<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th March 2026

પશ્ચિમ એશિયાના ‘વોર ઝોન’માં ફસાયેલા ભારતીયોની વહારે ભારત સરકાર: વિદેશ મંત્રાલયે દિલ્હીમાં સ્થાપ્યો હાઈ-ટેક કંટ્રોલ રૂમ, ૨૪ કલાક હેલ્પલાઇન ધમધમશે

ઈરાન-ઈઝરાયલ સંઘર્ષ વચ્ચે ગલ્ફ દેશોમાં રહેતા લાખો ભારતીયો માટે સુરક્ષા કવચ; જરૂર પડ્યે ‘રેસ્ક્યુ ઓપરેશન’ માટે દૂતાવાસો એલર્ટ, ટોલ-ફ્રી નંબર પરથી મળશે પળેપળની માહિતી

નવી દિલ્હી: પશ્ચિમ એશિયા અને ગલ્ફ ક્ષેત્રમાં ભભૂકી રહેલી યુદ્ધની જ્વાળાઓને ધ્યાનમાં રાખીને ભારત સરકારે અત્યંત ગંભીરતાપૂર્વક મહત્વના પગલાં ભર્યા છે. વિદેશ મંત્રાલય (EAM) દ્વારા નવી દિલ્હીમાં એક ખાસ કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે, જે આ પ્રદેશમાં વસતા લાખો ભારતીયો અને તેમના ચિંતિત પરિવારો માટે આશાનું કિરણ બનશે. યુદ્ધના મેદાનમાં બદલાતી સ્થિતિ વચ્ચે કોઈપણ ભારતીયને મદદની જરૂર હોય, તો તેઓ સીધો આ કંટ્રોલ રૂમનો સંપર્ક કરી શકશે.
૨૪ કલાક સેવામાં કાર્યરત દૂતાવાસો
માત્ર દિલ્હીમાં જ નહીં, પરંતુ સંઘર્ષગ્રસ્ત વિસ્તારો જેવા કે ઈરાન, ઈઝરાયલ અને આસપાસના ખાડી દેશોમાં આવેલા ભારતીય દૂતાવાસોએ પણ ૨૪x૭ કટોકટી હેલ્પલાઇન નંબર શરૂ કરી દીધા છે. ભારત સરકાર કોઈપણ કટોકટીની સ્થિતિમાં ભારતીયોને સુરક્ષિત રીતે બહાર કાઢવા (Evacuation) માટે સંપૂર્ણ બ્લુપ્રિન્ટ તૈયાર કરી રહી છે. વિદેશ મંત્રાલયના અધિકારીઓ સતત ત્યાંની સુરક્ષા સ્થિતિ પર નજર રાખી રહ્યા છે.
આ નંબર પર કરી શકાશે સંપર્ક
ભારત સરકારે જારી કરેલા આંકડા મુજબ, નાગરિકો સવારે ૯ થી રાત્રે ૯ વાગ્યા સુધી નીચે મુજબના નંબરો પર સંપર્ક કરી શકે છે:
•    ટોલ ફ્રી નંબર: ૧૮૦૦૧૧૮૭૯૭
•    લેન્ડલાઇન નંબર્સ: ૦૧૧-૨૩૦૧ ૨૧૧૩, ૦૧૧-૨૩૦૧ ૪૧૦૪, અને ૦૧૧-૨૩૦૧ ૭૯૦૫
સુરક્ષા એ જ પ્રાથમિકતા
વિદેશ મંત્રાલયે ભારતીય નાગરિકોને હાલના તબક્કે બિન-જરૂરી પ્રવાસ ટાળવા અને સ્થાનિક દૂતાવાસોના સંપર્કમાં રહેવા તાકીદ કરી છે. આ કંટ્રોલ રૂમ દ્વારા સંકલન સાધીને જરૂર પડ્યે વિશેષ વિમાનો દ્વારા ભારતીયોને વતન પરત લાવવાની વ્યવસ્થા પણ કરવામાં આવી શકે છે. ભારતનું આ પગલું સાબિત કરે છે કે વિશ્વના કોઈપણ ખૂણે ફસાયેલા ભારતીયો માટે તેમની સરકાર હંમેશા તત્પર છે.

(8:00 PM IST)