<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th March 2026

ભારતની આકાશમાં અભેદ્ય સુરક્ષા: રશિયા પાસેથી પાંચ નવી S-400 મિસાઈલ સિસ્ટમ ખરીદવાની તૈયારી, દુશ્મનોના મનસૂબા થશે ચકનાચૂર

મધ્ય પૂર્વમાં યુદ્ધના ખતરા વચ્ચે સંરક્ષણ મંત્રાલયનો મોટો નિર્ણય; ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાની વિમાનોના છોતરાં ઉડાડનાર S-400નો હવે ડબલ ડોઝ મળશે, ડ્રોન અને રોકેટ હુમલાને રોકવા રશિયન 'પેન્ટસિર' સિસ્ટમ પણ સેનાના કાફલામાં જોડાશે

નવી દિલ્હી/રાજકોટ: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલી ભીષણ અશાંતિ અને વધતા જતા વૈશ્વિક સૈન્ય તણાવ વચ્ચે ભારત પોતાની હવાઈ સુરક્ષાને લોખંડી બનાવવા જઈ રહ્યું છે. ભારતીય વાયુસેનાની આકાશી તાકાતમાં ધરખમ વધારો કરવા માટે રશિયા પાસેથી વધુ પાંચ અત્યાધુનિક S-400 એર ડિફેન્સ સિસ્ટમ ખરીદવાની દરખાસ્તને સંરક્ષણ સંપાદન બોર્ડ (DAB) દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે. સંરક્ષણ સચિવ રાજેશ કુમાર સિંહની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં આ મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો હતો. નોંધનીય છે કે આ એ જ ઘાતક સિસ્ટમ છે જેણે 'ઓપરેશન સિંદૂર' દરમિયાન પાકિસ્તાની વાયુસેનાના ફાઇટર જેટ્સ અને જાસૂસી વિમાનોને ભારતીય સરહદમાં પ્રવેશતા પહેલા જ હવામાં ફૂંકી મારીને પોતાની તાકાતનો પરચો આપ્યો હતો.

ભારત પાસે હાલમાં ત્રણ S-400 સિસ્ટમ કાર્યરત છે અને આ વર્ષના અંત સુધીમાં વધુ બે સિસ્ટમ સેનામાં સામેલ થવાની શક્યતા છે. નવી પાંચ સિસ્ટમ ઉમેરાતા ભારત પાસે કુલ ૧૦ S-400 સિસ્ટમનું સુરક્ષા કવચ તૈયાર થઈ જશે. ભૂતકાળના અનુભવો પર નજર કરીએ તો, ૧૦ મે ૨૦૨૫ના રોજ જ્યારે ભારતીય બ્રહ્મોસ મિસાઈલે રાવલપિંડીના ચકલાલા એરબેઝ પર પાકિસ્તાની કમાન્ડ નેટવર્કને ધ્વસ્ત કર્યું હતું, ત્યારે S-400 એ પાકિસ્તાની વળતા પ્રહારને રોકવામાં કરોડરજ્જુ સમાન ભૂમિકા ભજવી હતી. હવે આ નવી સિસ્ટમો સીધી ખરીદી (Direct Buy) મોડલ હેઠળ લેવામાં આવશે, જેની જાળવણી અને સમારકામની જવાબદારી ભારતીય ખાનગી કંપનીઓને સોંપીને 'આત્મનિર્ભર ભારત' અભિયાનને પણ વેગ આપવામાં આવશે.

માત્ર S-400 જ નહીં, પણ ભારત હવે રશિયાની અન્ય એક ઘાતક હથિયાર પ્રણાલી 'પેન્ટસિર S-1' (Pantsir S-1) ખરીદવા માટે પણ ડગલાં ભરી રહ્યું છે. સંરક્ષણ મંત્રાલય ૧૩ પેન્ટસિર સિસ્ટમ ખરીદવાની યોજના પર કામ કરી રહ્યું છે, જે ખાસ કરીને કામિકાઝ ડ્રોન, ટૂંકા અંતરના રોકેટ અને ક્રુઝ મિસાઈલોને તોડી પાડવામાં માહિર છે. આમાંથી ૧૦ સિસ્ટમ વાયુસેનાના S-400 યુનિટ્સના રક્ષણ માટે તૈનાત કરવામાં આવશે, જ્યારે ૩ સિસ્ટમ ભારતીય સેના દ્વારા સરહદી વિસ્તારોમાં એટેક હેલિકોપ્ટર અને લોઇટરિંગ દારૂગોળા (Loitering Munition) ના ખતરા સામે લડવા માટે વાપરવામાં આવશે. આ મલ્ટી-લેયર એર ડિફેન્સ નેટવર્ક ભારતની સરહદોને દુશ્મન માટે કોઈપણ રીતે અભેદ્ય બનાવી દેશે.

વર્તમાન ભૌગોલિક-રાજકીય પરિસ્થિતિમાં જ્યારે ડ્રોન વોરફેર અને મિસાઈલ હુમલાઓનું જોખમ વધી રહ્યું છે, ત્યારે રશિયા સાથેનો આ સંરક્ષણ કરાર ભારત માટે ગેમ-ચેન્જર સાબિત થશે. DAC ની અંતિમ મંજૂરી અને નાણા મંત્રાલયની સુરક્ષા સમિતિની ક્લિયરન્સ મળ્યા બાદ આ સોદો સત્તાવાર રીતે સંપન્ન થશે. ભારતની આ રણનીતિ સ્પષ્ટ સંકેત આપે છે કે પડોશી દેશોની કોઈ પણ નાપાક હરકતનો જવાબ આપવા માટે ભારત હવે સેકન્ડોના હિસ્સામાં તૈયાર છે. આ આધુનિકીકરણથી ભારતીય વાયુસેનાની ક્ષમતા એટલી વધી જશે કે દુશ્મન દેશના વિમાનો ભારતીય વાયુક્ષેત્રની આસપાસ ફરકવાની હિંમત પણ નહીં કરી શકે.

(11:46 AM IST)