News of Wednesday, 4th March 2026
ટ્રમ્પની ગર્જના: 'ઈરાને દાયકાઓથી આતંક ફેલાવ્યો છે, હવે હિસાબ ચૂકવવો પડશે', પશ્ચિમ એશિયામાં અમેરિકાના વિનાશક પ્રહાર બાદ રાષ્ટ્રપતિનું મોટું નિવેદન
વ્હાઇટ હાઉસથી ટ્રમ્પનો સીધો સંદેશ— ઈરાનની નૌકાદળ અને હવાઈ સંરક્ષણ ક્ષમતા અમેરિકી હુમલામાં સંપૂર્ણપણે નિષ્ક્રિય; ૧૯૭૯ની બંધક કટોકટી અને ૧૯૮૩ના બેરૂત હુમલાનો ઉલ્લેખ કરી લશ્કરી કાર્યવાહીને ગણાવી વ્યાજબી, બ્રિટન સામે અસંતોષ વ્યક્ત કરતા મચ્યો ખળભળાટ

વોશિંગ્ટન/નવી દિલ્હી: પશ્ચિમ એશિયામાં જારી ભીષણ લશ્કરી સંઘર્ષ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રથમવાર જાહેરમાં મીડિયા સમક્ષ આવી ઈરાન વિરુદ્ધની કાર્યવાહી અંગે પાયાના ખુલાસા કર્યા છે. વ્હાઇટ હાઉસની ઓવલ ઓફિસમાં જર્મન ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝ સાથેની મહત્વપૂર્ણ બેઠક પૂર્વે ટ્રમ્પે આક્રમક તેવરમાં જણાવ્યું હતું કે, ઈરાન દાયકાઓથી આતંકવાદને પ્રોત્સાહન આપી રહ્યું છે અને હવે તેના પર લગામ કસવી અનિવાર્ય બની ગઈ હતી. ટ્રમ્પે દાવો કર્યો હતો કે અમેરિકાના તાજેતરના હવાઈ અને મિસાઈલ હુમલા બાદ ઈરાનની નૌકાદળ, વાયુસેના અને રડાર સિસ્ટમ લગભગ સંપૂર્ણપણે ધ્વસ્ત થઈ ગઈ છે. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે આ કાર્યવાહી કોઈ દબાણ હેઠળ નહીં, પરંતુ અમેરિકી સુરક્ષા હિતોને સર્વોપરી રાખીને કરવામાં આવી છે.
ટ્રમ્પે ઈરાન સામેની આકરી કાર્યવાહીને ઐતિહાસિક સંદર્ભ સાથે જોડીને વાજબી ઠેરવી હતી. તેમણે ૧૯૭૯માં ઈરાનમાં થયેલી અમેરિકી દૂતાવાસની બંધક કટોકટી અને ૧૯૮૩માં બેરૂતમાં અમેરિકી મરીન બેરેક પર થયેલા હુમલાની યાદ અપાવતા કહ્યું હતું કે, ઈરાનનો ઈતિહાસ હિંસાથી ભરેલો રહ્યો છે. રાષ્ટ્રપતિએ સ્વીકાર્યું હતું કે હુમલા પૂર્વે મધ્ય પૂર્વમાં વસતા અમેરિકનોને બહાર કાઢવાની કોઈ પૂર્વ યોજના નહોતી, કારણ કે લશ્કરી ઓપરેશન એટલી તીવ્ર ઝડપે હાથ ધરવામાં આવ્યું હતું કે અગાઉથી સ્થળાંતરની વ્યવસ્થા કરવી અશક્ય હતી. તેમણે ચેતવણી આપી હતી કે ઈરાન જો પોતાની હરકતોથી બાજ નહીં આવે તો પરિસ્થિતિ હજુ પણ વધુ વણસી શકે છે.
આંતરરાષ્ટ્રીય મોરચે ટ્રમ્પે બ્રિટનની આકરી ટીકા કરીને સૌને ચોંકાવી દીધા હતા. ટ્રમ્પે બ્રિટનને 'અસહયોગી' દેશ ગણાવતા ચાગોસ ટાપુઓ પર સાર્વભૌમત્વ સોંપવાના લંડનના નિર્ણય સામે સખત અસંમતિ દર્શાવી હતી. તેમણે સંકેત આપ્યો હતો કે વર્તમાન યુદ્ધની જરૂરિયાતોને પહોંચી વળવા માટે અમેરિકામાં કટોકટીની જોગવાઈઓ હેઠળ સંરક્ષણ ઉત્પાદનને વેગ આપવામાં આવી રહ્યો છે. ટ્રમ્પના આ કડક વલણથી પશ્ચિમી દેશોના ગઠબંધનમાં પણ તિરાડ પડી હોય તેવું જણાય છે, જે વૈશ્વિક રાજકારણ માટે ચિંતાનો વિષય છે. ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે હવે અમેરિકા પાછળ હટવાનું નથી અને દુશ્મનોએ તેના પરિણામ ભોગવવા જ પડશે.
ઈરાનમાં ચાલી રહેલી આંતરિક સ્થિતિ અંગે પૂછવામાં આવતા ટ્રમ્પે કહ્યું હતું કે, તેઓ હાલમાં ત્યાં કોઈ વિરોધ પ્રદર્શનો જોવા માંગતા નથી કારણ કે આકાશમાંથી સતત બોમ્બમારો થઈ રહ્યો છે અને સામાન્ય નાગરિકો માટે સ્થિતિ અત્યંત જોખમી છે. તેમણે ઈરાની જનતાને સાવચેત કરતા કહ્યું કે જો જૂના શાસન જેવું જ કોઈ નેતૃત્વ સત્તા પર આવશે તો ઈરાન માટે ભવિષ્ય અંધકારમય બની જશે. ટ્રમ્પનું આ નિવેદન દર્શાવે છે કે અમેરિકા માત્ર સૈન્ય હુમલા જ નહીં, પરંતુ ઈરાનમાં સત્તા પરિવર્તન માટે પણ મક્કમ મન બનાવી ચૂક્યું છે. હવે આ યુદ્ધ કઈ દિશામાં ફંટાય છે તેના પર સમગ્ર વિશ્વની મીટ મંડાયેલી છે.
(11:24 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
