News of Tuesday, 31st March 2026
'આંસુઓના દરવાજો' પર હુતી બળવાખોરોના વધતા હુમલાઓ: હોર્મુઝ પછી હવે બાબ-અલ-મંડેબ પર યુદ્ધના વાદળો, શું ઠપ્પ થઈ જશે વિશ્વનો 14% વેપાર?
હુતી બળવાખોરોનો વધતો દબદબો અને ઈરાનની વ્યૂહાત્મક ચાલ: લાલ સમુદ્રમાં મિસાઈલ હુમલાઓ વચ્ચે એશિયા અને યુરોપની ચિંતા વધી

નવી દિલ્હી: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલું અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેનું સૈન્ય સંઘર્ષ હવે માત્ર જમીન કે આકાશ પૂરતું મર્યાદિત નથી રહ્યું, પણ સમુદ્રના સૌથી સાંકડા અને મહત્વપૂર્ણ માર્ગો સુધી વિસ્તરી ગયું છે. હોર્મુઝની સામુદ્રધુનીમાં સર્જાયેલી નાકાબંધી બાદ હવે દુનિયાની નજર 'બાબ-અલ-મંડેબ' (Bab al-Mandeb) પર મંડાયેલી છે, જેને અરબીમાં "આંસુઓનો દરવાજો" કહેવામાં આવે છે. આ માર્ગ પર હુતી બળવાખોરોના વધતા હુમલાઓએ વૈશ્વિક અર્થતંત્રના શ્વાસ અધ્ધર કરી દીધા છે.
શા માટે આ માર્ગ 'આંસુ' લાવી શકે છે?
યમન, એરિટ્રિયા અને જીબુટીની વચ્ચે આવેલો આ સાંકડો દરિયાઈ માર્ગ માત્ર 30 કિલોમીટર પહોળો છે. તે લાલ સમુદ્રને એડનની ખાડી અને હિંદ મહાસાગર સાથે જોડે છે. જો આ માર્ગ બંધ થાય, તો એશિયાથી યુરોપ જતા જહાજોએ સુએઝ નહેરનો ટૂંકો રસ્તો છોડીને આખા આફ્રિકા ખંડનો આંટો મારીને 'કેપ ઓફ ગુડ હોપ' થઈને જવું પડે. આનાથી મુસાફરીનું અંતર 12,000 કિમીથી વધીને 20,000 કિમી થઈ જાય છે અને સમય 19 દિવસથી વધીને 34 દિવસ થઈ શકે છે.
તેલ અને ગેસ માટે 'લાઈફલાઈન'
વૈશ્વિક વેપારના આશરે 12 થી 14 ટકા માલસામાન આ નાનકડી પટ્ટીમાંથી પસાર થાય છે. 2025 ના આંકડા મુજબ, દરરોજ 42 લાખ બેરલ ક્રૂડ ઓઈલ અને કતારનો મોટો LNG (ગેસ) પુરવઠો આ માર્ગ પર નિર્ભર છે. હુતી બળવાખોરોએ જે રીતે ડ્રોન અને મિસાઈલ હુમલા શરૂ કર્યા છે, તેનાથી શિપિંગ કંપનીઓના વીમા પ્રીમિયમમાં 0.6% થી વધીને 2% સુધીનો તોતિંગ વધારો થયો છે, જેની સીધી અસર ચીજવસ્તુઓના ભાવ પર પડશે.
એશિયા પર સૌથી મોટું જોખમ
નિષ્ણાતોના મતે, જો બાબ-અલ-મંડેબમાં કટોકટી વધુ ઘેરી બનશે, તો તેની સૌથી માઠી અસર એશિયન દેશો (ભારત, ચીન, જાપાન) પર પડશે. યુરોપ અને અમેરિકા પાસે વૈકલ્પિક વ્યવસ્થાઓ હોઈ શકે છે, પરંતુ એશિયન વેપાર ભાગીદારો માટે નૂર ખર્ચ (Freight cost) એટલો વધી જશે કે મોંઘવારી બેકાબૂ બની શકે છે. સાઉદી અરેબિયાએ ભલે પોતાની પાઈપલાઈન સિસ્ટમ વિકસાવી હોય, પરંતુ દરિયાઈ માર્ગનો કોઈ સંપૂર્ણ વિકલ્પ નથી.
ઈરાન પ્રેરિત હુતી બળવાખોરો જો આ 'દરવાજો' બંધ કરવામાં સફળ રહે, તો પશ્ચિમ એશિયાનું આ યુદ્ધ રસોડાની વસ્તુઓથી લઈને પેટ્રોલ-ડીઝલ સુધી દરેક સ્તરે દુનિયાને રડાવી શકે છે. તેથી જ અત્યારે આંતરરાષ્ટ્રીય નૌકાદળો આ વિસ્તારમાં સતત પેટ્રોલિંગ કરી રહ્યા છે.
(8:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
