News of Thursday, 12th March 2026
લોકશાહીના ઈતિહાસમાં પ્રથમવાર: મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ વિપક્ષનું 'મહાભિયોગ' શસ્ત્ર : ૨૦૦ સાંસદોના હસ્તાક્ષર
પક્ષપાત અને મતદાર યાદીમાં ગેરરીતિના ગંભીર આક્ષેપો સાથે 'ઈન્ડિયા' ગઠબંધન આરપારના જંગમાં : સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની જેમ જ CECને હટાવવાની જટિલ બંધારણીય પ્રક્રિયા અને શુક્રવારે સંસદમાં સંભવિત હંગામાનું સંપૂર્ણ વિશ્લેષણ

નવી દિલ્હી: ભારતીય રાજનીતિના ઈતિહાસમાં એક અભૂતપૂર્વ વળાંક આવ્યો છે, જ્યાં વિપક્ષી દળોએ એકજૂથ થઈને મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારને પદભ્રષ્ટ કરવા માટે મોરચો ખોલ્યો છે. કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને 'ઈન્ડિયા' ગઠબંધનના ૨૦૦થી વધુ સાંસદોએ તેમને હટાવવા માટેની નોટિસ પર હસ્તાક્ષર કરીને સંસદીય હલચલ તેજ કરી દીધી છે. લોકસભાના ૧૩૦ અને રાજ્યસભાના ૬૩ સાંસદોના સમર્થન સાથેની આ નોટિસ શુક્રવારે ગૃહમાં રજૂ કરવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતા છે. આ પ્રથમ એવી ઘટના છે જ્યારે ભારતના સર્વોચ્ચ ચૂંટણી અધિકારી સામે આટલી મોટી સંખ્યામાં જનપ્રતિનિધિઓએ અવિશ્વાસ વ્યક્ત કર્યો હોય.
નોટિસમાં જ્ઞાનેશ કુમાર પર અત્યંત ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. વિપક્ષનો દાવો છે કે તેઓ પદ પર રહીને કોઈ ચોક્કસ રાજકીય પક્ષને ફાયદો કરાવી રહ્યા છે અને ચૂંટણીમાં થતી ગેરરીતિઓની તપાસમાં જાણીજોઈને અવરોધો ઊભા કરી રહ્યા છે. આ ઉપરાંત, મતદાર યાદીઓ સાથે ચેડાં કરવાના આરોપને કારણે લોકશાહીની પવિત્રતા પર જોખમ હોવાની વાત પણ નોટિસમાં ઉલ્લેખાયેલી છે. આમ આદમી પાર્ટી ગઠબંધનનો સત્તાવાર ભાગ ન હોવા છતાં, લોકશાહી બચાવવાના મુદ્દે તેમણે વિપક્ષી સૂર સાથે સૂર મિલાવ્યો છે, જે દર્શાવે છે કે આ લડાઈ હવે માત્ર રાજકીય નથી પણ સંસ્થાકીય સ્વાયત્તતાની બની ગઈ છે.
જોકે, બંધારણીય રીતે મુખ્ય ચૂંટણી કમિશનરને હટાવવા એ લોખંડના ચણા ચાવવા જેવું કાર્ય છે. ભારતીય બંધારણના અનુચ્છેદ ૧૨૪ મુજબ, CECને માત્ર સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની જેમ 'મહાભિયોગ' જેવી જટિલ પ્રક્રિયા દ્વારા જ દૂર કરી શકાય છે. આ માટે સંસદના બંને ગૃહોમાં હાજર રહેલા સભ્યોની ૨/૩ (બે-તૃતીયાંશ) બહુમતીથી પ્રસ્તાવ પસાર થવો અનિવાર્ય છે. આ પ્રક્રિયામાં 'સાબિત થયેલ ગેરવર્તણૂક' હોવી જરૂરી છે. શુક્રવારે જ્યારે આ પ્રસ્તાવ રજૂ થશે, ત્યારે સંસદમાં સત્તાધારી અને વિરોધ પક્ષ વચ્ચે જોરદાર ટકરાવ થવાની શક્યતા છે, જેની અસર દેશની આગામી ચૂંટણી પ્રક્રિયાઓ પર પણ પડી શકે છે.
(8:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
