તા. ૨૫ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૧૩ મંગળવાર
News of Friday, 27th March 2026
કોલસા કૌભાંડમાં CBIનો ધબડકો: "એક પણ મજબૂત પુરાવો નથી, એજન્સી ખરાબ રીતે નિષ્ફળ ગઈ", દિલ્હી કોર્ટે પૂર્વ સાંસદ વિજય દર્ડા સહિત તમામ આરોપીઓને કર્યા નિર્દોષ જાહેર!
૨૦૧૨ના બાંદેર કોલ બ્લોક કેસમાં ૧૪ વર્ષ લાંબી કાનૂની લડાઈનો અંત; પૂર્વ કોલસા સચિવ એચ.સી. ગુપ્તા અને દેવેન્દ્ર દર્ડા સામેના આરોપો સાબિત કરવામાં CBI નાકામ, રાઉઝ એવન્યુ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો

નવી દિલ્હી: ભારતના સૌથી ચર્ચિત 'કોલસા કૌભાંડ' (Coal Scam) પૈકીના એક જૂના કેસમાં તપાસ એજન્સી CBIને મોટો આંચકો લાગ્યો છે. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે શુક્રવારે મહારાષ્ટ્રના બાંદેર કોલ બ્લોક ફાળવણી કેસમાં પૂર્વ સાંસદ વિજય દર્ડા અને પૂર્વ કોલસા સચિવ એચ.સી. ગુપ્તા સહિતના તમામ પાંચ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. સ્પેશિયલ જજ સુનેના શર્માએ પોતાના ચુકાદામાં સીબીઆઈની તપાસ શૈલી પર આકરા પ્રહારો કર્યા હતા.
CBI પાસે પુરાવાઓનો દુકાળ
અદાલતે અવલોકન કર્યું હતું કે, આરોપીઓ વચ્ચે કોઈ ગુનાહિત કાવતરું રચાયું હોય તેવા પ્રત્યક્ષ કે પરોક્ષ એક પણ પુરાવા સીબીઆઈ રજૂ કરી શકી નથી. જજ શર્માએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, "ફરિયાદ પક્ષ ગુનાહિત કાવતરાના આરોપને સાબિત કરવામાં ખરાબ રીતે નિષ્ફળ રહ્યો છે." આ કેસમાં કલમ ૧૨૦-બી અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળના તમામ આરોપો પાયાવિહોણા સાબિત થયા છે.
શું હતો સમગ્ર કેસ?
સીબીઆઈએ ૨૦૧૨માં આ મામલે એફઆઈઆર દાખલ કરી હતી. આરોપ હતો કે 'AMR આયર્ન એન્ડ સ્ટીલ પ્રાઇવેટ લિમિટેડ' અને તેના ડિરેક્ટરોએ કોલસા મંત્રાલય સમક્ષ ખોટી માહિતી રજૂ કરી હતી. કંપનીએ કથિત રીતે તેની અગાઉની ફાળવણીઓ છુપાવી હતી અને પોતાની નાણાકીય તાકાત વધુ બતાવવા માટે ખોટા જોડાણોનો દાવો કર્યો હતો. એવો પણ આરોપ હતો કે પૂર્વ સાંસદ વિજય દર્ડાએ આ પ્રક્રિયાને પ્રભાવિત કરવા માટે પોતાની વગ વાપરી હતી.
અદાલતે કેમ આપ્યો આવો ચુકાદો?
કેસની વિગતો તપાસ્યા પછી કોર્ટે નોંધ્યું કે, કોલસા બ્લોક મેળવનાર કંપની અને સરકારી અધિકારીઓ (જાહેર સેવકો) વચ્ચે કોઈ ગુપ્ત વાતચીત કે સોદાબાજી થઈ હોય તેવા કોઈ પણ વિશ્વસનીય પુરાવા નથી. સીબીઆઈ જે સંજોગોના આધારે કાવતરું સાબિત કરવા માંગતી હતી, તે પુરાવા વગર અપ્રમાણિત રહ્યા છે.
આ ચુકાદા સાથે જ વિજય દર્ડા, તેમના પુત્ર દેવેન્દ્ર દર્ડા, એચ.સી. ગુપ્તા અને મનોજ કુમાર જયસ્વાલ માટે ૧૪ વર્ષથી ચાલી આવતી કાનૂની તલવાર હવે હટી ગઈ છે. આરોપીઓ તરફથી વકીલ મુદિત જૈન અને રાહુલ ત્યાગીએ દલીલો કરી હતી, જ્યારે સીબીઆઈ તરફથી એ.પી. સિંહ હાજર રહ્યા હતા.
(8:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
