<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd March 2026

ચીની શસ્ત્રોનો 'મેડ ઇન ચાઈના' ફિયાસ્કો: પાકિસ્તાનથી લઈને ઈરાન સુધી ડ્રેગનના હથિયારો નકામા સાબિત થયા, ભારતના બ્રહ્મોસ સામે HQ-9 સિસ્ટમ ઘૂંટણિયે

નબળું એન્જિનિયરિંગ અને ખામીયુક્ત સોફ્ટવેરની પોલ ખુલી: ઇઝરાયલી F-35 સ્ટીલ્થ વિમાનો સામે ચીની રડાર સિસ્ટમ 'બ્લેન્ક' થઈ જતા ઈરાનને ભીષણ નુકસાન

નવી દિલ્હી: વિશ્વભરમાં પોતાની સસ્તી કિંમતોને કારણે જાણીતા ચીની હથિયારો હવે યુદ્ધના મેદાનમાં 'શોભાના ગાઠિયા' સાબિત થઈ રહ્યા છે. તાજેતરના વૈશ્વિક સંઘર્ષોએ ચીનના સંરક્ષણ ઉદ્યોગની નબળી કડીઓ ખુલ્લી પાડી દીધી છે. પાકિસ્તાન હોય, વેનેઝુએલા હોય કે ઈરાન—જ્યાં પણ ચીની મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ કે રડાર તૈનાત હતા, ત્યાં તે દુશ્મનના આધુનિક હથિયારો સામે સદંતર નિષ્ફળ રહ્યા છે.
પાકિસ્તાનમાં બ્રહ્મોસનો પ્રહાર અને ચીની સિસ્ટમનો ફિયાસ્કો
પાકિસ્તાન માટે સૌથી મોટો આંચકો 'ઓપરેશન સિંદૂર' દરમિયાન લાગ્યો હતો. ચીને પાકિસ્તાનને પોતાની સર્વશ્રેષ્ઠ ગણાતી HQ-9 એર ડિફેન્સ સિસ્ટમ અને YLC-8E "એન્ટી-સ્ટીલ્થ" રડાર આપ્યા હતા. જોકે, ભારતના ઘાતક બ્રહ્મોસ મિસાઇલો સામે આ રડાર સિસ્ટમ કંઈ જ કરી શકી નહીં. ભારતીય મિસાઇલોએ પલક ઝપકાવતા જ ચીની ટેકનોલોજી પર નિર્ભર પાકિસ્તાની દળોની સંરક્ષણ લાઇનને તોડી પાડી હતી. આ ઘટનાએ ચીની એન્જિનિયરિંગ પર મોટા સવાલો ઉભા કર્યા છે.
ઈરાન અને વેનેઝુએલામાં પણ ચીની ટેકનોલોજી 'ફેઈલ'
માત્ર પાકિસ્તાન જ નહીં, ઈરાન પર થયેલા તાજેતરના યુએસ-ઇઝરાયલી હુમલામાં પણ ચીની શસ્ત્રોનો દમ નીકળી ગયો હતો. ઇઝરાયલના આધુનિક F-35 સ્ટીલ્થ ફાઈટર જેટ્સ જ્યારે તેહરાન તરફ આગળ વધ્યા, ત્યારે ત્યાં તૈનાત ચીની બનાવટની HQ-9B સિસ્ટમ તેમને પકડવામાં નિષ્ફળ રહી હતી. પરિણામે ઈરાનના મહત્વના સૈન્ય ઠેકાણાઓને ભારે નુકસાન થયું. આવી જ સ્થિતિ વેનેઝુએલામાં જોવા મળી હતી, જ્યાં અમેરિકી ડેલ્ટા ફોર્સના ઓપરેશન દરમિયાન ચીની JY-27A રડાર અચાનક બંધ થઈ ગયા હતા.
નબળું સોફ્ટવેર અને નકલી નવીનતા
સંરક્ષણ નિષ્ણાતોનું માનવું છે કે ચીન રશિયા અને પશ્ચિમી દેશોની ટેકનોલોજીની નકલ કરીને શસ્ત્રો બનાવે છે, પરંતુ તેમાં જરૂરી 'યુદ્ધ-પરીક્ષિત' (Battle-tested) પરિપક્વતાનો અભાવ હોય છે. ચીની શસ્ત્રોમાં વપરાતું સોફ્ટવેર ઘણીવાર જટિલ ઈલેક્ટ્રોનિક યુદ્ધ પરિસ્થિતિઓમાં હેંગ થઈ જાય છે અથવા દુશ્મનના જામર્સ સામે ટકી શકતું નથી.
ડ્રેગનના હથિયારો જે આકર્ષક પેકેજિંગ સાથે વેચવામાં આવ્યા હતા, તે હવે વાસ્તવિક યુદ્ધમાં પત્તાના મહેલની જેમ ખરી રહ્યા છે. આ નિષ્ફળતાઓને કારણે હવે વિશ્વના અનેક દેશો ચીની શસ્ત્રો ખરીદતા પહેલા સો વાર વિચાર કરી રહ્યા છે.

(6:49 PM IST)