News of Monday, 2nd March 2026
સપના ચૌધરીની ભયાનક આપવીતી: "ચારેબાજુ હથિયારોનો ઢગલો હતો અને અચાનક સ્ટેજ પર આવી શખ્સે કર્યું ગંદુ કામ..." હરિયાણવી ક્વીનનો સનસનીખેજ ખુલાસો!
પૈસાની તંગીને કારણે ગેંગસ્ટરની પાર્ટીમાં ડાન્સ કરવા મજબૂર બની હતી સપના, સ્ટેજ પર થયેલા દુર્વ્યવહાર છતાં 'મૃત્યુ'ના ડર સામે લડીને પરત ફરી

મુંબઈ, તા.૦૨: હરિયાણવી ડાન્સર સપના ચૌધરી આજે લાખો દિલો પર રાજ કરે છે, પરંતુ તેની આ સફળતા પાછળના સંઘર્ષની કહાની અત્યંત કરુણ અને ડરામણી છે. હાલમાં જ એક રિયાલિટી શો "ધ 50" માં સપનાએ તેના ભૂતકાળના એક એવા કાળા પ્રકરણ પરથી પડદો ઉઠાવ્યો છે, જે સાંભળીને તેના ચાહકો પણ સ્તબ્ધ થઈ ગયા છે. આર્થિક તંગીના એ દિવસોમાં સપનાએ જીવના જોખમે ગુંડાઓની વચ્ચે પરફોર્મન્સ આપવું પડ્યું હતું.
મોતના ઓછાયા હેઠળ ડાન્સ
સપનાએ શોમાં યાદ કરતાં જણાવ્યું કે, એક સમયે ઘર ચલાવવા માટે પૈસાની એટલી અછત હતી કે તે કામ માટે ક્યાંય પણ જવા તૈયાર હતી. એક દિવસ તેને પ્રોગ્રામ માટે ફોન આવ્યો અને તેણે વિગતો પૂછ્યા વગર હા પાડી દીધી. જ્યારે તે લોકેશન પર પહોંચી ત્યારે દ્રશ્ય જોઈને તેના હોશ ઉડી ગયા હતા. ત્યાં ટેબલો પર હથિયારોનો ઢગલો હતો. પૂછપરછ કરતા જાણવા મળ્યું કે એક કુખ્યાત ગેંગસ્ટર જેલમાંથી છૂટ્યો હતો અને તેની ખુશીમાં આ પાર્ટી રખાઈ હતી.
સ્ટેજ પર જ્યારે મર્યાદા ઓળંગી
કાર્યક્રમ શરૂ થયો, સપના સ્ટેજ પર ગાઈ રહી હતી ત્યારે અચાનક એક શખ્સ ભાન ભૂલ્યો. તે સ્ટેજ પર ચઢી આવ્યો અને સપનાને જબરદસ્તી ચુંબન કરીને જતો રહ્યો. આ ઘટનાથી સપના અત્યંત ગુસ્સે થઈ ગઈ હતી, પણ ચારેબાજુ બંદૂકો જોઈને તે લાચાર હતી. જોકે, હિંમત ભેગી કરીને તેણે માઇક પર જ કહી દીધું, "તમારે મને મારવી હોય તો ગોળી મારી દો, પણ આવું વર્તન સહન નહીં થાય." સપનાને ડર હતો કે ગમે ત્યારે તેની છાતીમાં ગોળી વાગશે.
માતા બની ઢાલ અને કાયદાકીય મુશ્કેલીઓ
આ કપરી પરિસ્થિતિમાં સપનાની માતા તેની વહારે આવી હતી. તેની માતાએ સપનાનો હાથ પકડ્યો અને તેને સ્ટેજ પરથી સીધી બહાર લઈ ગઈ. સપના જણાવે છે કે સ્ટેજથી બહારના દરવાજા સુધીનું અંતર કાપવું તેના જીવનની સૌથી લાંબી અને ડરામણી ક્ષણ હતી.
ઉલ્લેખનીય છે કે સપનાનો વિવાદો સાથે જૂનો નાતો રહ્યો છે. તેના પર નાસભાગ અને હુમલા જેવા આશરે 35 કેસ પેન્ડિંગ છે. બાગપત, મથુરા અને મેરઠ જેવા વિસ્તારોમાં તો તેના શો પર પ્રતિબંધ પણ મૂકવામાં આવ્યો છે, કારણ કે 2016માં તેના એક શો દરમિયાન થયેલી હિંસામાં અનેક પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા.
(3:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
