News of Monday, 23rd March 2026
ઈરાન યુદ્ધની એર ઈન્ડિયા પર યુદ્ધનો મોટો ફટકો:પશ્ચિમ એશિયાના રૂટ પરની અંદાજે 2500 જેટલી ફ્લાઈટ્સ રદ
સામાન્ય શિડ્યુલના માત્ર 30% ભાગ પર જ કાર્યરત:યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાં મહત્વના એરપોર્ટ અને એરસ્પેસ બંધ: ફ્લાઈટ ઓપરેશન્સ ચાલુ રાખવું જોખમી: યુદ્ધના કારણે માત્ર રસ્તાઓ જ નથી બદલાયા, પરંતુ આર્થિક બોજમાં પણ અસહ્ય વધારો

નવી દિલ્હી : મધ્ય-પૂર્વના દેશોમાં ફાટી નીકળેલા ભયાનક સંઘર્ષની સીધી અને નકારાત્મક અસર હવે વૈશ્વિક વિમાન સેવાઓ પર સ્પષ્ટપણે જોવા મળી છે. ખાસ કરીને ભારતની પ્રમુખ એરલાઇન એર ઈન્ડિયા પર આ યુદ્ધનો મોટો ફટકો પડ્યો છે, જેના કારણે હજારો મુસાફરોની મુસાફરી ખોરવાઈ ગઈ છે. સુરક્ષાના કારણોસર લેવાયેલા આકરા નિર્ણયોને પગલે આંતરરાષ્ટ્રીય સ્તરે હવાઈ મુસાફરી મોંઘી અને લાંબી બની છે. યુદ્ધની આ પરિસ્થિતિએ ઉડ્ડયન ઉદ્યોગ સામે એક મોટું આર્થિક અને વ્યવસ્થાપક સંકટ ઊભું કર્યું છે.
છેલ્લા માત્ર ત્રણ અઠવાડિયાના ટૂંકા ગાળામાં એર ઈન્ડિયાએ પશ્ચિમ એશિયાના રૂટ પરની અંદાજે 2500 જેટલી ફ્લાઈટ્સ રદ કરવાની ફરજ પડી છે. કંપનીના CEO કેમ્પબેલ વિલ્સનના જણાવ્યા અનુસાર, એરલાઇન હાલમાં તેના સામાન્ય શિડ્યુલના માત્ર 30% ભાગ પર જ કાર્યરત છે. યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાં સુરક્ષાના જોખમોને ધ્યાનમાં રાખીને અનેક મહત્વના એરપોર્ટ અને એરસ્પેસ બંધ કરી દેવામાં આવ્યા છે, જેના કારણે ફ્લાઈટ ઓપરેશન્સ ચાલુ રાખવું જોખમી બની ગયું છે.
મુસાફરોની સલામતીને સર્વોપરી ગણીને એર ઈન્ડિયાએ યુકે, યુરોપ અને અમેરિકા જતી ફ્લાઈટ્સના રૂટમાં મોટો ફેરફાર કર્યો છે. હવે આ વિમાનોને યુદ્ધગ્રસ્ત એરસ્પેસથી દૂર રાખવા માટે લાંબા અને વૈકલ્પિક રૂટ પર ડાયવર્ટ કરવામાં આવ્યા છે. આ ફેરફારને કારણે મુસાફરીના સમયમાં નોંધપાત્ર વધારો થયો છે. જે ફ્લાઈટ્સ પહેલા સીધા રૂટ પર જતી હતી, તે હવે કલાકોના વધારાના સમય સાથે ગંતવ્ય સ્થાને પહોંચી રહી છે, જે મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ બંને માટે થકવી નાખનારું સાબિત થઈ રહ્યું છે.
યુદ્ધના કારણે માત્ર રસ્તાઓ જ નથી બદલાયા, પરંતુ આર્થિક બોજમાં પણ અસહ્ય વધારો થયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની અછત અને અનિશ્ચિતતાને કારણે જેટ ફ્યુઅલ (ATF) ની કિંમતો લગભગ બમણી થઈ ગઈ છે. આ આર્થિક ફટકાને પહોંચી વળવા માટે એર ઈન્ડિયાએ હવે મુસાફરો પાસેથી 'ફ્યુઅલ સરચાર્જ' વસૂલવાનું શરૂ કર્યું છે. આના પરિણામે હવાઈ ટિકિટના દરોમાં ધરખમ વધારો થયો છે, જેનાથી સામાન્ય મુસાફરો માટે વિદેશ પ્રવાસ હવે ખર્ચાળ બન્યો છે.
એક તરફ ટિકિટના વધતા ભાવ અને બીજી તરફ મુસાફરીમાં થતો સમયનો વિલંબ-આ બંને કારણોસર આગામી સમયમાં મુસાફરોની સંખ્યામાં મોટો ઘટાડો થવાની સંભાવના છે. પ્રવાસન અને વ્યાપારિક હેતુ માટે વિદેશ જતા લોકો હવે તેમની મુસાફરી ટાળી રહ્યા છે અથવા મોકૂફ રાખી રહ્યા છે. પશ્ચિમ એશિયાના અનેક વ્યસ્ત એરપોર્ટ બંધ હોવાને કારણે કનેક્ટિંગ ફ્લાઈટ્સનું નેટવર્ક પણ સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે, જેની અસર સમગ્ર વૈશ્વિક અર્થતંત્ર પર પડી શકે છે.
(11:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
