<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th March 2026

સમુદ્રની ઊંડાઈમાંથી કાળનો પંજો: શ્રીલંકાના કિનારે ઈરાની જહાજ પર સબમરીન હુમલો : ૮૦ના મોત

હિંદ મહાસાગરમાં પાણીની અંદરથી થયેલા રહસ્યમય હુમલામાં ૧૦૦થી વધુ લોકો ગુમ : શ્રીલંકાની સેનાનું મેગા રેસ્ક્યુ ઓપરેશન અને આંતરરાષ્ટ્રીય જળસીમામાં ત્રીજા વિશ્વયુદ્ધની આશંકા વચ્ચે ઘેરાતું રહસ્ય

કોલંબો  : હિંદ મહાસાગરના શાંત પાણી અત્યારે રક્તરંજિત બન્યા છે. ભારતની ધરતી પરથી નૌકાદળના યુદ્ધાભ્યાસમાં ભાગ લઈને પરત ફરી રહેલા ઈરાની જહાજ પર શ્રીલંકાના દક્ષિણ દરિયાકાંઠે એક અજ્ઞાત સબમરીન દ્વારા ભયાનક ઓચિંતો હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલો એટલો પ્રચંડ હતો કે જહાજ પળવારમાં ડૂબવા લાગ્યું હતું, જેમાં અત્યાર સુધીમાં ૮૦ લોકોના કરુણ મોતની પુષ્ટિ થઈ છે. ઈરાની જહાજ દ્વારા મોકલવામાં આવેલા અંતિમ ‘ડિસ્ટ્રેસ સિગ્નલ’ બાદ શ્રીલંકાના નૌકાદળ અને વાયુસેનાએ સમુદ્રમાં વ્યાપક સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. ૧૮૦ લોકોના ક્રૂ મેમ્બર્સમાંથી અત્યાર સુધીમાં માત્ર ૩૨ લોકોને જ જીવતા બચાવી શકાયા છે, જ્યારે ૧૦૦થી વધુ લોકો હજુ પણ મધદરિયે લાપતા છે.

આ હુમલા પાછળ કોનો હાથ છે તે અત્યારે વૈશ્વિક સુરક્ષા એજન્સીઓ માટે સૌથી મોટો કોયડો બની ગયો છે. હજુ સુધી કોઈ પણ દેશે આ હુમલાની જવાબદારી સ્વીકારી નથી, પરંતુ ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે વધતા જતા તણાવને જોતા શંકાની સોય ઈઝરાયેલી સબમરીન તરફ જઈ રહી હોવાનું નિષ્ણાતો માની રહ્યા છે. શ્રીલંકાના સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું છે કે બચાવ ટુકડીઓ યુદ્ધના ધોરણે કાર્યરત છે અને ઘાયલોને કિનારે લાવી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. શ્રીલંકાના વિદેશ મંત્રી વિજિતા હેરાથે આ ઘટનાને અત્યંત ગંભીર ગણાવીને આંતરરાષ્ટ્રીય મંચ પર મજબૂત પ્રતિક્રિયા આપવાની ખાતરી આપી છે.

આ ઘટનાએ દક્ષિણ એશિયાના દરિયાઈ માર્ગોની સુરક્ષા સામે મોટા પ્રશ્નાર્થ ચિહ્નો ઉભા કરી દીધા છે. જો આ હુમલો કોઈ દેશની સબમરીન દ્વારા કરવામાં આવ્યો હોવાનું સાબિત થશે, તો તે માત્ર ઈરાન જ નહીં પણ સમગ્ર વિશ્વના દરિયાઈ વેપાર માટે ખતરાની ઘંટડી સમાન હશે. અત્યારે હિંદ મહાસાગરમાં અનેક દેશોના યુદ્ધ જહાજો તૈનાત છે, જેના કારણે સ્થિતિ ગમે ત્યારે વિસ્ફોટક બની શકે છે. ગુમ થયેલા ૧૦૦થી વધુ લોકોના પરિવારોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. આગામી કલાકોમાં આ હુમલાખોરોની ઓળખ અને ઈરાનનો વળતો પ્રહાર સમગ્ર વિશ્વના રાજકારણને હચમચાવી શકે છે.

(7:42 PM IST)