<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th March 2026

ઈરાને કતાર-સાઉદી બાદ હવે કુવૈતની રિફાઈનરી ફૂંકી મારી

ઈઝરાયલી હુમલાથી ધૂંધવાયેલા ઈરાને ખાડી દેશોના ઉર્જા સામ્રાજ્‍યને વેરવિખેર કરવાની આપી ખુલ્લી ચેતવણી તેલ અને ગેસના કુવાઓ પર મિસાઈલ વર્ષા થતા વૈશ્વિક બજારમાં હાહાકાર અને ક્રૂડના ભાવમાં ભડકો

દુબઈ, તા.૧૯: મધ્‍ય પૂર્વમાં ચાલી રહેલો સંઘર્ષ હવે ખતરનાક વળાંક લઈ રહ્યો છે, જ્‍યાં ઈરાને પોતાના ગેસ પ્‍લાન્‍ટ પર થયેલા ઈઝરાયલી હુમલાનો બદલો લેવા માટે પડોશી દેશોની ઉર્જા સુવિધાઓને નિશાન બનાવવાનું શરૂ કર્યું છે. કતારના રાસ લાફાન ગેસ પ્‍લાન્‍ટ અને સાઉદી અરેબિયા પર મિસાઈલ હુમલા બાદ હવે કુવૈતની ઓઈલ રિફાઈનરી પણ આ આગની લપેટમાં આવી ગઈ હોવાના અહેવાલો છે. ઈરાને સ્‍પષ્ટ શબ્‍દોમાં ચેતવણી આપી છે કે જો તેની આર્થિક કરોડરજ્જુ સમાન ગેસ ક્ષેત્રો પર હુમલા ચાલુ રહેશે, તો સમગ્ર ગલ્‍ફ દેશોનું ઇન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર તેનું કાયદેસરનું નિશાન બનશે. આ આક્રમક વલણને કારણે તેલના ભાવમાં અચાનક ઉછાળો આવ્‍યો છે, જેનાથી વિશ્વભરની અર્થવ્‍યવસ્‍થા પર સંકટના વાદળો છવાયા છે.

કતારે આ હુમલાના જવાબમાં અત્‍યંત કડક રાજદ્વારી પગલું ભરતા ઈરાની લશ્‍કરી અને સુરક્ષા અધિકારીઓને પર્સોના નોન ગ્રેટા જાહેર કર્યા છે. રાસ લાફાન જેવા સંવેદનશીલ ઔદ્યોગિક શહેર પર થયેલા હુમલાથી કતારના અર્થતંત્રને મોટો ફટકો પડ્‍યો છે, પરિણામે દોહાએ ઈરાની એટેચી અને તેમના સ્‍ટાફને માત્ર ૨૪ કલાકની અંદર દેશ છોડી દેવાનો અલ્‍ટીમેટમ આપ્‍યો છે. સાઉદી અરેબિયાએ પણ પોતાની રાજધાની રિયાધ પર આવતી અનેક બેલિસ્‍ટિક મિસાઈલોને હવામાં જ તોડી પાડી હોવાનો દાવો કર્યો છે, પરંતુ મિસાઈલોનો કાટમાળ રહેણાંક વિસ્‍તારો અને તેલ સુવિધાઓ પાસે પડતા જનજીવન પ્રભાવિત થયું છે.

ઈરાને હવે સાઉદીની સમરેફ રિફાઇનરી, યુએઈના અલ હોતા ગેસ ક્ષેત્ર અને કુવૈતના સ્‍થાપનોને તાત્‍કાલિક ખાલી કરવા માટે આખરી ચેતવણી આપી છે. ઈરાની મીડિયા મુજબ, આ સુવિધાઓ પર આગામી ગમે તે ક્ષણે હુમલો થઈ શકે છે, તેથી ત્‍યાં કામ કરતા નાગરિકો અને સ્‍ટાફને જીવ બચાવવા સ્‍થળાંતર કરવા જણાવાયું છે. ઇઝરાયલે અમેરિકાના સંકલનથી ઈરાનના દક્ષિણ પાર્સ ગેસ ક્ષેત્રને જે રીતે નુકસાન પહોંચાડ્‍યું છે, તેનો વળતો પ્રહાર હવે સમગ્ર મધ્‍ય પૂર્વને અસ્‍થિર કરી રહ્યો છે. જો આ યુદ્ધ વધુ વકરશે તો વૈશ્વિક સ્‍તરે ઉર્જા પુરવઠો ખોરવાઈ જવાની અને મહાયુદ્ધ જેવી સ્‍થિતિ સર્જાવવાની પૂરેપૂરી શકયતા છે.

(3:59 PM IST)