<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th March 2026

નેપાળની ચૂંટણી પૂર્વે બોમ્બ ધડાકાથી મધેશ પ્રાંત ધ્રૂજ્યું: હાઈવે પર વિસ્ફોટમાં બે ગંભીર, લોકશાહીના પર્વ પર આતંકનો ઓછાયો

૫ માર્ચના મતદાન પહેલા મહોત્તરીમાં IED બ્લાસ્ટથી સુરક્ષા એજન્સીઓ હાઈ-એલર્ટ પર; પૂર્વ-પશ્ચિમ હાઈવે પર બરડીબાસ પાસે શંકાસ્પદ વસ્તુ અડતા જ થયો પ્રચંડ ધડાકો, નેપાળ સેનાના બોમ્બ ડિસ્પોઝલ યુનિટે વધુ એક જીવંત બોમ્બ નિષ્ક્રિય કર્યો

કાઠમંડુ/રાજકોટ: નેપાળમાં આવતીકાલે ૫ માર્ચના રોજ યોજાનારી પ્રતિનિધિ સભાની સામાન્ય ચૂંટણીઓના ગણતરીના કલાકો બાકી છે, ત્યારે મધેશ પ્રાંતમાં થયેલા એક રહસ્યમય વિસ્ફોટે સમગ્ર દેશમાં સનસનાટી મચાવી દીધી છે. મહોત્તરી જિલ્લાના બરડીબાસમાં પૂર્વ-પશ્ચિમ હાઈવે પર રાટો બ્રિજ પાસે મંગળવારે બપોરે એક શંકાસ્પદ લાલ રંગની વસ્તુમાં પ્રચંડ વિસ્ફોટ થયો હતો. આ દુર્ઘટનામાં રસ્તા પરથી પસાર થઈ રહેલા બે રાહદારીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે. વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે તેના ધાતુના ટુકડાઓ દૂર સુધી ફેલાઈ ગયા હતા. નેપાળમાં લોકશાહીના પર્વને ડહોળવા માટે કોઈ અજ્ઞાત જૂથ દ્વારા ભયનું વાતાવરણ ઊભું કરવાનો આ પ્રયાસ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ રહ્યું છે.

ઘટનાની જાણ થતા જ નેપાળ પોલીસ અને આર્મીનો મોટો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. તપાસ દરમિયાન પોલીસને રસ્તાની બાજુમાંથી વધુ એક શંકાસ્પદ લાલ વસ્તુ મળી આવી હતી, જેને નેપાળ સેનાના બોમ્બ ડિસ્પોઝલ યુનિટે અત્યંત સાવચેતીપૂર્વક સુરક્ષિત જગ્યાએ લઈ જઈને નાશ કર્યો હતો, જેનાથી મોટી જાનહાનિ ટળી હતી. ઘાયલ થયેલા ૧૭ વર્ષીય સંદેશ ચૌધરી અને ૨૪ વર્ષીય સમીર ચૌધરીને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સુરક્ષા એજન્સીઓના મતે આ ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ (IED) હોઈ શકે છે. મધેશ પ્રાંત અગાઉ પણ રાજકીય અસ્થિરતાનો સાક્ષી રહ્યો છે, ત્યારે મતદાનના બરાબર એક દિવસ પહેલા થયેલો આ હુમલો સુરક્ષા વ્યવસ્થા સામે મોટા સવાલો ઉભા કરે છે.

ચૂંટણી પંચે આ ઘટનાની ગંભીર નોંધ લઈને સમગ્ર દેશમાં, ખાસ કરીને ભારત-નેપાળ સરહદ અને સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા વધારી દીધી છે. આજ મધ્યરાત્રિથી જ જાહેર અને ખાનગી વાહનોની અવરજવર પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે અને અર્ધલશ્કરી દળોને તૈનાત કરવામાં આવ્યા છે. લગભગ ૧૮ મિલિયન મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાના છે, ત્યારે આ વિસ્ફોટથી મતદારોમાં ફફડાટ ન ફેલાય તે માટે વહીવટીતંત્ર સતત શાંતિની અપીલ કરી રહ્યું છે. અત્યાર સુધી કોઈ સંગઠને આ હુમલાની જવાબદારી સ્વીકારી નથી, પરંતુ પોલીસ દ્વારા શંકાસ્પદ લોકોની અટકાયત કરીને સઘન પૂછપરછ શરૂ કરવામાં આવી છે.

(1:33 PM IST)