તા. ૭ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૧ સોમવાર
News of Wednesday, 4th March 2026
મારુતિ સુઝુકીનો માસ્ટર પ્લાન: ૨ લાખ ગાડીઓનું વેઈટિંગ લિસ્ટ ક્લિયર કરવા કમર કસી, ઉત્પાદનમાં કરશે ૫ લાખ યુનિટનો જંગી વધારો
હરિયાણા અને ગુજરાતના પ્લાન્ટમાં નવી પ્રોડક્શન લાઈનો ધમધમશે; SUV સેગમેન્ટમાં ભારે ડિમાન્ડને પહોંચી વળવા કંપનીનો મેગા વિસ્તરણ પ્રોજેક્ટ

અમદાવાદ: ભારતીય રસ્તાઓ પર જેની સૌથી વધુ ધાક છે તેવી દેશની દિગ્ગજ કાર ઉત્પાદક કંપની મારુતિ સુઝુકી અત્યારે એક મીઠી મુંઝવણનો સામનો કરી રહી છે. કંપનીની કારની લોકપ્રિયતા એટલી હદે વધી ગઈ છે કે અત્યારે ૨ લાખ જેટલા વાહનોના ઓર્ડર પેન્ડિંગ છે. ગ્રાહકોને પોતાની મનપસંદ કાર માટે લાંબો સમય રાહ ન જોવી પડે તે માટે કંપનીએ હવે આક્રમક પ્લાન તૈયાર કર્યો છે. મારુતિ સુઝુકી આગામી નાણાકીય વર્ષ ૨૦૨૭ સુધીમાં પોતાના વાર્ષિક ઉત્પાદનમાં ૫ લાખ યુનિટનો તોતિંગ વધારો કરવા જઈ રહી છે.
ગુજરાત અને હરિયાણા બનશે મેન્યુફેક્ચરિંગ હબ
કંપનીના આ વિસ્તરણ પ્લાનમાં ગુજરાતનું હાંસલપુર કેન્દ્રસ્થાને રહેવાનું છે. નાણાકીય વર્ષ ૨૭ના બીજા ક્વાર્ટરમાં ગુજરાતના હાંસલપુર પ્લાન્ટમાં ચોથી પ્રોડક્શન લાઇન શરૂ કરવામાં આવશે, જે વાર્ષિક ૨.૫ લાખ વધારાની કાર બનાવશે. આ પહેલાં, હરિયાણાના ખારખોડા પ્લાન્ટમાં પણ બીજી એસેમ્બલી લાઇન કાર્યરત થઈ જશે. આ બંને પ્લાન્ટ ફૂલ ફોર્મમાં આવતાની સાથે જ કંપની દર મહિને વધારાના ૨૦,૦૦૦ વાહનો શોરૂમ સુધી પહોંચાડવા સક્ષમ બનશે.
SUV નો ક્રેઝ અને ઇન્વેન્ટરીની અછત
હાલમાં ઓટો બજારમાં SUV સેગમેન્ટમાં ડબલ ડિજિટ ગ્રોથ જોવા મળી રહ્યો છે. મારુતિ પાસે અત્યારે ડીલર લેવલ પર માત્ર ૧૨ દિવસનો સ્ટોક જ ઉપલબ્ધ છે, જે સામાન્ય રીતે ૩૦ દિવસનો હોવો જોઈએ. આ સ્થિતિ દર્શાવે છે કે ગાડીઓ પ્લાન્ટમાંથી બહાર નીકળતાની સાથે જ વેચાઈ રહી છે. જો ઉત્પાદન તાત્કાલિક નહીં વધારાય તો ગ્રાહકો અન્ય બ્રાન્ડ તરફ વળી શકે છે, તેવા ડરથી મેનેજમેન્ટે આ મોટો નિર્ણય લીધો છે.
વૈશ્વિક બજારમાં ભારતનો દબદબો
તમને જાણીને ગર્વ થશે કે સુઝુકી મોટર કોર્પોરેશનના વૈશ્વિક વેચાણમાં ભારતનું યોગદાન આશરે ૫૬ ટકા જેટલું છે. અહીં બનેલી કાર માત્ર ભારતમાં જ નહીં, પણ આફ્રિકા અને મધ્ય પૂર્વના દેશોમાં પણ ખૂબ જ લોકપ્રિય છે. દર મહિને આશરે ૫૦,૦૦૦ ગાડીઓની નિકાસ કરવામાં આવે છે. આ નવા પ્લાનથી મારુતિ સુઝુકી માત્ર ભારતની જરૂરિયાત જ નહીં, પણ ગ્લોબલ માર્કેટમાં પણ પોતાની પકડ મજબૂત બનાવશે.
(6:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
