News of Sunday, 22nd March 2026
ઈરાનનું ભયાનક અલ્ટીમેટમ: "જો પરમાણુ પ્લાન્ટ પર હુમલો થયો, તો હોર્મુઝ સ્ટ્રેટ કાયમ માટે બંધ!"
ટ્રમ્પની ધમકી સામે IRGCનો વળતો પ્રહાર: ઈઝરાયેલને અંધકારમાં ડૂબાડવા અને અમેરિકન કંપનીઓને રાખમાં ફેરવી નાખવાની ખુલ્લી ચેતવણીથી વૈશ્વિક તેલ બજારમાં ફફડાટ

તેહરાન: ઈરાનની શક્તિશાળી સૈન્ય પાંખ IRGC એ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને અત્યાર સુધીની સૌથી ગંભીર ચેતવણી આપી છે. ઈરાને સ્પષ્ટ કર્યું છે કે જો અમેરિકા કે ઈઝરાયેલ તેના પરમાણુ મથકો પર એક પણ મિસાઈલ છોડશે, તો વિશ્વની તેલ સપ્લાય લાઈન સમાન 'હોર્મુઝ સ્ટ્રેટ'ને કાયમ માટે સીલ કરી દેવામાં આવશે. આ દરિયાઈ માર્ગ જ્યાં સુધી ઈરાનના ક્ષતિગ્રસ્ત પ્લાન્ટ ફરી બેઠા નહીં થાય ત્યાં સુધી ખોલવામાં નહીં આવે, જેનો સીધો અર્થ વૈશ્વિક અર્થતંત્રને બાનમાં લેવાનો અને પેટ્રોલ-ડીઝલના ભાવમાં અકલ્પનીય વધારો કરવાનો છે.
માત્ર દરિયાઈ માર્ગ જ નહીં, ઈરાને ઈઝરાયેલની સંપૂર્ણ ઉર્જા ગ્રીડ અને સંદેશાવ્યવહાર સિસ્ટમને તોડી પાડવાની પ્રતિજ્ઞા લીધી છે. IRGC મુજબ, યુદ્ધની સ્થિતિમાં ઈઝરાયેલના પાવર પ્લાન્ટ્સને નિશાન બનાવીને આખા દેશને અંધકારમાં ધકેલી દેવામાં આવશે. આક્રમક બનેલા ઈરાને મધ્ય પૂર્વમાં કાર્યરત એવી તમામ કંપનીઓને પણ નષ્ટ કરવાની ધમકી આપી છે જેમાં અમેરિકી રોકાણકારોના હિતો જોડાયેલા છે, જેનાથી વોશિંગ્ટનને અબજો ડોલરનો આર્થિક ફટકો પડી શકે છે.
ઈરાનનો આ આક્રમક મૂડ દર્શાવે છે કે તે રક્ષણાત્મક સ્થિતિ છોડીને હવે 'આરપારની લડાઈ' માટે તૈયાર છે. જો હોર્મુઝ સ્ટ્રેટ ખરેખર બંધ થાય, તો ભારત સહિતના એશિયન દેશોમાં ઈંધણની ભારે કટોકટી સર્જાશે અને વૈશ્વિક મંદી નિશ્ચિત બનશે. ટ્રમ્પનું 48 કલાકનું અલ્ટીમેટમ અને સામે ઈરાનનો આ વળતો પ્રહાર વિશ્વને ત્રીજા વિશ્વયુદ્ધના ઉંબરે લાવીને ઊભું રાખી દીધું છે.
(10:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
