તા. ૩ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૭ ગુરૂવાર
News of Friday, 20th March 2026
લગ્નનો ઇનકાર કર્યો એટલે યુવકે AIથી અશ્લીલ ફોટો બનાવીને યુવતીના પપ્પાને મોકલી દીધા

મુંબઈ,તા.૨૦: ઘાટકોપર-વેસ્ટમાં રહેતી ૩૪ વર્ષની મારવાડી યુવતીના ફોટો આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) દ્વારા અશ્લીલ રીતે એડિટ કરીને તેના પપ્પાને મોકલવાના આરોપસર પાર્કસાઇટ પોલીસે સની ટપાલિયા નામના યુવક સામે મંગળવારે IT એક્ટ હેઠળ ફરિયાદ નોંધી છે. ફરિયાદ મુજબ સની યુવતીનો સામાન્ય મિત્ર હતો અને તેણે વારંવાર યુવતી પર લગ્ન માટે દબાણ કર્યું હતું, પરંતુ યુવતીએ એનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. એને કારણે ગુસ્સે ભરાયેલા સનીએ યુવતીના ફોટો AI મારફત એડિટ કરીને તેના પપ્પાને મોકલ્યા હતા. સાથે આ ફોટો અન્ય સગાંસંબંધીઓને પણ વાઇરલ કરવાની ધમકી આપી હોવાનો ઉલ્લેખ ફરિયાદમાં કરવામાં આવ્યો છે.
પાર્કસાઇટ પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે'ને કહ્યું હતું કે ‘ઇન્સ્ટાગ્રામ પર થોડા સમય પહેલાં યુવતીની ઓળખાણ સની સાથે થઈ હતી. બન્ને મારવાડી હોવાને કારણે સનીએ યુવતીને લગ્ન માટે પ્રસ્તાવ મૂક્યો હતો, જેને શરૂઆતમાં યુવતીએ સકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો અને સનીને તેના પરિવારજનોને પોતાના ઘરે લાવીને લગ્ન માટે વાત કરવાનું સૂચન કર્યું હતું. જોકે સનીએ એવું ન કરતાં સતત યુવતીને મળવા અને ભાગીને લગ્ન કરવાનો આગ્રહ રાખ્યો હતો. ત્યાર બાદ યુવતીએ તેની સાથે વાતચીત બંધ કરી દીધી હતી. રવિવારે સની દારૂ પીને યુવતીના બિલ્ડિંગ નીચે આવ્યો હતો અને સોસાયટીમાં જોરજોરથી બૂમાબૂમ કરીને ગાળો અને એલફેલ બોલ્યો હતો એટલું જ નહીં, તેની માગણી ન માનતાં યુવતીને બરબાદ કરી દેવાની ધમકી પણ આપી હતી. એ પછી પણ સની અટક્યો નહોતો, એ દિવસે ઘરે જઈને યુવતીના ફોટો AI મારફત એડિટ કરીને તેના પપ્પાને મોકલીને ધમકાવ્યા હતા. અંતે યુવતીએ પોલીસ-ફરિયાદ નોંધાવી હતી.
(10:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
