<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th March 2026

ભારતીય બજારમાં 'જનરેશન ઝેડ'નો દબદબો: ૨૦૩૦ સુધીમાં ૧૨૦ લાખ કરોડ ખર્ચવાની ક્ષમતા સાથે યુવા પેઢી અર્થતંત્રનો ચહેરો બદલી નાખશે

ફિટનેસ, ફેશન અને ફ્રીડમ: ૨૦૩૦ સુધીમાં દેશની ૨૭% વસ્તી ધરાવતા યુવાનો બ્યુટી અને પર્સનલ કેર માર્કેટમાં ૧૯ અબજ ડોલરનો ધુમાડો કરશે

મુંબઈ: ભારતના આર્થિક ભવિષ્યનો નકશો હવે 'જનરેશન ઝેડ' (૧૯૯૭ થી ૨૦૧૨ વચ્ચે જન્મેલા લોકો) ના હાથમાં આવી રહ્યો છે. રેડસીર સ્ટ્રેટેજી કન્સલ્ટન્ટ્સના એક લેટેસ્ટ અહેવાલ મુજબ, વર્ષ ૨૦૩૦ સુધીમાં આ પેઢી ભારતની કુલ વસ્તીનો ૨૭ ટકા હિસ્સો હશે અને તેમની ખર્ચ કરવાની ક્ષમતા આશરે $૧.૩ ટ્રિલિયન (૧૨૦ લાખ કરોડ રૂપિયા) સુધી પહોંચી જશે. આ આંકડો દર્શાવે છે કે આગામી દાયકામાં ભારતીય બજારનો ગ્રાહક સંપૂર્ણપણે બદલાઈ જશે.
બ્યુટી અને પર્સનલ કેર પર ભારે ખર્ચ
રિપોર્ટ અનુસાર, જનરેશન ઝેડ સુંદરતા અને પર્સનલ કેર પાછળ પાણીની જેમ પૈસા ખર્ચવા તૈયાર છે. આ પેઢીની દર બીજી મહિલા પોતાની આવકના ૨૦ ટકાથી વધુ રકમ માત્ર કોસ્મેટિક્સ અને સ્કિનકેર પ્રોડક્ટ્સ પર ખર્ચે છે. ૨૦૩૦ સુધીમાં આ સેક્ટરમાં આ પેઢીનો હિસ્સો $૧૯ અબજ થવાનો અંદાજ છે. રસપ્રદ વાત એ છે કે, આ પેઢી બ્રાન્ડ કરતા વધુ રિઝલ્ટ (ઉકેલો) પર ધ્યાન આપે છે, જેને કારણે નવી બ્રાન્ડ્સ માટે બજારમાં મોટી તકો ઉભી થઈ છે.
જેન્ડરલેસ બ્યુટી અને ફેશનનો ક્રેઝ
હવે સુંદરતા માત્ર મહિલાઓ પૂરતી મર્યાદિત રહી નથી. છેલ્લા ૫ વર્ષમાં 'મેન્સ સ્કિનકેર રૂટિન' માટેની સર્ચમાં ૮૫૦ ટકાનો ધરખમ વધારો થયો છે. યુવા પુરુષો પણ હવે કન્સિલર, ફિલર્સ અને આઈબ્રો જેવા બ્યુટી ટ્રીટમેન્ટ્સ અપનાવી રહ્યા છે. ફેશનની વાત કરીએ તો, ₹૧,૦૦૦ થી ઓછી કિંમતની 'ફાસ્ટ ફેશન' આ પેઢીની પહેલી પસંદ છે. જોકે તેઓ મિલેનિયલ્સ કરતા ખરીદી દીઠ ઓછો ખર્ચ કરે છે, પણ તેમની ખરીદી કરવાની ફ્રિકવન્સી (વારંવારતા) ઘણી વધારે છે.
ફિટનેસ અને હેલ્ધી લાઈફસ્ટાઈલ
જનરેશન ઝેડ માટે ફિટનેસ માત્ર શોખ નથી, પણ જીવનશૈલી છે. આ પેઢીનો ત્રીજો ભાગ પોતાની આવકના ૨૦ ટકા રમતગમત અને ફિટનેસ પર ખર્ચે છે. પ્લાન્ટ બેઝ્ડ પ્રોટીન અને હેલ્થ સપ્લિમેન્ટ્સની માંગમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. ૨૦૩૦ સુધીમાં ફિટનેસ માર્કેટમાં આ પેઢીનો ફાળો $૪૦ અબજ સુધી પહોંચવાની શક્યતા છે. ઓનલાઈન ક્વિક કોમર્સ પ્લેટફોર્મ્સ પણ આ યુવા ગ્રાહકોને આકર્ષવા માટે પ્રોટીન સપ્લિમેન્ટ્સ અને સ્પોર્ટસવેરની રેન્જ વધારી રહ્યા છે.

(6:47 PM IST)