<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd March 2026

ટ્રમ્પનો પ્રતિબંધ છતાં 'ક્લાઉડ' AI એ જ ખામેનીનો ખેલ ખતમ કર્યો! સિલિકોન વેલી અને વ્હાઇટ હાઉસ વચ્ચેના જંગમાં ઈરાનના સુપ્રીમ લીડરનો ભોગ લેવાયો

નૈતિકતાના મુદ્દે એન્થ્રોપિક કંપનીએ અમેરિકી સરકાર સામે બગાવત કરી, છતાં યુદ્ધના મેદાનમાં તે જ ટેકનોલોજી બની અનિવાર્ય: $200 મિલિયનનો સોદો રદ થયાના ગણતરીના કલાકોમાં જ લોહિયાળ ઈતિહાસ રચાયો

વોશિંગ્ટન: આધુનિક યુદ્ધકળાના ઈતિહાસમાં એક એવી ઘટના બની છે જેણે આખી દુનિયાને સ્તબ્ધ કરી દીધી છે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જે AI કંપની 'એન્થ્રોપિક' (Anthropic) પર "સુરક્ષા માટે જોખમ" ગણાવીને પ્રતિબંધ મૂક્યો હતો, તે જ કંપનીના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ 'ક્લાઉડ' (Claude) નો ઉપયોગ કરીને અમેરિકાએ ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેનીને મોતને ઘાટ ઉતાર્યા છે. આ ઘટનાએ સાબિત કર્યું છે કે આધુનિક યુદ્ધમાં AI હવે કોઈ વિકલ્પ નથી, પણ એક અનિવાર્ય જરૂરિયાત બની ગઈ છે.
એન્થ્રોપિક અને પેન્ટાગોન વચ્ચેની 'ઈગો વોર'
આ વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે પેન્ટાગોને એન્થ્રોપિક કંપની પાસે માંગ કરી કે તેમના 'ક્લાઉડ' AIનો ઉપયોગ કોઈપણ લશ્કરી હેતુ માટે કરવાની છૂટ આપવામાં આવે. પરંતુ કંપનીના CEO ડારિયો અમોડેઈએ સ્પષ્ટ ઇનકાર કરી દીધો. તેમણે બે શરતો રાખી:
1.    નાગરિકોની જાસૂસી નહીં: અમેરિકન નાગરિકો પર નજર રાખવા માટે આ ટેકનોલોજી નહીં વપરાય.
2.    કિલર રોબોટ્સ પર પ્રતિબંધ: AI પોતે નિર્ણય લઈને કોઈની હત્યા નહીં કરે.
આ જીદને કારણે ટ્રમ્પે એન્થ્રોપિકને બ્લેકલિસ્ટ કરી દીધી અને OpenAI (ચેટજીપીટી) સાથે નવો સોદો કર્યો.
પ્રતિબંધ છતાં કેવી રીતે થયો ઉપયોગ?
સૌથી મોટી વિડંબના એ છે કે શુક્રવારે ટ્રમ્પે પ્રતિબંધ મૂક્યો અને શનિવારે સવારે ઈરાન પર હુમલો થયો. 'ધ વોલ સ્ટ્રીટ જર્નલ'ના રિપોર્ટ મુજબ, અમેરિકી સેનાની 'મેવેન સ્માર્ટ સિસ્ટમ'માં ક્લાઉડ AI એટલું ઊંડું ઉતરી ગયું છે કે તેને રાતોરાત હટાવવું અશક્ય હતું. ભલે ટ્રમ્પે કાગળ પર પ્રતિબંધ મૂક્યો હોય, પણ હુમલાની ચોક્કસ યોજના બનાવવા, લક્ષ્યોને ઓળખવા અને યુદ્ધના સંભવિત દ્રશ્યો (Simulations) તૈયાર કરવા માટે સેનાએ ક્લાઉડનો જ સહારો લેવો પડ્યો હતો.
ખામેનીના અંતમાં AI ની ભૂમિકા
આ હુમલામાં ક્લાઉડે કોઈ મિસાઈલ ફાયર નથી કરી, પરંતુ તેણે સેંકડો ટેરાબાઈટ ડેટાનું વિશ્લેષણ કરીને ખામેનીનું ચોક્કસ લોકેશન અને સુરક્ષાની નબળી કડીઓ શોધી કાઢી હતી. જે કામ કરવા માટે હજારો જાસૂસોને મહિનાઓ લાગતા, તે ક્લાઉડે ગણતરીની મિનિટોમાં કરી આપ્યું. આ જ ડેટાના આધારે ઈઝરાયેલ અને અમેરિકાના વિમાનોએ સચોટ પ્રહાર કરીને ઈરાની નેતાને ખતમ કરી દીધા.
ટેકનોલોજીની તાકાત સામે સરકાર લાચાર?
આ ઘટનાએ એક નવી ચર્ચા છેડી છે. શું ટેક કંપનીઓ સરકાર કરતા પણ વધુ શક્તિશાળી બની ગઈ છે? એક તરફ ટ્રમ્પે એન્થ્રોપિકને 'દુશ્મન દેશની કંપની' જેવો દરજ્જો આપી દીધો છે, તો બીજી તરફ તેમની જ સેના તે જ ટેકનોલોજી વગર એક ડગલું પણ ચાલી શકે તેમ નથી. હાલમાં વહીવટીતંત્રે આ સિસ્ટમને સંપૂર્ણપણે દૂર કરવા માટે 6 મહિનાનો સમય આપ્યો છે, પરંતુ ત્યાં સુધી ક્લાઉડ જ અમેરિકાનું 'ડિજિટલ મગજ' બની રહેશે.

(6:56 PM IST)