તા. ૪ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૫ ગુરૂવાર
News of Friday, 13th March 2026
મધ્ય પૂર્વમાં મહાયુદ્ધના મંડાણ: ઈરાન અને નાટો સામસામે : શું દુનિયા ત્રીજા વિશ્વયુદ્ધના ઉબરે?
ફ્રાન્સ, ઈટાલી અને તુર્કીના સૈન્ય મથકો પર ઈરાની મિસાઈલોનો વરસાદ : અમેરિકન વિમાન ક્રેશ થતા જંગની જ્વાળાઓ વધુ તેજ બની : ઈરાક અને સીરિયાની સરહદો પર હાઈ એલર્ટ

નવી દિલ્હી : છેલ્લા 48 કલાકમાં મધ્ય પૂર્વની ધરતી લોહીયાળ સંઘર્ષની સાક્ષી બની છે. ઈરાન અને તેના સમર્થિત લશ્કરી જૂથોએ સીધું જ નાટો (NATO) ના ત્રણ શક્તિશાળી સભ્ય દેશો—ફ્રાન્સ, ઈટાલી અને તુર્કીના સૈન્ય મથકોને નિશાન બનાવીને ખળભળાટ મચાવી દીધો છે. આ હુમલાઓ બાદ પશ્ચિમી દેશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સૌથી હૃદયદ્રાવક ઘટના ઈરાકના એર્બિલમાં બની, જ્યાં ઈરાન સમર્થિત ડ્રોન હુમલામાં ફ્રેન્ચ સૈન્યના ઉચ્ચ અધિકારી આર્નો ફ્રીયનનું મોત નીપજ્યું હતું. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને આને જડબાતોડ જવાબ આપવાની કડક ચેતવણી આપી છે, જેના કારણે હવે નાટો દળો સીધા યુદ્ધમાં ઉતરે તેવી શક્યતા વધી ગઈ છે.
પરિસ્થિતિ ત્યારે વધુ વણસી જ્યારે તુર્કીના વ્યૂહાત્મક રીતે અતિ મહત્વના ગણાતા ઇન્સિર્લિક એર બેઝ પર મિસાઈલ હુમલો કરવામાં આવ્યો. જોકે, નાટોની અત્યાધુનિક એર ડિફેન્સ સિસ્ટમે આ મિસાઈલને હવામાં જ ફૂંકી મારી હતી, પરંતુ આ હુમલાએ સાબિત કરી દીધું છે કે ઈરાન હવે પાછળ હટવા તૈયાર નથી. બીજી તરફ, ઇરાકમાં જ ઇટાલિયન સૈનિકોના કેમ્પ પાસે થયેલા વિસ્ફોટોએ સમગ્ર યુરોપિયન યુનિયનમાં ચિંતાના વાદળો ઘેરા કર્યા છે. આ હુમલાઓ માત્ર સૈન્ય મથકો પરના પ્રહાર નથી, પરંતુ નાટોની સામૂહિક સુરક્ષા કલમ 5 (Article 5) ને સીધો પડકાર હોવાનું નિષ્ણાતો માની રહ્યા છે.
આ ભયાનક તણાવ વચ્ચે આકાશમાં પણ મોતનું તાંડવ જોવા મળ્યું છે. પશ્ચિમ ઈરાકના રણ વિસ્તારમાં અમેરિકાનું શક્તિશાળી 'બોઈંગ KC-135 સ્ટ્રેટોટેન્કર' વિમાન રહસ્યમય રીતે ક્રેશ થયું છે, જેમાં 4 સૈનિકોના કરુણ મોત થયા છે. જોકે અમેરિકા તેને ટેકનિકલ ખામી ગણાવી રહ્યું છે, પરંતુ ઈરાન સમર્થિત જૂથોએ દાવો કર્યો છે કે તેમણે આ વિમાનને તોડી પાડ્યું છે. ઇઝરાયલના એરપોર્ટ પર પણ અમેરિકન કાર્ગો વિમાનના ઇમરજન્સી લેન્ડિંગે અનેક સવાલો ઉભા કર્યા છે. આ તમામ ઘટનાઓ સૂચવે છે કે દુનિયા અત્યારે ત્રીજા વિશ્વયુદ્ધના અત્યંત નજીક છે અને એક નાની ભૂલ પણ આખા વિશ્વને રાખ કરી શકે છે.
(5:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
