તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 11th March 2026
માતૃત્વ શરમાયું કે સોશિયલ મીડિયાનો ક્રેઝ? મહિલાએ માસૂમ બાળકને સ્કૂટરની ડીકીમાં પૂરી દીધું અને પછી... દ્રશ્યો જોઈ તમારી પણ આંખો ફાટી જશે
મધ્યપ્રદેશના નંબર પ્લેટવાળા સ્કૂટરનો વીડિયો વાયરલ: શ્વાસ લેવાની પણ જગ્યા ન હોય તેવા સ્ટોરેજમાં બાળકને સુવડાવી મહિલાએ સીટ કરી બંધ, નેટીઝન્સે પૂછ્યું- “શું આ મનોરંજન માટે કોઈ સ્ક્રિપ્ટેડ વીડિયો છે?”

મધ્યપ્રદેશ : સોશિયલ મીડિયાના જમાનામાં વાયરલ થવા માટે લોકો કઈ હદ સુધી જઈ શકે છે, તેનો એક ભયાનક નમૂનો તાજેતરમાં સામે આવ્યો છે. ઇન્ટરનેટ પર એક એવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જે જોઈને કોઈપણ સંવેદનશીલ વ્યક્તિનું હૃદય ધ્રૂજી ઉઠે. આ વીડિયોમાં એક મહિલા પોતાના જ નાના બાળકને જીવતા જીવત સ્કૂટરની સીટ નીચે આવેલા સ્ટોરેજ કમ્પાર્ટમેન્ટ (ડીકી) માં પૂરી દેતી અને ત્યારબાદ સ્કૂટર લઈને રવાના થતી જોવા મળે છે.
જીવના જોખમે ખતરનાક ‘સ્ટંટ’
વીડિયોની શરૂઆતમાં એક મહિલા ઘરના દરવાજા પાસે ઉભી રહીને બાળકને તેડેલી જોવા મળે છે. થોડી જ ક્ષણોમાં તે પાર્ક કરેલા સ્કૂટરની સીટ ઉંચી કરે છે અને તે સાંકડી જગ્યામાં, જ્યાં હેલ્મેટ કે સામાન રાખવામાં આવે છે, ત્યાં બાળકને સુવડાવી દે છે. આશ્ચર્યની વાત એ છે કે બાળકને અંદર મૂક્યા બાદ તે નિર્દયતાથી સીટ બંધ કરી દે છે, જેથી બાળક બહારથી બિલકુલ દેખાતું નથી. ત્યારબાદ તે મહિલા શાંતિથી સ્કૂટર ચલાવીને ત્યાંથી જતી રહે છે.
MP પાસિંગના વાહને વધારી ચિંતા
વીડિયોમાં દેખાતા સ્કૂટરની નંબર પ્લેટ પર "MP" કોડ જોવા મળે છે, જે સૂચવે છે કે આ ઘટના મધ્યપ્રદેશની હોઈ શકે છે. જોકે, આ વીડિયો વાસ્તવિક છે કે માત્ર વ્યૂઝ મેળવવા માટે બનાવવામાં આવેલી કોઈ ‘સ્ક્રિપ્ટેડ ક્લિપ’ છે, તેની પુષ્ટિ થઈ શકી નથી. પરંતુ જે રીતે બાળકને બંધ ડબ્બામાં પૂરવામાં આવ્યું છે, તે જોતા તેની સુરક્ષા અને શ્વાસ લેવાની તકલીફ અંગે ગંભીર સવાલો ઉભા થયા છે.
લોકોનો આક્રોશ: “આવી તે કેવી માતા?”
વીડિયો વાયરલ થતા જ લોકોએ તે મહિલાની આકરી ટીકા કરવાનું શરૂ કર્યું છે. એક યુઝરે ગુસ્સામાં લખ્યું, "કૈસે કૈસે લોગ માતા-પિતા બન જાતે હૈ!", જ્યારે અન્ય એક વ્યક્તિએ ચિંતા વ્યક્ત કરતા પૂછ્યું કે, "આટલી ગૂંગળામણ વચ્ચે તે બાળક શ્વાસ કેવી રીતે લેશે?" ઘણા લોકોએ પોલીસને ટેગ કરીને આ મામલે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે, જેથી ભવિષ્યમાં કોઈ આવી જોખમી હરકત ન કરે.
તજજ્ઞોના મતે, મનોરંજન કે રીલ્સ બનાવવા માટે બાળકોના જીવ જોખમમાં મૂકવા એ માત્ર અનૈતિક જ નહીં પણ કાયદેસરનો ગુનો પણ બની શકે છે.
(8:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
