News of Thursday, 19th March 2026
હાઈવે પર ટોલના નિયમો થયા કડકઃ હવે સીધી ઘરે આવશે ઇ-નોટિસ
કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય હાઇવે ફી નિયમો ૨૦૨૬માં સુધારો કર્યોઃ આ નવા નિયમો ૧૭ માર્ચ, ૨૦૨૬થી અમલમાં આવ્યા : જો નોટિસ મળ્યાના ૭૨ કલાકની અંદર ચુકવણી કરવામાં નહીં આવે તો ચૂકવવાની થતી ટોલ રકમ બમણી થઈ જશે

નવી દિલ્હી તા.૧૯: ભારતમાં હાઇવે પર મુસાફરી કરનારાઓ માટે ટોલ નિયમો હવે વધુ કડક બન્યા છે. કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય હાઇવે ફી નિયમો ૨૦૨૬માં સુધારો કર્યો છે. આ નવા નિયમો ૧૭ માર્ચ, ૨૦૨૬થી અમલમાં આવ્યા છે.
સરકારે હવે ઇ-નોટિસ સિસ્ટમ શરૂ કરી છે. આનો અર્થ એ છે કે જો કોઈ વાહન હાઇવે ટોલ પ્લાઝામાંથી ચૂકવણી કર્યા વિના પસાર થાય છે અથવા જો ચુકવણી અધૂરી રહે છે, તો વાહન માલિકને સીધી ડિજિટલ નોટિસ મોકલવામાં આવશે. જો નોટિસ મળ્યાના ૭૨ કલાકની અંદર ચુકવણી કરવામાં નહીં આવે તો ચૂકવવાની થતી ટોલ રકમ બમણી થઈ જશે.
સરકારે નિયમોમાં અનપેડ યુઝર ફીઝ નામનો નવો શબ્દ ઉમેર્યો છે. એનો મતલબ એમ છે કે, ઇલેક્ટ્રોનિક સિસ્ટમમાં ટોલ રેકોર્ડ થઈ ગયો છે પરંતુ તેની ચુકવણી કરવાની બાકી છે. આ બધામાં ફાસ્ટેગમાં બેલેન્સ ઓછું હોવું, ટ્રાન્ઝેક્શન ફેલ થવું અથવા વાહનનું ટોલ પ્લાઝાથી પસાર થવું પરંતુ ચુકવણી ન થાય, વગેરે બાબતનો સમાવેશ થાય છે. સરકારનું કહેવું છે કે, નવી સિસ્ટમ ટોલની થતી ઓછી વસૂલાતને રોકવા અને નિયમોનું મજબૂત પાલન કરવા માટે લગાવવામાં આવી છે.
નવા નિયમો હેઠળ, ટોલ બાકી હોય તો વાહન માલિકને ઇ-નોટિસ મોકલવામાં આવશે. આ નોટિસ SMS, ઇમેઇલ, મોબાઇલ એપ્લિકેશન્સ અથવા અન્ય ડિજિટલ માધ્યમ દ્વારા મોકલી શકે છે. નોટિસમાં વાહન, ટોલ વ્યવહાર અને ચૂકવવાપાત્ર રકમ સંબંધિત વ્યાપક વિગતો હશે. તેમજ નોટિસ ઓનલાઈન પોર્ટલ પર પણ ઉપલબ્ધ હશે, જ્યાં વાહન માલિકો તેને જોઈ શકશે.
નિયમો ચુકવણી માટે ચોક્કસ સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે. જો વાહન માલિક ઇ-નોટિસ મળ્યાના ૭૨ કલાકની અંદર ચુકવણી કરે છે, તો તેમણે ફક્ત મૂળ ટોલ રકમ ચૂકવવાની રહેશે. જો કે, જો ૭૨ કલાકનો સમય વીતી ગયા પછી ચુકવણી માટે રકમ બમણી થઈ જશે.
સરકારે નિયમોમાં બીજી કડક જોગવાઈ મૂકી છે. જો બાકી ટોલ બાકી રકમ ૧૫ દિવસ સુધી ચૂકવવામાં ન આવે અને કોઈ ઔપચારિક ફરિયાદ નોંધાઈ ન હોય તો આ બાકી રકમ રાષ્ટ્રીય વાહન ડેટાબેઝમાં નોંધવામાં આવશે. વાહન સાથે જોડાયેલી સેવાઓ સ્થગિત થઈ શકે છે. બીજા શબ્દોમાં કહીએ તો, બાકી ટોલ બાકી રકમ સંપૂર્ણપણે ચૂકવવામાં ન આવે ત્યાં સુધી વાહન સાથે સંકળાયેલી કેટલીક સરકારી સેવાઓ રોકી શકાય છે.
(9:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
