<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th March 2026

'મેં મારા ૧૩ વર્ષના દીકરાને કહ્યું, આ યુદ્ધ તારા ભવિષ્ય માટે છે': અમેરિકન સંરક્ષણ સચિવ પીટ હેગસેથનું પેન્ટાગોન બ્રીફિંગમાં લાગણીશીલ નિવેદન

ઈરાન સામેના યુદ્ધમાં ૭,૦૦૦થી વધુ લક્ષ્યો પર અમેરિકાનો પ્રચંડ પ્રહાર; શહીદ સૈનિકોના પરિવારોની એક જ માંગ- 'કામ પૂરું ન થાય ત્યાં સુધી અટકશો નહીં' - ભવિષ્યની પેઢીને પરમાણુ જોખમથી બચાવવાનો અમેરિકાનો નિર્ધાર

વોશિંગ્ટન: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ભીષણ સંઘર્ષ વચ્ચે અમેરિકાના સંરક્ષણ સચિવ પીટ હેગસેથે એક પ્રેસ કોન્ફરન્સમાં અત્યંત ભાવુક છતાં મક્કમ સંબોધન કર્યું છે. તેમણે પોતાના ૧૩ વર્ષના પુત્ર સાથે થયેલી વાતચીતનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, આ યુદ્ધ માત્ર વર્તમાન માટે નથી, પરંતુ આવનારી પેઢીઓને સુરક્ષિત રાખવા માટે છે. હેગસેથે સ્પષ્ટ કર્યું કે અમેરિકા ઈરાન સામે તેની શરતો પર વિજય મેળવી રહ્યું છે અને અત્યાર સુધીમાં ઈરાનના લશ્કરી માળખાના ૭,૦૦૦થી વધુ ઠેકાણાઓને નષ્ટ કરવામાં આવ્યા છે.
હેગસેથે જણાવ્યું કે, "ગઈકાલે મારા ૧૩ વર્ષના દીકરાએ મને ઈરાન યુદ્ધ અને તેમાં શહીદ થયેલા અમેરિકન સૈનિકો વિશે પૂછ્યું હતું. મેં તેને આંખમાં આંખ પરોવીને કહ્યું કે, આ સૈનિકોએ તારા માટે અને તારા જેવી કરોડો કિંમતી જિંદગીઓ માટે બલિદાન આપ્યું છે. તેઓ એટલા માટે લડ્યા જેથી તારે કે ભવિષ્યની પેઢીઓને ક્યારેય પરમાણુ શસ્ત્રોથી સજ્જ ઈરાનનો સામનો ન કરવો પડે."
ગઈકાલે ડોવર એરફોર્સ બેઝ પર એક ગંભીર વાતાવરણ જોવા મળ્યું હતું. પ્રમુખ ટ્રમ્પ, સંરક્ષણ સચિવ હેગસેથ અને જનરલ કેન એ છ ક્રૂ સભ્યોના મૃતદેહો સ્વીકારવા હાજર રહ્યા હતા, જેઓ ઈરાકમાં KC-135 વિમાન દુર્ઘટનામાં શહીદ થયા હતા. હેગસેથે કહ્યું, "જ્યારે અમે તે ધ્વજમાં લપેટાયેલા શબપેટીઓ સામે મૌન ઊભા હતા, ત્યારે શહીદોના પરિવારોની આંખોમાં આંસુ હોવા છતાં એક અડગ સંકલ્પ હતો. દરેક પરિવારે મને એક જ વાત કહી- 'કામ પૂરું કરો, અચકાશો નહીં અને તેમના બલિદાનને એળે ન જવા દો.'"
અમેરિકન સંરક્ષણ સચિવે ભારપૂર્વક જણાવ્યું કે અમેરિકા પાછળ હટવાનું નથી. તેમણે કહ્યું કે શહીદોના પરિવારોનો આ આદેશ જ હવે અમારો સંકલ્પ છે. અમેરિકાના ઉદ્દેશ્યો સ્પષ્ટ છે અને તે જીતવા માટે જ લડી રહ્યું છે. ઈરાનના લશ્કરી માળખા પરના સતત હુમલાઓ દર્શાવે છે કે પેન્ટાગોન આ વખતે કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવાના મૂડમાં નથી. આ પ્રેસ કોન્ફરન્સે વિશ્વને એ સંદેશ આપ્યો છે કે અમેરિકા આ સંઘર્ષને તેના તાર્કિક અંત સુધી લઈ જવા માટે કટિબદ્ધ છે

 

(7:57 PM IST)