<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th March 2026

ટેસ્લા સાયબરટ્રકનો 'ઘાતક' વળાંક: સેલ્ફ-ડ્રાઇવિંગ મોડમાં ખામીને કારણે કાર ઓવરપાસ પરથી નીચે ખાબકતા બચી : કેસ દાખલ

હ્યુસ્ટનમાં બનેલી કંપારી છૂટી જાય તેવી ઘટના: 1 મિલિયન ડોલરના દાવા સાથે મહિલાએ એલોન મસ્કની કંપનીને કોર્ટમાં ઘસેડી : ડેશકેમ વીડિયોમાં કેદ થઈ ટેસ્લાની ટેકનિકલ નિષ્ફળતાની લાઇવ તસવીરો અને માસૂમ બાળકનો ચમત્કારિક બચાવ

હ્યુસ્ટન:  ટેસ્લાના અત્યાધુનિક 'સાયબરટ્રક' અને તેના ફુલ સેલ્ફ-ડ્રાઇવિંગ  ફીચર પર ફરી એકવાર ગંભીર સવાલો ઉભા થયા છે. અમેરિકાના હ્યુસ્ટનમાં બનેલી એક ભયાનક ઘટનામાં, એક મહિલા ડ્રાઈવર અને તેનું એક વર્ષનું બાળક મોતને મુખમાંથી પાછા આવ્યા છે. ઓગસ્ટ 2025માં બનેલી આ દુર્ઘટનામાં, ટેસ્લાની સ્માર્ટ સિસ્ટમ Y-આકારના ઓવરપાસ પર યોગ્ય સમયે વળવામાં નિષ્ફળ રહી હતી. સેલ્ફ-ડ્રાઇવિંગ મોડ પર ચાલતી આ લક્ઝરી ઇલેક્ટ્રિક કાર કોઈ પણ પૂર્વ ચેતવણી વિના સીધી કોંક્રિટ બેરિયર સાથે અથડાઈ હતી. અકસ્માત એટલો ભીષણ હતો કે કારના ફુરચા હવામાં ઉડ્યા હતા અને તે પુલ પરથી નીચે પડતા માંડ-માંડ બચી હતી.

પીડિત મહિલાએ હવે ટેસ્લા કંપની સામે $1 મિલિયન (આશરે ₹8.3 કરોડ) ના વળતરનો દાવો માંડ્યો છે. મહિલાના વકીલોએ કોર્ટમાં રજૂઆત કરી છે કે, કારે ડ્રાઇવરને નિયંત્રણ લેવાની તક આપ્યા વિના જ અચાનક ખોટી દિશામાં ગતિ પકડી લીધી હતી. સામે આવેલા ડેશકેમ ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે કારે જમણી તરફ વળવાને બદલે સીધી દિશામાં જઈને અવરોધ સાથે ટક્કર મારી હતી. આ અકસ્માતમાં મહિલાને ગરદન, પીઠ અને ખભાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે, જેની લાંબી સારવાર બાદ હવે તેણે ટેસ્લાની 'ખોટી રજૂઆત' અને 'ડિઝાઇન ખામી' વિરુદ્ધ કાયદાકીય જંગ છેડ્યો છે.

આ ઘટનાએ એલોન મસ્કના એ દાવાઓ પર ફરીથી ચર્ચા છેડી દીધી છે જેમાં તેઓ ટેસ્લાના ઓટોપાયલટને માનવ ડ્રાઈવર કરતા વધુ સુરક્ષિત ગણાવે છે. અકસ્માત સમયે પાછળની સીટ પર બેઠેલા એક વર્ષના બાળકનો ચમત્કારિક બચાવ થયો છે, પરંતુ ટેસ્લાની આસિસ્ટેડ ડ્રાઇવિંગ સિસ્ટમની વિશ્વસનીયતા પર કાયમી ડાઘ લાગ્યો છે. કંપની પર આરોપ છે કે તેમણે ગ્રાહકોને અર્ધ-વિકસિત ટેકનોલોજી વેચીને તેમના જીવ જોખમમાં મૂક્યા છે. હાલમાં આ કેસમાં ટેસ્લાના ડેટા લોગ્સની ઊંડી તપાસ ચાલી રહી છે જે નક્કી કરશે કે શું ખરેખર સોફ્ટવેરમાં કોઈ મોટી ખામી હતી કે કેમ.

 

(6:27 PM IST)