News of Wednesday, 18th March 2026
ગંગાની પવિત્ર લહેરો પર ચિકન બિરયાનીની મિજબાની પડી ભારે: વારાણસીમાં ઈફ્તાર પાર્ટી કરનારા ૧૪ મુસ્લિમ યુવકો જેલના સળિયા પાછળ
"ઈફ્તાર એ ધાર્મિક કાર્ય છે, પિકનિક નહીં": અંજુમન કમિટીએ પણ યુવકોની હરકતને વખોડી, પવિત્ર નદીમાં હાડકાં ફેંકી આસ્થાનું અપમાન કરનારા તમામ આરોપીઓની ધરપકડ

વારાણસી: ધર્મનગરી કાશીમાં ગંગા નદીની મધ્યમાં નાવ પર સવાર થઈને ચિકન બિરયાનીની પાર્ટી કરવી અને ત્યારબાદ તેના હાડકાં પવિત્ર નદીમાં ફેંકવાની હરકતે ભારે વિવાદ જગાવ્યો છે. આ મામલે કડક કાર્યવાહી કરતા વારાણસી પોલીસે ૧૪ મુસ્લિમ યુવકોની ધરપકડ કરી તેમને જેલ ભેગા કરી દીધા છે. આ ઘટનાને લઈને માત્ર હિન્દુ સંગઠનો જ નહીં, પરંતુ મુસ્લિમ સમાજના બુદ્ધિજીવીઓએ પણ આક્રોશ વ્યક્ત કર્યો છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે આ યુવકો ગંગાની લહેરો પર નાવમાં બેસીને માંસાહારી ભોજન સાથે ઈફ્તાર પાર્ટી કરી રહ્યા હતા. આ કૃત્યથી કાશીની પરંપરા અને ગંગા પ્રત્યેની આસ્થા ધરાવતા લોકોની ભાવના દુભાઈ હતી. પોલીસે ત્વરિત પગલાં ભરીને અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધ્યો હતો અને તપાસ બાદ તમામ ૧૪ આરોપીઓની ઓળખ કરીને તેમને મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કર્યા હતા, જ્યાંથી તેમને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવાયા છે.
આ ઘટના અંગે મુસ્લિમ સમુદાયના નેતા સૈયદ મોહમ્મદ યાસીને સખત પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, "ઈફ્તાર એ શુદ્ધ ધાર્મિક કાર્ય છે, તેને પિકનિક જેવું સ્વરૂપ આપી શકાય નહીં. ગંગા નદીમાં આવી હરકત કરીને આ યુવકોએ માત્ર બીજા ધર્મનું જ નહીં પરંતુ પોતાના મઝહબનું પણ અપમાન કર્યું છે." અંજુમન કમિટીએ પણ આ ઘટનાની નિંદા કરતા કહ્યું છે કે ગંગા કિનારે કે નદીમાં માંસાહારનું સેવન કરવું એ કોઈપણ રીતે યોગ્ય નથી.
વારાણસી પોલીસના જણાવ્યા અનુસાર, પવિત્ર સ્થળો પર મર્યાદા જાળવી રાખવી અત્યંત આવશ્યક છે. આ મામલે ધરપકડ કરાયેલા તમામ યુવકો સ્થાનિક વિસ્તારના જ રહેવાસી છે. કાશીમાં વધી રહેલા પ્રવાસન વચ્ચે આ પ્રકારની ઘટનાઓએ સુરક્ષા અને ધાર્મિક શિષ્ટાચાર પર સવાલો ઊભા કર્યા છે. હાલમાં સમગ્ર વિસ્તારમાં શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસ સતર્ક છે અને નદીમાં પેટ્રોલિંગ પણ વધારી દેવામાં આવ્યું છે
(8:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
