News of Friday, 27th March 2026
ટ્રમ્પની ડબલ ગેમ... ઈરાન સાથે વાટાઘાટોઃ બીજી તરફ મધ્ય પૂર્વમાં વધુ ૧૦,૦૦૦ સૈનિકો મોકલવાની તૈયારીઓ
પેન્ટાગોને પહેલી વાર પુષ્ટિ આપી છે કે ઈરાન વિરુદ્ધ કાર્યવાહીમાં ડ્રોન સ્પીડબોટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે

નવી દિલ્હી તા.૨૭: રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે અમેરિકા આગામી દસ દિવસ સુધી ઈરાનના ઉર્જા પ્લાન્ટ અને તેલ સુવિધાઓ પર હુમલો કરશે નહીં. તેમણે કહ્યું હતું કે વાટાઘાટો ચાલી રહી છે અને શાંતિની તક છે. જો કે, અચાનક નવા અહેવાલો બહાર આવ્યા છે જે થોડું અલગ ચિત્ર રજૂ કરે છે. એવી અફવાઓ છે કે ટ્રમ્પ પヘમિ એશિયામાં ૧૦,૦૦૦ વધારાના સૈનિકો મોકલવાની તૈયારી કરી રહ્યા છે.
વોલ સ્ટ્રીટ જર્નલના અહેવાલ મુજબ, પેન્ટાગોન મધ્ય પૂર્વમાં ૧૦,૦૦૦ જેટલા વધારાના ભૂમિ સૈનિકો મોકલવાની યોજના બનાવી રહ્યું છે. આનાથી ટ્રમ્પ ઈરાન સાથે શાંતિ વાટાઘાટો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે ત્યારે તેમને વધુ લશ્કરી વિકલ્પો મળી શકે છે.
જ્યારે ૨૮ ફેબ્રુઆરીએ અમેરિકા અને ઇઝરાયલે સંયુક્ત રીતે ઈરાન પર હુમલો કર્યો, ત્યારે મોટા પાયે વાટાઘાટો હજુ પણ ચાલી રહી હતી. જોકે, આ વાટાઘાટો વચ્ચે ઈરાન પર હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં સુપ્રીમ લીડર ખામેની સહિત ૪૦ ટોચના કમાન્ડરો માર્યા ગયા હતા.
પેન્ટાગોને સત્તાવાર રીતે સ્વીકાર્યું છે કે અમેરિકાએ ઈરાન સામેની તેની કાર્યવાહીમાં માનવરહિત ઝડપી ડ્રોન બોટનો ઉપયોગ શરૂ કર્યો છે. આ પહેલી વાર છે જ્યારે અમેરિકાએ ચાલુ સંઘર્ષમાં આવી બોટનો ઉપયોગ કરવાની પુષ્ટિ કરી છે.
આ ડ્રોન બોટનો ઉપયોગ મુખ્યત્વે દેખરેખ માટે થાય છે અને જો જરૂરી હોય તો આક્રમક કામગીરી માટે પણ તેનો ઉપયોગ કરી શકાય છે. આ માહિતી અગાઉ જાહેર કરવામાં આવી ન હતી.
યુએસ નેવી છેલ્લા કેટલાક વર્ષોથી આવી માનવરહિત બોટ વિકસાવવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ તેને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે.
યુક્રેન-રશિયા યુદ્ધ દરમિયાન ડ્રોન બોટએ રશિયાના બ્લેક સી ફલીટને નોંધપાત્ર નુકસાન પહોંચાડ્યું હતું, જેનાથી તેમનું મહત્વ વધ્યું હતું. ઈરાને ગયા મહિને દરિયાઈ ડ્રોનનો ઉપયોગ કરીને ખાડીમાં તેલ ટેન્કરો પર બે હુમલા પણ કર્યા છે. જોકે, હજુ સુધી એવા કોઈ સંકેત નથી કે અમેરિકાએ આ ડ્રોન બોટનો ઉપયોગ હુમલા માટે કર્યો હોય.
પેન્ટાગોન સેન્ટ્રલ કમાન્ડના પ્રવક્તા ટિમ હોકિન્સે જણાવ્યું હતું કે મેરીલેન્ડ સ્થિત કંપની બ્લેકસી દ્વારા બનાવવામાં આવેલી GARC નામની આ માનવરહિત બોટનો ઉપયોગ પેટ્રોલિગ હેતુ માટે કરવામાં આવી રહ્યો છે. આ સમગ્ર કામગીરીને ઓપરેશન એપિક ફયુરી કહેવામાં આવે છે.
(10:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
