<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 31st March 2026

ટ્રમ્પની દુનિયાને ખુલ્લી ચેતવણી: 'તેલ જોઈએ છે તો જાતે લડી લો, હવે અમેરિકા મદદ નહીં કરે', હોર્મુઝની નાકાબંધી વચ્ચે યુકે-ફ્રાન્સ પર વરસ્યા રાષ્ટ્રપતિ

'હિંમત હોય તો દરિયામાં જઈને તમારો હિસ્સો લઈ લો અથવા અમારી પાસેથી ખરીદો': ઈરાન સામેના યુદ્ધમાં સાથ ન આપનારા દેશો સામે ટ્રમ્પનો 'ટ્રુથ સોશિયલ' પર પ્રચંડ પ્રહાર

વોશિંગ્ટન : અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર પોતાની આક્રમક 'અમેરિકા ફર્સ્ટ' નીતિનો પરિચય આપતા વિશ્વના શક્તિશાળી દેશોને આંચકો આપ્યો છે. મધ્ય પૂર્વના યુદ્ધને કારણે ઈરાને હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz) બંધ કરી દેતા જે દેશો અત્યારે તેલ અને જેત ફ્યુઅલની અછતનો સામનો કરી રહ્યા છે, તેમને ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે, "તમારા માટે લડવાનું હવે જાતે શીખી લો, અમેરિકા દર વખતે તમારી વ્હારે આવશે નહીં."

યુકે અને ફ્રાન્સ પર આકરા પ્રહાર

ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' પર શ્રેણીબદ્ધ પોસ્ટ્સ કરીને ખાસ કરીને યુનાઇટેડ કિંગડમ (UK) અને ફ્રાન્સને નિશાન બનાવ્યા છે. તેમણે લખ્યું કે, "યુકે જેવા દેશો, જેમણે ઈરાન વિરુદ્ધના ઓપરેશનમાં સાથ આપવાનો ઈન્કાર કર્યો હતો, તેઓ આજે ઈંધણ માટે વલખાં મારી રહ્યા છે. મારી પાસે તમારા માટે બે જ સૂચન છે: પહેલું, કાં તો અમેરિકા પાસેથી તેલ ખરીદો કારણ કે અમારી પાસે પુષ્કળ છે, અને બીજું, થોડી હિંમત બતાવો અને હોર્મુઝમાં જઈને તમારો પુરવઠો જાતે સુરક્ષિત કરો."

'ઈરાન હવે નાશ પામ્યું છે'

ઈરાન સામેની સૈન્ય કાર્યવાહીનો ઉલ્લેખ કરતા ટ્રમ્પે દાવો કર્યો કે "મુશ્કેલ ભાગ હવે પૂરો થઈ ગયો છે" અને ઈરાન મૂળભૂત રીતે નાશ પામ્યું છે. તેમણે ફ્રાન્સની પણ આકરી ટીકા કરી હતી કારણ કે ફ્રાન્સે ઈઝરાયેલ જતા લશ્કરી વિમાનોને પોતાના પ્રદેશ પરથી ઉડવાની મંજૂરી આપી ન હતી. ટ્રમ્પે ચેતવણી આપી હતી કે, "અમેરિકા આ બધું યાદ રાખશે."

અમેરિકા હવે 'વૈશ્વિક પોલીસ' નહીં રહે?

ટ્રમ્પના આ નિવેદનથી સ્પષ્ટ સંકેત મળે છે કે તેઓ અમેરિકાને અન્ય દેશોના યુદ્ધ કે સુરક્ષામાં મફતમાં સામેલ કરવા માંગતા નથી. તેમણે સ્પષ્ટ કર્યું કે જે દેશોએ મુશ્કેલ સમયમાં અમેરિકાનો સાથ નથી આપ્યો, તેમને હવે અમેરિકા તરફથી કોઈ લશ્કરી કે આર્થિક મદદની અપેક્ષા રાખવી જોઈએ નહીં.

વિશ્વના સૌથી મહત્વના તેલ માર્ગ પર સર્જાયેલી આ નાકાબંધી અને ટ્રમ્પનું આ 'હિંમત બતાવો' વાળું નિવેદન આવનારા દિવસોમાં વૈશ્વિક અર્થતંત્ર અને રાજદ્વારી સંબંધોમાં મોટો ભૂકંપ લાવી શકે છે. યુરોપિયન દેશો હવે તેલની અછતને પહોંચી વળવા શું રસ્તો કાઢશે, તેના પર આખી દુનિયાની નજર મંડાયેલી છે.

(8:03 PM IST)