ઈરાન-ઈઝરાયેલ યુદ્ધમાં A.I. નો ખતરનાક ખેલ: સોશિયલ મીડિયા પર નકલી વિસ્ફોટો અને ખોટા ફૂટેજનું પૂર; સત્ય અને જૂઠાણા વચ્ચેની રેખા થઈ ધૂંધળી!
ડિજિટલ યુદ્ધનું નવું હથિયાર: હોલીવુડની મૂવી જેવા દ્રશ્યો બનાવીને ફેલાવવામાં આવી રહી છે અંધાધૂંધી; ૧૧૦ થી વધુ ફેક વીડિયો અને તસવીરોનો પર્દાફાશ, જાણો કેવી રીતે ઓળખવા આ 'માયાવી' ફૂટેજ.

ન્યૂયોર્ક: મધ્ય પૂર્વમાં ચાલી રહેલા વાસ્તવિક યુદ્ધની સાથે સાથે હવે ઈન્ટરનેટ પર એક ભયાનક 'ડિજિટલ યુદ્ધ' પણ છેડાયું છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (A.I.) દ્વારા જનરેટ કરવામાં આવેલી નકલી તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર લાખો લોકોમાં ભ્રમ પેદા કરી રહ્યા છે. ક્યારેય ન થયા હોય તેવા વિશાળ વિસ્ફોટો, નકલી સૈનિકોનો વિરોધ અને અમેરિકી યુદ્ધ જહાજો પર કાલ્પનિક હુમલાઓના ફૂટેજ એ રીતે ફેલાવવામાં આવી રહ્યા છે કે નરી આંખે તેને ઓળખવા મુશ્કેલ બની ગયા છે.
એક ઉંડા અભ્યાસ મુજબ, છેલ્લા બે અઠવાડિયામાં ૧૧૦ થી વધુ એવા યુનિક વીડિયો અને ફોટા મળી આવ્યા છે જે માત્ર ટેક્સ્ટ કમાન્ડ (AI Prompt) આપીને તૈયાર કરવામાં આવ્યા હતા.
AI ફૂટેજ અને વાસ્તવિકતામાં શું તફાવત છે?
નિષ્ણાતોના મતે, આ નકલી ફૂટેજ હોલીવુડની એક્શન ફિલ્મ જેવા 'ઓવર-ધ-ટોપ' હોય છે જે યુદ્ધની ગંભીરતાને બદલે રોમાંચ પેદા કરે છે.
- નકલી સંકેતો: વીડિયોમાં અસ્તિત્વમાં ન હોય તેવી ઇમારતો, ગૂંચવણભર્યા અક્ષરો અને ધ્વજનું અકુદરતી સ્થાન (જેમ કે ઈઝરાયેલના ધ્વજ સાથે અજ્ઞાત લોગો) AI હોવાની સાબિતી આપે છે.
- વાસ્તવિક દ્રશ્યો: સાચું ફૂટેજ સામાન્ય રીતે ધૂંધળું, રાત્રિના સમયે દૂરથી શૂટ થયેલું અને અગ્નિના ગોળાને બદલે ધુમાડાના ગોટા જેવું દેખાય છે. જ્યારે AI વીડિયોમાં 'મશરૂમ ક્લાઉડ' અને હાઈપરસોનિક મિસાઈલોના આકર્ષક દ્રશ્યો ઉમેરવામાં આવે છે જેથી તે વધુ વાયરલ થાય.
ઈરાન અને અમેરિકી જહાજોનું રહસ્ય
આ ટેકનોલોજી અત્યારે મનોવૈજ્ઞાનિક હથિયાર તરીકે વપરાઈ રહી છે. તાજેતરમાં સોશિયલ મીડિયા પર અમેરિકી યુદ્ધ જહાજ યુ.એસ.એસ. અબ્રાહમ લિંકન સળગતું હોય તેવા અનેક વીડિયો વાયરલ થયા હતા. ઈરાની સોશિયલ મીડિયા યુઝર્સે આ વીડિયોને પોતાના વિજયના પુરાવા તરીકે ઉજવ્યા હતા, પરંતુ પાછળથી અમેરિકાએ સ્પષ્ટ કર્યું કે આ હુમલો નિષ્ફળ રહ્યો હતો અને જહાજને કોઈ નુકસાન થયું નથી. આ બધું જ 'ડીપફેક' ટેકનોલોજીનો કરિશ્મા હતો.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સનું વલણ
OpenAI ની 'સોરા' (Sora) જેવી એપ આવ્યા પછી ગમે તે વ્યક્તિ બેઠા-બેઠા વાસ્તવિક દેખાતી નકલી દુનિયા બનાવી શકે છે.
- X (અગાઉનું ટ્વિટર): એલોન મસ્કે જાહેરાત કરી છે કે જો કોઈ એકાઉન્ટ AI જનરેટેડ યુદ્ધની સામગ્રી દ્વારા કમાણી કરવાનો પ્રયાસ કરશે, તો તેને ૯૦ દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવશે.
- અદ્રશ્ય વોટરમાર્ક: જોકે ઘણી કંપનીઓ વોટરમાર્ક મૂકે છે, પણ તેને સહેલાઈથી એડિટ કરી શકાય છે.
આજના સમયમાં સોશિયલ મીડિયા પર આવતા યુદ્ધના ફૂટેજ પર આંધળો વિશ્વાસ કરવાને બદલે તેની સત્યતા તપાસવી હવે અનિવાર્ય બની ગઈ છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
