લડી શકે તેવું નૌકાદળ પણ નથી. તમે વિમાનવાહક જહાજો રાખ્યા છે જે કામ જ નથી કરતા." બીજી તરફ, ઇટાલી અને સ્પેન જેવા દેશોએ અમેરિકી વિમાનોને તેમના એરસ્પેસનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂકતા ટ્રમ્પે તેમને સંભળાવ્યું કે, "જો તમારે તેલ જોઈતું હોય તો જાતે લડવા જાવ અથવા અમેરિકા પાસેથી ક્રૂડ ખરીદો."

ઈરાન સાથેની તંગદિલી અને શૂન્ય વિશ્વાસ

એક તરફ ટ્રમ્પ નાટોને તોડવાની વાત કરી રહ્યા છે, તો બીજી તરફ ઈરાન સાથેની સ્થિતિ વધુ સ્ફોટક બની છે. લેબનોનના બૈરુતમાં ઈઝરાયેલના તાજેતરના હુમલા બાદ મધ્ય પૂર્વમાં યુદ્ધની જ્વાળાઓ વધુ ભભૂકી રહી છે. ઈરાનના વિદેશ પ્રધાન અબ્બાસ અરાઘચીએ સ્પષ્ટ કર્યું છે કે તેમને અમેરિકા પર જરાય વિશ્વાસ નથી અને જો અમેરિકા ભૂમિ યુદ્ધ શરૂ કરશે તો તેને ભારે જાનહાનિ ભોગવવી પડશે.

ટ્રમ્પના આ 'માસ્ટર સ્ટ્રોક' અથવા 'ઘાતક નિર્ણય' થી હવે યુરોપની સુરક્ષા વ્યવસ્થા પત્તાના મહેલની જેમ ધરાશાયી થશે કે કેમ, તે પર સમગ્ર વિશ્વની નજર ટકેલી છે.

(8:14 PM IST)