<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th March 2026

મધ્ય-પૂર્વમાં ભારે તણાવ વચ્ચે મોટી દુર્ઘટના: કુવૈતી ફાઇટર જેટે ભૂલથી અમેરિકાના ૩ 'F-15' વિમાનો તોડી પાડ્યા

ઈરાની ડ્રોન સમજીને 'ફ્રેન્ડલી ફાયર'માં મિસાઇલો છોડાઈ; સદનસીબે તમામ અમેરિકન પાઇલટ્સ સુરક્ષિત

નવી દિલ્હી/કુવૈત: અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભીષણ સંઘર્ષ દરમિયાન મધ્ય-પૂર્વના આકાશમાં એક મોટી સૈન્ય ભૂલ (Friendly Fire) સામે આવી છે. વોલ સ્ટ્રીટ જર્નલના અહેવાલ મુજબ, કુવૈતના એક F/A-18 હોર્નેટ ફાઇટર જેટે ભૂલથી અમેરિકાના ત્રણ F-15E સ્ટ્રાઇક ઇગલ વિમાનો પર મિસાઇલો છોડી તેમને તોડી પાડ્યા હતા. આ ઘટના ત્યારે બની જ્યારે કુવૈતી હવાઈ ક્ષેત્રમાં ઈરાની ડ્રોન દ્વારા ઘૂસણખોરી કરવામાં આવી હતી.

ઓપરેશન 'એપિક ફ્યુરી' બાદ અમેરિકાને પ્રથમ મોટું નુકસાન

૨૮ ફેબ્રુઆરીના રોજ અમેરિકા અને ઇઝરાયલે ઈરાન પર સંયુક્ત હવાઈ હુમલો એટલે કે 'ઓપરેશન એપિક ફ્યુરી' શરૂ કર્યું હતું. આ હુમલામાં ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનીની હત્યા બાદ ઈરાને વળતો પ્રહાર કરતા કુવૈત અને અન્ય ખાડી દેશો પર મિસાઇલો અને ડ્રોન છોડ્યા હતા. આ અંધાધૂંધી વચ્ચે કુવૈતી જેટે અમેરિકન વિમાનોને દુશ્મન સમજીને નિશાન બનાવ્યા હતા.

ઘટનાની વિગતો અને જાનહાનિ
 * મિસાઇલ એટેક: કુવૈતી F/A-18 જેટે કુલ ૩ મિસાઇલો છોડી હતી, જેના કારણે ત્રણેય અમેરિકન જેટ તૂટી પડ્યા હતા.
 * પાઇલટ્સનો બચાવ: સદનસીબે, ત્રણેય વિમાનના ક્રૂ મેમ્બર્સ સમયસર પેરાશૂટ દ્વારા નીચે ઉતરી ગયા હતા અને તેઓ સુરક્ષિત હોવાનું જણાવાયું છે.
 * અમેરિકનોના મોત: આ ઘટના પહેલા એક ઈરાની ડ્રોન હુમલામાં કુવૈત સ્થિત બેઝ પર ૬ અમેરિકન સૈનિકોના મોત થયા હોવાના પણ અહેવાલ છે.
૧૫ મહિનામાં બીજી મોટી ભૂલ
મધ્ય-પૂર્વમાં તૈનાત અમેરિકન દળો માટે આ ચિંતાનો વિષય છે, કારણ કે છેલ્લા ૧૫ મહિનામાં 'ફ્રેન્ડલી ફાયર' (પોતાના જ સાથી દેશો દ્વારા ભૂલથી હુમલો) દ્વારા અમેરિકન ફાઇટર જેટ તોડી પાડવાની આ બીજી ઘટના છે. ઈરાને આ વિમાનો પોતે તોડી પાડ્યા હોવાનો દાવો કર્યો હતો, પરંતુ તપાસમાં તે કુવૈતી દળોની ટેકનિકલ કે વ્યૂહાત્મક ભૂલ હોવાનું સામે આવ્યું છે.

(1:27 PM IST)