News of Thursday, 19th March 2026
બંગાળ સંગ્રામ: ભાજપની બીજી યાદીમાં 'માસ્ટરસ્ટ્રોક': બિષ્ણુપુર બેઠક પર અચાનક ઉમેદવાર બદલાતા રાજકારણ ગરમાયું
111 મહારથીઓના નામ સાથે કેસરીયો કેમ્પ એક્શન મોડમાં: રૂપા ગાંગુલી અને નિસિથ પ્રામાણિક જેવા દિગ્ગજો મેદાનમાં : જ્યારે બિષ્ણુપુરથી અગ્નિશ્વર નાસ્કરના સ્થાને વિશ્વજીત ખાન પર ખેલવામાં આવ્યો જુગાર

કોલકાતા: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026 માટે ભારતીય જનતા પાર્ટીએ તેની બીજી યાદી જાહેર કરીને વિરોધ પક્ષોની ઊંઘ ઉડાવી દીધી છે. આ યાદીમાં સૌથી વધુ ચર્ચા બિષ્ણુપુર બેઠકની થઈ રહી છે, જ્યાં ભાજપે છેલ્લી ઘડીએ મોટો ફેરફાર કર્યો છે. અગાઉ જાહેર કરાયેલા અગ્નિશ્વર નાસ્કરનું પત્તું કાપીને પક્ષે હવે વિશ્વજીત ખાનને ટિકિટ આપી છે. આ ફેરબદલ પાછળ સ્થાનિક સમીકરણો અને જીતવાની ક્ષમતા ને મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે. પ્રથમ યાદીમાં 144 નામો બાદ હવે વધુ 111 ઉમેદવારો જાહેર થતા ભાજપે બંગાળના ગઢમાં મજબૂત કિલ્લેબંધી કરી લીધી છે.
આ બીજી યાદીમાં પક્ષે ગ્લેમર અને અનુભવનો અદભૂત સમન્વય કર્યો છે. જાણીતી અભિનેત્રી રૂપા ગાંગુલીને સોનારપુર દક્ષિણથી મેદાનમાં ઉતારીને ભાજપે મહિલા મતદારોને આકર્ષવાનો પ્રયાસ કર્યો છે, તો માથાભંગાથી કદાવર નેતા નિસિથ પ્રામાણિક અને બેરકપોરથી કૌસ્તવ બાગચી જેવા લડાયક ચહેરાઓને ટિકિટ આપીને જંગને હાઈ-પ્રોફાઈલ બનાવી દીધી છે. આ ઉપરાંત, સંદેશખાલી આંદોલનનો ચહેરો બનેલા રેખા પાત્રાને હિંગલગંજથી ઉમેદવાર બનાવી ભાજપે તૃણમૂલ કોંગ્રેસને ભીંસમાં લેવાની પૂરેપૂરી તૈયારી કરી લીધી હોય તેમ જણાય છે.
પશ્ચિમ બંગાળમાં સત્તાનું સિંહાસન મેળવવા માટે બે તબક્કામાં એટલે કે 23 એપ્રિલ અને 29 એપ્રિલના રોજ મતદાન થવાનું છે. ભાજપની આ આક્રમક રણનીતિ સામે મમતા બેનર્જીનો કયો 'ખેલ' કામ લાગશે તે જોવું રસપ્રદ રહેશે. પ્રિયંકા તિબ્રેવાલ એન્ટાલીથી અને તાપસ રોય માનિકતલાથી ચૂંટણી લડવાના હોવાથી કોલકાતાની આસપાસની બેઠકો પર રસાકસી જામશે. તમામ 255 ઉમેદવારોના ભાવિનો ફેંસલો 4 મે, 2026 ના રોજ મતગણતરી બાદ થશે, જે નક્કી કરશે કે બંગાળમાં 'પરિવર્તન' આવશે કે 'દીદી'નું શાસન યથાવત રહેશે.
(7:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
