ટ્રમ્પને યુરોપનો 'તમાચો': સ્પેન બાદ હવે ઇટાલીએ પણ અમેરિકી યુદ્ધ વિમાનો માટે દરવાજા બંધ કર્યા!
ઈરાન સાથેના જંગમાં અમેરિકા એકલું પડ્યું : ઇટાલીએ સિસિલી એરબેઝ પર ઉતરાણની મનાઈ ફરમાવી: સ્વિટ્ઝર્લૅન્ડે શસ્ત્રો આપવાનો ઇનકાર કર્યો અને સ્પેને પોતાનું હવાઈ ક્ષેત્ર વાપરવા પર મૂક્યો પ્રતિબંધ

રોમ: અમેરિકા અને ઈરાન વચ્ચેના સંઘર્ષમાં ટ્રમ્પ વહીવટીતંત્રને વધુ એક આંતરરાષ્ટ્રીય ફટકો પડ્યો છે. ઇટાલીની જ્યોર્જિયા મેલોની સરકારે સિસિલીમાં આવેલા વ્યૂહાત્મક 'સિગોનેલા એર બેઝ' પર અમેરિકી બોમ્બર વિમાનોને ઉતરવાની મંજૂરી આપવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. આ એર બેઝ મધ્ય પૂર્વ તરફ જતા અમેરિકી વિમાનો માટે અત્યંત મહત્વનું મધ્યવર્તી મથક માનવામાં આવે છે. ઇટાલિયન અખબાર 'કોરીએર ડેલા સેરા' ના અહેવાલ મુજબ, ઇટાલીએ આકરો વલણ અપનાવતા કહ્યું છે કે અમેરિકાએ આ બાબતે ઔપચારિક વિનંતી કરી નથી કે ઇટાલિયન સૈન્ય નેતૃત્વ સાથે કોઈ સલાહ-મસલત કરી નથી, જે દ્વિપક્ષીય સંધિઓનું ઉલ્લંઘન છે.
અમેરિકા સામે માત્ર ઇટાલી જ નહીં, પરંતુ સમગ્ર યુરોપિયન યુનિયનના દેશોમાં રોષ જોવા મળી રહ્યો છે. અગાઉ સ્પેનિશ સંરક્ષણ પ્રધાન માર્ગારીતા રોબલ્સે જાહેરાત કરી હતી કે ઈરાન પર હુમલો કરવા જઈ રહેલા કોઈપણ અમેરિકી વિમાનને સ્પેનના આકાશમાં પ્રવેશવા દેવામાં આવશે નહીં. તો બીજી તરફ, વિશ્વભરમાં પોતાની તટસ્થતા માટે જાણીતા સ્વિટ્ઝર્લૅન્ડે પણ અમેરિકાને શસ્ત્રો વેચવાના લાયસન્સ રદ કરી દીધા છે. સ્વિસ સરકારે સ્પષ્ટ કર્યું છે કે તેઓ આ આંતરરાષ્ટ્રીય સશસ્ત્ર સંઘર્ષમાં કોઈ પક્ષ લેવા માંગતા નથી અને યુદ્ધને પ્રોત્સાહન આપવા માટે અમેરિકાને કોઈ સામગ્રી પૂરી પાડશે નહીં.
ઇટાલીમાં વિરોધ પક્ષો સતત સરકાર પર દબાણ કરી રહ્યા હતા કે દેશને ઈરાન સાથેના સંઘર્ષમાં ન ધકેલવામાં આવે. વડા પ્રધાન મેલોનીની જમણેરી સરકારે પણ હવે સ્પષ્ટ કર્યું છે કે જો ભવિષ્યમાં અમેરિકા આવી કોઈ વિનંતી કરશે, તો તેના પર સંસદમાં ચર્ચા અને મંજૂરી લેવી અનિવાર્ય રહેશે. આ ઘટનાક્રમ દર્શાવે છે કે ઈરાન સામેના યુદ્ધમાં ટ્રમ્પ વહીવટીતંત્રને જે સમર્થનની આશા હતી, તે ધૂંધળી થઈ રહી છે. યુરોપના આ દેશોના વલણને કારણે હવે અમેરિકાએ મધ્ય પૂર્વમાં પોતાની સૈન્ય ગતિવિધિઓ માટે વૈકલ્પિક અને લાંબા માર્ગો શોધવાની ફરજ પડશે, જે યુદ્ધના ખર્ચ અને સમયમાં નોંધપાત્ર વધારો કરશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
