<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd March 2026

ખામેનીના મૃતદેહને લઈને દુનિયાભરમાં સસ્પેન્સ: તેહરાનનો કાટમાળ કે મશહદની પવિત્ર દરગાહ? ક્યાં રખાયો છે ઈરાનના સર્વોચ્ચ નેતાનો પાર્થિવ દેહ?

સોશિયલ મીડિયા પર વાયરલ ફોટાએ મચાવ્યો હંગામો: ઈઝરાયેલી ગુપ્તચર એજન્સીઓના દાવા અને ઈરાની વહીવટીતંત્રનું ભેદી મૌન - શું યુદ્ધની સ્થિતિમાં અંતિમ સંસ્કાર મુલતવી રખાશે?

તેહરાન:ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનીના મૃત્યુના સમાચાર બાદ હવે તેમના મૃતદેહના સ્થાનને લઈને વૈશ્વિક સ્તરે રહસ્ય ઘેરું બન્યું છે. ભીષણ હુમલામાં ખામેનીના નિધન બાદ ઈરાન અત્યારે ઈતિહાસના સૌથી મોટા નેતૃત્વ સંકટ અને યુદ્ધ જેવી સ્થિતિનો સામનો કરી રહ્યું છે. સત્તાવાર રીતે ઈરાન સરકાર તરફથી હજુ સુધી કોઈ સ્પષ્ટ વિગતો જાહેર કરવામાં આવી નથી, જેના કારણે અટકળોનું બજાર ગરમ છે.
પ્રાપ્ત અહેવાલો અનુસાર, તેહરાનમાં ખામેનીના સત્તાવાર નિવાસસ્થાને જ્યારે ઉચ્ચ સ્તરીય લશ્કરી બેઠક ચાલી રહી હતી, ત્યારે જ અત્યંત ચોકસાઈપૂર્વક હવાઈ હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલો એટલો ભયાનક હતો કે ઈમારત ધરાશાયી થઈ ગઈ હતી. 'ધ ન્યૂ યોર્ક ટાઇમ્સ' અને અન્ય આંતરરાષ્ટ્રીય મીડિયાના દાવા મુજબ, ખામેનીનો મૃતદેહ કાટમાળમાંથી મળી આવ્યો હતો અને તેની ઓળખ માટેના જરૂરી દસ્તાવેજો પણ તૈયાર કરી લેવામાં આવ્યા છે.
છેલ્લા ૨૪ કલાકથી સોશિયલ મીડિયા પર એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક વ્યક્તિ હોસ્પિટલમાં એક મૃતદેહને ભેટીને રડતી જોવા મળે છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ ખામેનીનો જ દેહ છે. જોકે, નિષ્ણાતો આ ફોટાની સત્યતા પર સવાલ ઉઠાવી રહ્યા છે. ઈરાની પ્રશાસન આ બાબતે સંપૂર્ણપણે મૌન સેવી રહ્યું છે, જે સૂચવે છે કે સુરક્ષાના કારણોસર અત્યારે કોઈ પણ માહિતી બહાર પાડવામાં આવતી નથી.
હવે સૌથી મોટો સવાલ એ છે કે ખામેનીને ક્યાં દફનાવવામાં આવશે? બે શક્યતાઓ સેવાઈ રહી છે:
તેહરાન: ઈરાનના પ્રથમ સર્વોચ્ચ નેતા ખોમેનીની જેમ તેમને રાજધાની તેહરાનના 'બેહેશ્ત-એ ઝહરા' કબ્રસ્તાનમાં રાજ્ય સન્માન સાથે દફનાવી શકાય છે.
મશહદ: ખામેનીનું વતન મશહદ છે, જે શિયા મુસ્લિમો માટે અત્યંત પવિત્ર છે. ત્યાં ૮મા ઈમામ અલી અલ-રીદાની દરગાહ આવેલી છે. શ્રદ્ધાની દ્રષ્ટિએ આ સ્થળ સૌથી વધુ પ્રબળ મનાય છે.
રાજકીય વિશ્લેષકો માને છે કે જ્યાં સુધી અમેરિકા અને ઈઝરાયેલ સાથેનો સંઘર્ષ શાંત ન થાય, ત્યાં સુધી અંતિમ સંસ્કારની તારીખ જાહેર કરવામાં નહીં આવે. ઈરાન અત્યારે પોતાના નવા ઉત્તરાધિકારીની પસંદગી અને આંતરિક સુરક્ષા પર વધુ ધ્યાન આપી રહ્યું છે. જ્યાં સુધી સત્તાવાર જાહેરાત ન થાય, ત્યાં સુધી આ રહસ્ય અકબંધ રહેશે.

(8:38 PM IST)