News of Tuesday, 31st March 2026
ઈરાન-અમેરિકા યુદ્ધમાં 'કાદિરોવિટ્સ'ની એન્ટ્રી? જો અમેરિકાએ જમીની હુમલો કર્યો તો રશિયાના ખતરનાક ચેચન લડવૈયાઓ ઈરાન વતી મેદાનમાં ઉતરશે
પુતિનના ખાસ સાથી રમઝાન કાદિરોવના લડવૈયાઓએ આપી યુદ્ધની ચેતવણી: પશ્ચિમ એશિયામાં અમેરિકી સૈનિકોના 'પગ કાપી નાખવા'ની ઈરાની રણનીતિને મળ્યો વિદેશી ટેકો

તેહરાન : મધ્ય પૂર્વમાં ચાલી રહેલું યુદ્ધ હવે એક ભયાનક વળાંક લઈ રહ્યું હોય તેવું જણાય છે. ઈરાન અને અમેરિકા વચ્ચે વધતા તણાવ વચ્ચે હવે વિશ્વના સૌથી ક્રૂર અને શક્તિશાળી ગણાતા 'ચેચન લડવૈયાઓ'નું નામ સામે આવ્યું છે. ઈરાની મીડિયાના અહેવાલો મુજબ, જો અમેરિકા ઈરાનની ધરતી પર જમીની આક્રમણ (Ground Invasion) કરવાની ભૂલ કરશે, તો રશિયા તરફી ચેચન લડવૈયાઓ ઈરાનના સમર્થનમાં સીધા યુદ્ધમાં ઝંપલાવવા તૈયાર છે.
કોણ છે આ કાદિરોવિટ્સ લડવૈયાઓ?
આ લડવૈયાઓને સામાન્ય રીતે 'કાદિરોવિટ્સ' તરીકે ઓળખવામાં આવે છે. તેઓ દક્ષિણ રશિયાના ચેચન્યા પ્રજાસત્તાકની સશસ્ત્ર ટુકડીઓ છે, જે ત્યાંના વડા રમઝાન કાદિરોવને વફાદાર છે. કાદિરોવ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના અત્યંત નજીકના સાથી માનવામાં આવે છે. આ લડવૈયાઓ તેમની આક્રમકતા, શિસ્ત અને રશિયાના વ્યૂહાત્મક હિતો માટે ગમે તે હદે જવાની પ્રતિષ્ઠા ધરાવે છે. અગાઉ સીરિયા અને યુક્રેન જેવા યુદ્ધોમાં પણ તેમની ભૂમિકા ચર્ચામાં રહી છે.
અમેરિકાની 'બૂટ ઓન ગ્રાઉન્ડ' યોજના સામે પડકાર
ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્ર ઈરાન પર માત્ર હવાઈ હુમલા જ નહીં, પરંતુ ઈરાનના યુરેનિયમ ભંડારો અને વ્યૂહાત્મક સ્થળો પર કાબૂ મેળવવા માટે જમીની સેના ઉતારવાની યોજના બનાવી રહ્યું હોવાના અહેવાલો છે. અમેરિકાના 82મા એરબોર્ન ડિવિઝનના હજારો સૈનિકો પહેલેથી જ પશ્ચિમ એશિયામાં પહોંચી ગયા છે. આ પૃષ્ઠભૂમિમાં, ઈરાની સૈન્ય પ્રવક્તાએ ચેતવણી આપી છે કે જે કોઈ પણ આક્રમક ઈરાની ધરતી પર પગ મૂકશે, તેના 'પગ કાપી નાખવામાં' આવશે. હવે આ લડાઈમાં ચેચન એકમોના જોડાવાની તૈયારીએ અમેરિકા માટે નવું જોખમ ઉભું કર્યું છે.
શું આ ત્રીજા વિશ્વયુદ્ધની આહટ છે?
જો રશિયા સમર્થિત આ ચેચન લડવૈયાઓ ખરેખર ઈરાન વતી લડશે, તો આ યુદ્ધ માત્ર પ્રાદેશિક નહીં રહેતા વૈશ્વિક બની જશે. ઈરાન અત્યાર સુધી હિઝબુલ્લાહ અને હુથી જેવા પ્રોક્સી જૂથો પર નિર્ભર હતું, પરંતુ ચેચન લડવૈયાઓની સંડોવણી સોવિયેત પછીના દેશોનો સીધો હસ્તક્ષેપ ગણાશે. રશિયા અને ઈરાન વચ્ચેના ગાઢ લશ્કરી સંબંધોને જોતા આ શક્યતા નકારી શકાય તેમ નથી.
યુદ્ધભૂમિ હવે વધુ જટિલ બનશે
વિશ્લેષકોનું માનવું છે કે ઈરાનની જટિલ ભૌગોલિક સ્થિતિમાં અમેરિકી સૈનિકો માટે જમીની લડાઈ લડવી અત્યંત મુશ્કેલ છે. તેમાં પણ જો કાદિરોવિટ્સ જેવા અનુભવી અને લડાયક લડવૈયાઓ સામે આવે, તો અમેરિકા માટે 'અંતિમ ફટકો' મારવાની યોજના ભારે પડી શકે છે. પશ્ચિમ એશિયામાં હવે શાંતિની આશા ઓછી અને વિનાશક યુદ્ધના વાદળો વધુ ઘેરા બન્યા છે.
આગામી દિવસોમાં રશિયા આ બાબતે સત્તાવાર શું વલણ અપનાવે છે, તેના પર સમગ્ર વિશ્વની નજર મંડાયેલી રહેશે. એક તરફ ઈઝરાયેલ બુધવાર સુધીમાં મોટા લક્ષ્યોને વીંધવાનો દાવો કરી રહ્યું છે, ત્યારે બીજી તરફ વિદેશી લડવૈયાઓની એન્ટ્રીએ નવા સમીકરણો રચ્યા છે.
(8:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
