News of Thursday, 19th March 2026
સાઉદી-ઈરાન જંગની જ્વાળા: રિયાધની ગર્જનાથી ઇસ્લામાબાદમાં ફફડાટ : શું પાકિસ્તાન બલીનો બકરો બનશે?
ક્રાઉન પ્રિન્સ સલમાનના તેવર આક્રમક: તેલ રિફાઇનરીઓ પર ઈરાની હુમલા બાદ સાઉદી વિદેશ મંત્રીની ખુલ્લી ચેતવણી: સંરક્ષણ કરારમાં ફસાયેલા શરીફ અને આર્મી ચીફ અસીમ મુનીરની ઊંઘ હરામ

રિયાધ: મધ્ય પૂર્વમાં યુદ્ધનો વ્યાપ હવે ભયાનક સ્તરે પહોંચી ગયો છે. સાઉદી અરેબિયાના વિદેશ પ્રધાન ફૈઝલ બિન ફરહાન અલ-સઉદે ગુરુવારે ઈરાન સામે સીધી સૈન્ય કાર્યવાહીની કડક ચેતવણી આપી છે. ઈરાને લાલ સમુદ્ર પર આવેલી સાઉદી રિફાઇનરીઓ, કતારના LNG પ્લાન્ટ અને કુવૈતની ઓઈલ સુવિધાઓ પર રાતોરાત જે મિસાઈલ મારો કર્યો છે, તેને સાઉદીએ તેની સાર્વભૌમત્વ પરનો હુમલો ગણાવ્યો છે. રિયાધમાં આયોજિત 12 આરબ દેશોની તાકીદની બેઠક બાદ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે હવે સાઉદી અરેબિયા પોતાના સંસાધનો અને નાગરિકોના રક્ષણ માટે કોઈ પણ હદ સુધી જવામાં અચકાશે નહીં.
આ ધમકીએ પાકિસ્તાનના સત્તાધિશોની ઉંઘ ઉડાડી દીધી છે. પાકિસ્તાન અને સાઉદી અરેબિયા વચ્ચે થયેલા ગુપ્ત સંરક્ષણ કરાર મુજબ, સાઉદી અરેબિયા પરનો કોઈ પણ હુમલો પાકિસ્તાન પરનો હુમલો માનવામાં આવશે. જો સાઉદી અને ઈરાન વચ્ચે જંગ છેડાય છે, તો પાકિસ્તાની સેનાએ આ કરાર મુજબ સાઉદીના પક્ષે યુદ્ધના મેદાનમાં ઉતરવું પડશે. પાયમાલ અર્થતંત્ર અને આંતરિક અસ્થિરતા સામે ઝઝૂમી રહેલા પાકિસ્તાન માટે આ પરિસ્થિતિ 'સૂડી વચ્ચે સોપારી' જેવી છે. વડાપ્રધાન શાહબાઝ શરીફ અને આર્મી ચીફ મુનીર માટે મુસીબત એ છે કે જો તેઓ સાઉદીને સાથ આપે તો ઈરાન સાથે સીધી દુશ્મની થાય અને જો ન આપે તો સાઉદી તરફથી મળતી અબજો ડોલરની આર્થિક મદદ બંધ થઈ જાય.
ઈરાનના હુમલા માત્ર તેલના કૂવાઓ સુધી મર્યાદિત નથી રહ્યા, પરંતુ તેમાં રહેણાંક વિસ્તારો, એરપોર્ટ્સ અને રાજદ્વારી કમ્પાઉન્ડ્સને પણ નિશાન બનાવવામાં આવ્યા છે. આરબ દેશોના સંયુક્ત નિવેદનમાં ઈરાનની આ હરકતોની આકરા શબ્દોમાં નિંદા કરવામાં આવી છે. બીજી તરફ, પાકિસ્તાન પહેલેથી જ આર્થિક રીતે દેવાળિયું થવાના આરે છે, અને જો તે આ મહાયુદ્ધમાં સીધું સામેલ થશે, તો દેશની બચેલી-કુચેલી અર્થવ્યવસ્થા પણ ધ્વસ્ત થઈ જશે. રિયાધથી મળેલી આ કડક ચેતવણી બાદ હવે આખું વિશ્વ જોઈ રહ્યું છે કે ઈરાન નમતું જોખશે કે પછી આ તણાવ ત્રીજા વિશ્વયુદ્ધની શરૂઆત બનશે.
(7:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
