News of Monday, 2nd March 2026
ભારતનું ગૌરવ આસમાનને સ્પર્શશે: ગુરુગ્રામમાં આકાર લેશે દેશનો પોતાનો 'બુર્જ ખલીફા'! ₹10 લાખ કરોડના ખર્ચે બનશે ભારતનો સૌથી ઊંચો ટાવર
દુબઈ અને સિંગાપોરને ટક્કર આપવા હરિયાણા સરકારનો માસ્ટર પ્લાન: 'ગ્લોબલ સિટી' પ્રોજેક્ટ હેઠળ દ્વારકા એક્સપ્રેસવે પર રચાશે નવો ઈતિહાસ

ગુરુગ્રામ, તા.૦૨: ભારત હવે આર્થિક શક્તિની સાથે સાથે ઈન્ફ્રાસ્ટ્રક્ચરના ક્ષેત્રમાં પણ વિશ્વના દિગ્ગજોને પડકાર આપવા તૈયાર છે. હરિયાણા સરકારે ગુરુગ્રામમાં એક એવા 'આઈકોનિક ટાવર'ના નિર્માણનો પ્રસ્તાવ રજૂ કર્યો છે જે મુંબઈના 'પેલેસ રોયલ' (320 મીટર)નો રેકોર્ડ તોડીને ભારતની સૌથી ઊંચી ઈમારતનું બિરુદ હાંસલ કરશે. આ પ્રોજેક્ટ પૂર્ણ થતા જ ભારતની સ્કાયલાઈન દુબઈ કે સિંગાપોર જેવી ભવ્ય દેખાશે.
1,000 એકરમાં વસશે 'ભવિષ્યનું શહેર'
આ ગગનચુંબી ઈમારત કોઈ સામાન્ય બિલ્ડિંગ નથી, પરંતુ હરિયાણા સરકારના ડ્રીમ પ્રોજેક્ટ 'ગ્લોબલ સિટી'નું મુખ્ય આકર્ષણ હશે. દ્વારકા એક્સપ્રેસવે પાસે 1,000 એકરમાં ફેલાયેલા આ આધુનિક શહેરી કેન્દ્રમાં વિશ્વ કક્ષાની સુવિધાઓ હશે. કેબિનેટ મંત્રી રાવ નરબીર સિંહના જણાવ્યા અનુસાર, આ પ્રોજેક્ટ હાલ બિડિંગના તબક્કામાં છે અને ટૂંક સમયમાં જ તેનું કામ ગતિ પકડશે.
કેમ ખાસ હશે આ 'આઈકોનિક ટાવર'?
આ ટાવર માત્ર ઊંચાઈ માટે નહીં, પણ તેની અંદર રહેલી સુવિધાઓ માટે પણ ચર્ચામાં રહેશે:
- વૈશ્વિક બિઝનેસ હબ: આંતરરાષ્ટ્રીય કંપનીઓ માટે પ્રીમિયમ ઓફિસ સ્પેસ.
- લક્ઝરી હોસ્પિટાલિટી: સાત સિતારા હોટલો અને મનોરંજનના સાધનો.
- વ્યુઈંગ ડેક: ટાવરની ટોચ પરથી આખું શહેર જોઈ શકાય તેવું જાહેર પ્લેટફોર્મ.
- સ્માર્ટ ટ્રાન્સપોર્ટ: આ વિસ્તારમાં મુસાફરી માટે લાઈટ રેપિડ ટ્રાન્ઝિટ (LRT) અને ઇલેક્ટ્રિક બસોની સુવિધા હશે.
₹10 લાખ કરોડનું મહા-રોકાણ
આ સમગ્ર 'ગ્લોબલ સિટી' પ્રોજેક્ટમાં અંદાજે 10 લાખ કરોડ રૂપિયાનું માતબર રોકાણ થવાની શક્યતા છે. આ પ્રોજેક્ટ એ રીતે તૈયાર કરવામાં આવ્યો છે કે તેમાં 1.8 લાખ કાયમી રહેવાસીઓ અને 5 લાખથી વધુ મુસાફરો આરામથી સમાઈ શકશે. ખાસ પગપાળા રસ્તાઓ અને સાયકલિંગ ટ્રેક તેને પર્યાવરણને અનુકૂળ (Eco-friendly) બનાવશે.
જો આ પ્રોજેક્ટ નિર્ધારિત સમયમાં પૂર્ણ થશે, તો દિલ્હી-NCR વિસ્તાર વિશ્વના નકશા પર એક શક્તિશાળી આર્થિક અને પ્રવાસન કેન્દ્ર તરીકે ઉભરી આવશે.
(3:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
