<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th March 2026

સુપ્રીમ કોર્ટનો 'તારીખ પર તારીખ' પ્રથા પર હથોડો: હવે બહાનાબાજી નહીં ચાલે, ન્યાયમાં થશે ઝડપ

ચીફ જસ્ટિસનો ઐતિહાસિક પરિપત્ર: નિયમિત કેસોમાં મુલતવી રાખવા પર સંપૂર્ણ પ્રતિબંધ: બીમારી કે મૃત્યુ જેવા અત્યંત ગંભીર કારણો સિવાય સુનાવણી નહીં અટકે : વકીલોએ હવે ફરજિયાત દલીલો માટે રહેવું પડશે સજ્જ

નવી દિલ્હી:  ભારતની સર્વોચ્ચ અદાલતે દેશની ન્યાયિક પ્રણાલીમાં વર્ષોથી ઘર કરી ગયેલી 'તારીખ પર તારીખ'ની સંસ્કૃતિને જડમૂળથી ઉખેડી નાખવા માટે કમર કસી છે. ૧૮ માર્ચ, ૨૦૨૬ના રોજ જારી કરાયેલા એક ક્રાંતિકારી પરિપત્ર મુજબ, સુપ્રીમ કોર્ટે સુનાવણી મુલતવી રાખવા ના નિયમોને લોખંડી બનાવ્યા છે. હવેથી "નિયમિત" શ્રેણીના કેસોમાં કોઈપણ પ્રકારની મુલતવી મંજૂર કરવામાં આવશે નહીં. આનો સીધો અર્થ એ છે કે એકવાર કેસ લિસ્ટ થઈ ગયા પછી, વકીલોએ કોઈપણ બહાના વગર દલીલો શરૂ કરવી પડશે. આ નિર્ણય લાખો પડતર કેસોના ભારણને ઘટાડવા અને સામાન્ય માણસને ઝડપી ન્યાય અપાવવા તરફનું મોટું કદમ માનવામાં આવે છે.

નવા નિયમો મુજબ, જો કોઈ પક્ષકાર "તાજા" અથવા "નોટિસ પછીના" કેસમાં સુનાવણી ટાળવા માંગતો હોય, તો તેણે લોખંડી પ્રક્રિયામાંથી પસાર થવું પડશે. મુલતવી રાખવાની વિનંતી સુનાવણીના આગલા દિવસે સવારે ૧૧ વાગ્યા સુધીમાં જ કરી શકાશે અને તે માટે સામા પક્ષને અગાઉથી જાણ કરવી ફરજિયાત રહેશે. એટલું જ નહીં, સામો પક્ષ બપોરે ૧૨ વાગ્યા સુધીમાં ઈમેલ દ્વારા પોતાનો વાંધો પણ નોંધાવી શકશે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે પરિવારમાં મૃત્યુ અથવા ગંભીર બીમારી જેવા અપવાદરૂપ અને માન્ય કારણો સિવાય કોઈ પણ વિનંતી ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં.

મહત્વની વાત એ છે કે, હવે નવા કેસોમાં મુલતવી રાખવાની તક માત્ર એક જ વાર મળશે. સતત બે વાર મુલતવી રાખવા પર કડક પ્રતિબંધ લાદવામાં આવ્યો છે, પછી ભલે વિનંતી ગમે તે પક્ષ તરફથી હોય. આ કડક વલણને કારણે વકીલોએ હવે કેસની તૈયારીમાં વધુ ચોકસાઈ રાખવી પડશે. સુપ્રીમ કોર્ટનું આ પગલું માત્ર કાગળ પરનો પરિપત્ર નથી, પરંતુ ન્યાયિક પ્રક્રિયાને વધુ પારદર્શક અને ગતિશીલ બનાવવાનો એક મક્કમ નિર્ધાર છે, જેનાથી ન્યાયતંત્રની વિશ્વસનીયતામાં વધારો થશે.

 

(7:31 PM IST)