તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Wednesday, 4th March 2026
એમિરેટ્સ એરલાઇન્સનો મોટો નિર્ણય: ૭ માર્ચની મધરાત સુધી દુબઈની તમામ નિર્ધારિત ફ્લાઇટ્સ રદ
પશ્ચિમ એશિયામાં યુદ્ધની સ્થિતિ અને એરસ્પેસ બંધ થવાને કારણે સેંકડો મુસાફરો અટવાયા: મુસાફરોને સીધી જાણ કરવામાં ન આવે ત્યાં સુધી એરપોર્ટ પર ન આવવા કડક સૂચના: માત્ર નાગરિકોને સ્વદેશ પરત લાવવા માટેની અને કાર્ગોની ફ્લાઈટસ જ ઓપરેટ થશે

દુબઈ: એમિરેટ્સ એરલાઇન્સે સત્તાવાર રીતે જાહેરાત કરી છે કે ૭ માર્ચ, ૨૦૨૬ ની મધરાત (૨૩:૫૯ કલાક) સુધી એટલે કે આગામી લગભગ ૭૨ કલાક સુધી દુબઈ આવતી અને જતી તમામ શિડ્યુલ્ડ ફ્લાઇટ્સ સ્થગિત રહેશે. મધ્ય પૂર્વના દેશો વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ અને સુરક્ષાના કારણોસર એરસ્પેસ બંધ હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. મુસાફરોને સીધી જાણ કરવામાં ન આવે ત્યાં સુધી એરપોર્ટ પર ન આવવા કડક સૂચના આપવામાં આવી છે.
આજે ૪-૩-૨૦૨૬ના રોજ દુનિયાની સૌથી મોટી આંતરરાષ્ટ્રીય એરલાઇન્સમાંની એક એવી એમિરેટ્સ એરલાઇન્સે એક મહત્વપૂર્ણ એડવાઇઝરી બહાર પાડી છે. આ જાહેરાત મુજબ, દુબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટથી આવતી અને જતી તમામ નિર્ધારિત (શિડ્યુલ્ડ) ફ્લાઇટ્સ ૭ માર્ચ ના રોજ રાત્રે ૧૧:૫૯ કલાક સુધી સંપૂર્ણપણે બંધ રહેશે.
મધ્ય પૂર્વમાં તાજેતરમાં પ્રવર્તેલી યુદ્ધની ભયજનક સ્થિતિ (ખાસ કરીને અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના વધતા તણાવ) ને કારણે આખા પ્રદેશમાં હવાઈ ક્ષેત્ર (એરસ્પેસ) બંધ કરી દેવામાં આવ્યા છે. મુસાફરો અને ફ્લાઇટ ક્રૂ ની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાધાન્ય આપતા એમિરેટ્સે આ મોટો નિર્ણય લીધો છે.
ફક્ત મર્યાદિત ફ્લાઇટ્સનું સંચાલન: એરલાઇન્સે સ્પષ્ટ કર્યું છે કે આ સમયગાળા દરમિયાન માત્ર ગણતરીની સ્પેશિયલ રેપેટ્રિએશન (નાગરિકોને સ્વદેશ પરત લાવવા માટેની) અને કાર્ગો ફ્લાઇટ્સ જ ઓપરેટ કરવામાં આવશે. જે મુસાફરોનું અગાઉથી બુકિંગ છે તેઓને આ મર્યાદિત ફ્લાઇટ્સમાં પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. જોકે, ટ્રાન્ઝિટ મુસાફરોને ત્યારે જ મુસાફરી કરવા દેવામાં આવશે જો તેમની આગળની કનેક્ટિંગ ફ્લાઇટ ચાલુ હશે.
મુસાફરોને એરપોર્ટ ન આવવાની અપીલ: એમિરેટ્સ મેનેજમેન્ટે કડક સૂચના આપી છે કે કોઈપણ મુસાફરે એરપોર્ટ પર આવવું નહીં, સિવાય કે એરલાઇન દ્વારા તેમને સીધો સંપર્ક કરીને ફ્લાઇટ કન્ફર્મ હોવાની જાણ કરવામાં આવી હોય. જે મુસાફરોની ફ્લાઇટ રદ થઈ છે તેઓને પોતાની ટિકિટનું રિફંડ મેળવવાનો અથવા ૨૭ માર્ચ પહેલાં અન્ય કોઈ તારીખે ફ્લાઇટ વિનામૂલ્યે રી-બુક કરવાનો વિકલ્પ પૂરો પાડવામાં આવ્યો છે.
આ નિર્ણયને પગલે દુબઈ એરપોર્ટ પર હજારો મુસાફરોની યાત્રા પ્રભાવિત થઈ છે, અને એરલાઇન સત્તાવાળાઓ પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે.
(7:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
