News of Monday, 2nd March 2026
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દિલ્હી પહોંચતા જ સુરક્ષા સમિતિની કટોકટીની બેઠક યોજી
મધ્ય પૂર્વમાં વણસતી સ્થિતિ અને ભારતીયોની સુરક્ષા અંગે લેવાયા અત્યંત મહત્વપૂર્ણ નિર્ણયો

ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રવિવારે રાત્રે દિલ્હીના વિમાનમથકે ઉતરાણ કર્યા બાદ વિલંબ કર્યા વગર સીધી જ સુરક્ષા અંગેની કેબિનેટ સમિતિની બેઠક બોલાવી હતી. પ્રવાસ બાદ રાત્રે આશરે ૯:૩૦ વાગ્યે રાજધાની પરત ફરેલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશની રક્ષા અને વૈશ્વિક રાજકીય ઉથલપાથલને ધ્યાનમાં રાખીને આ મહત્વની સમીક્ષા કરી હતી.
આ બેઠકમાં ગૃહમંત્રી અમિતભાઈ શાહ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અને અન્ય ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. ખાસ કરીને સંયુક્ત આરબ અમીરાત પર થયેલા તાજેતરના ઈરાની હુમલામાં જે ૫૮ લોકો ઘાયલ થયા છે, તેમાં ભારતીય નાગરિકોનો પણ સમાવેશ થાય છે તેવી સત્તાવાર વિગતો મળતા સરકાર ભારે હરકતમાં આવી છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિદેશ મંત્રાલયને આદેશ આપ્યો છે કે અખાતી દેશોમાં વસતા તમામ ભારતીયોની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે અને ઈજાગ્રસ્ત ભારતીય નાગરિકને શ્રેષ્ઠ સારવાર મળે તેવી વ્યવસ્થા કરવામાં આવે.
આ બેઠકમાં અમિતભાઈ શાહ દ્વારા દેશની આંતરિક સુરક્ષા અને સરહદો પરની સ્થિતિનો અહેવાલ રજૂ કરાયો હતો. ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે વધતા જતા યુદ્ધના કારણે ઉર્જા સુરક્ષા અને ખાદ્ય પુરવઠા પર થનારી અસરો અંગે પણ ગંભીર ચર્ચાઓ કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સ્પષ્ટ સૂચના આપી છે કે ભારત કોઈપણ આકસ્મિક પરિસ્થિતિનો સામનો કરવા માટે સંપૂર્ણ રીતે સજ્જ રહે.
વિદેશી ધરતી પર રહેલા ભારતીયોની જાનમાલની રક્ષા એ સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે તે બાબત પર ભાર મુકતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સંબંધિત વિભાગોને ચોવીસ કલાક સતર્ક રહેવા જણાવ્યું છે.
(12:14 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
