News of Friday, 27th March 2026
શું OpenAI તમારી પરવાનગી વગર ડેટા વાપરી શકે? દિલ્હી હાઈકોર્ટમાં ANI વિરુદ્ધ ChatGPTનો જંગ; એક વર્ષની દલીલો બાદ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો!
ભારતમાં AI અને કોપીરાઇટ ઉલ્લંઘનનો આ પ્રકારનો પ્રથમ કેસ; સમાચાર એજન્સીએ OpenAI પર અનધિકૃત ડેટા વપરાશનો લગાવ્યો આરોપ, જ્યારે કંપનીએ 'ફેક્ટ્સ' પર કોઈનો એકાધિકાર ન હોવાની આપી દલીલ

નવી દિલ્હી: ભારતના કાયદાકીય ઇતિહાસમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના ભવિષ્યને નક્કી કરી શકે તેવા એક અત્યંત મહત્વપૂર્ણ કેસમાં આજે દિલ્હી હાઈકોર્ટે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો છે. ન્યૂઝ એજન્સી ANI (Asian News International) અને વિશ્વવિખ્યાત AI ટૂલ ChatGPT ની માલિકી ધરાવતી કંપની OpenAI વચ્ચે છેલ્લા એક વર્ષથી ચાલી રહેલી કાનૂની લડાઈમાં આજે ન્યાયાધીશ અમિત બંસલે તમામ પક્ષોની દલીલો સાંભળ્યા બાદ વચગાળાની રાહત પરનો ચુકાદો અનામત રાખ્યો છે.
શું છે આખો વિવાદ?
ANI એ ૨૦૨૪ માં કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. સમાચાર એજન્સીનો આરોપ છે કે OpenAI એ ChatGPT ને તાલીમ આપવા માટે ANI ના સમાચારો અને કન્ટેન્ટનો તેમની પરવાનગી વગર ઉપયોગ કર્યો છે. ANI ની દલીલ છે કે ભલે સમાચાર સાર્વજનિક રૂપે ઉપલબ્ધ હોય, પરંતુ કોઈ પણ કંપની તેનો ડેટાબેઝ બનાવવા કે નફો કમાવવા માટે તેની નકલ કરી શકે નહીં. તેમણે OpenAI ને તેમની સામગ્રી વાપરતા રોકવા માટે 'મનાઈ હુકમ' ની માંગ કરી છે.
OpenAI નો બચાવ અને 'ઉચિત ઉપયોગ'
બીજી તરફ, OpenAI એ કોર્ટમાં દલીલ કરી હતી કે સમાચાર એ 'તથ્યો' (Facts) છે અને કોઈ પણ વ્યક્તિ કે સંસ્થા તથ્યો પર પોતાનો એકાધિકાર જમાવી શકે નહીં. કંપનીએ એમ પણ કહ્યું કે જો કોઈ પ્લેટફોર્મ નથી ઈચ્છતું કે તેમનો ડેટા વપરાય, તો તેઓ તેમની વેબસાઈટ પર 'બ્લોકલિસ્ટ' નો ઉપયોગ કરી શકે છે. આ કેસમાં 'કોપીરાઇટ એક્ટ, ૧૯૫૭' હેઠળ 'ઉચિત ઉપયોગ' (Fair Use) ની વ્યાખ્યા પણ તપાસવામાં આવશે.
ભારત માટે કેમ મહત્વનો છે આ કેસ?
ભારતીય મીડિયા હાઉસ દ્વારા OpenAI સામે કરવામાં આવેલો આ પ્રકારનો પ્રથમ દાવો છે. આ કેસના પરિણામો માત્ર ભારત જ નહીં, પરંતુ વૈશ્વિક સ્તરે AI કંપનીઓ કેવી રીતે ડેટા મેળવે છે તેના પર મોટી અસર પાડશે. કોર્ટે આ મામલાની ગંભીરતાને જોતા કાયદાકીય નિષ્ણાતો અને પ્રોફેસરોની 'એમિસી ક્યુરી' (કોર્ટના મિત્ર) તરીકે નિમણૂક કરી છે, જેથી એ નક્કી કરી શકાય કે:
૧. શું AI ને તાલીમ આપવા માટે ડેટા સ્ટોર કરવો એ કોપીરાઇટ ભંગ છે?
૨. શું ભારતીય અદાલતો પાસે આનો અધિકારક્ષેત્ર છે કારણ કે સર્વર્સ અમેરિકામાં છે?
હવે સમગ્ર ટેક અને મીડિયા ઉદ્યોગની નજર દિલ્હી હાઈકોર્ટના ચુકાદા પર છે, જે આવનારા સમયમાં AI અને સર્જકોના અધિકારો વચ્ચેનું સંતુલન નક્કી કરશે.
(8:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
