<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st March 2026

પાકિસ્તાનમાં ઈદની નમાઝ બાદ લોહીની હોળી: લશ્કર-એ-તૈયબાનો ટોપ કમાન્ડર બિલાલ આરિફ સલાફી ઠાર, અજાણ્યા બંદૂકધારીઓએ મરકઝ તૈયબામાં મચાવ્યો આતંક

મુરિદકેમાં આતંકીઓના ગઢમાં ઘૂસીને ખેલાયો લોહિયાળ જંગ; લશ્કરનો મુખ્ય રિક્રૂટર અને કટ્ટરપંથી ટ્રેનર સલાફી ગોળીબારમાં ખતમ, ઘટનાસ્થળે મચી ભારે નાસભાગ

મુરિદકે (પાકિસ્તાન): પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં આવેલા આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબા (LeT) ના મુખ્ય મથક મુરિદકેમાં આજે ઈદના પવિત્ર તહેવાર પર મોટો રક્તપાત જોવા મળ્યો છે. લશ્કર-એ-તૈયબાનો ઉચ્ચ કક્ષાનો કમાન્ડર અને આતંકીઓની ભરતી કરનાર મુખ્ય સૂત્રધાર બિલાલ આરિફ સલાફીની અજાણ્યા બંદૂકધારીઓએ ગોળી મારીને હત્યા કરી દીધી છે. આ હુમલો મરકઝ તૈયબામાં ઈદની નમાઝ પૂરી થયાની થોડી જ ક્ષણોમાં થયો હતો, જેના કારણે સમગ્ર પરિસરમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો.
ગભરાટ અને લોહીના ખાબોચિયા વચ્ચેનો વીડિયો વાયરલ
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે ગોળીબાર બાદ મરકઝ તૈયબામાં અફરાતફરી મચી ગઈ હતી. લશ્કરનો કમાન્ડર સલાફી લોહીલુહાણ હાલતમાં જમીન પર પડેલો જોવા મળ્યો હતો, જ્યારે તેની આસપાસના લોકો તેને ઉઠાવવા માટે મથામણ કરી રહ્યા હતા. હુમલો એટલો સચોટ હતો કે સલાફીને બચવાની કોઈ તક મળી નહોતી. હુમલાખોરો કોણ હતા અને આ હત્યા પાછળનો ચોક્કસ હેતુ શું છે, તે હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી.
કોણ હતો બિલાલ આરિફ સલાફી?
બિલાલ આરિફ સલાફી લશ્કર-એ-તૈયબાના સૌથી પ્રભાવશાળી કમાન્ડરોમાંનો એક માનવામાં આવતો હતો. અહેવાલો મુજબ, તે મુરિદકે સેન્ટરમાં 'ચીફ રિક્રૂટર' તરીકે કાર્યરત હતો. તેનું મુખ્ય કામ પાકિસ્તાનભરના યુવાનોને ઓળખી, તેમને કટ્ટરપંથી બનાવીને "કાશ્મીર જેહાદ" ના નામે આતંકી ગતિવિધિઓમાં ધકેલવાનું હતું. તે મરકઝ તૈયબાનો ઉપયોગ યુવાનોને વૈચારિક તાલીમ આપવા માટેના મુખ્ય આધાર તરીકે કરતો હતો.
આતંકી સંગઠનોમાં ફફડાટ
છેલ્લા કેટલાક સમયથી પાકિસ્તાનની ધરતી પર આતંકી સંગઠનોના ટોચના નેતાઓ પર થઈ રહેલા 'અજ્ઞાત' હુમલાઓએ આતંકી આકાઓની ઊંઘ હરામ કરી દીધી છે. સલાફીની હત્યા એ લશ્કર-એ-તૈયબા માટે મોટો આંચકો માનવામાં આવે છે, કારણ કે તે સંગઠન માટે નવા લડવૈયાઓ તૈયાર કરવામાં મહત્વની કડી હતો. પાકિસ્તાની એજન્સીઓ હાલ આ મામલે તપાસ કરી રહી છે, પરંતુ હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર આવ્યું નથી.

(8:51 PM IST)