News of Saturday, 28th February 2026
તેહરાન પર મિસાઈલ વર્ષા અને અમેરિકાનું 'ઓપરેશન એપિક ફ્યુરી': શું આ ત્રીજા વિશ્વયુદ્ધની શરૂઆત છે?
ઈરાની સુપ્રીમ લીડર ખામેનીના કાર્યાલય પર હુમલાના અહેવાલ બાદ લાખો લોકોનું પલાયન: ઈઝરાયેલની 'સિંહ ગર્જના' અને ટ્રમ્પની મોટી સૈન્ય કાર્યવાહીની જાહેરાતથી સમગ્ર વિશ્વમાં ફફડાટ: પરમાણુ મથકો પર તોળાતું જોખમ

નવી દિલ્હી : મધ્યપૂર્વનો આકાશ અત્યારે ફટાકડાથી નહીં પણ વિનાશક મિસાઈલો અને બોમ્બમારાથી લાલચોળ થઈ ગયું છે. ઈરાનની રાજધાની તેહરાન સહિત સાતથી વધુ મુખ્ય શહેરો અત્યારે ધણધણી ઉઠ્યા છે. ઈરાની રાષ્ટ્રીય સુરક્ષા પરિષદે ઈતિહાસમાં પહેલીવાર પોતાના જ નાગરિકોને રાજધાની છોડી દેવા માટે સત્તાવાર આદેશ આપ્યો છે, જે સ્થિતિની ગંભીરતા દર્શાવે છે. સુપ્રીમ લીડર અલી ખામેનીના કાર્યાલયને નિશાન બનાવવામાં આવ્યું હોવાના સમાચાર ફેલાતા જ ઈરાની શાસન વ્યવસ્થા હચમચી ગઈ છે. છ કલાક સુધી હવાઈ ક્ષેત્ર બંધ કરી દેવાતા હજારો મુસાફરો અધ્ધરતાલ થયા છે અને સમગ્ર વિસ્તાર યુદ્ધના મેદાનમાં ફેરવાઈ ગયો છે.
અમેરિકાએ આ હુમલાને 'ઓપરેશન એપિક ફ્યુરી' નામ આપીને સ્પષ્ટ સંકેત આપ્યો છે કે તે હવે પીછેહઠ કરવાના મૂડમાં નથી. પેન્ટાગોન અને ઈઝરાયેલી સેનાના સંયુક્ત ઓપરેશનમાં રિવોલ્યુશનરી ગાર્ડ્સના ટોચના કમાન્ડરો માર્યા ગયા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. ઈઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહૂએ ઈરાની જનતાને બળવો કરવા ઉકસાવતા આ જંગ હવે માત્ર સૈન્ય પુરતી સીમિત ન રહેતા વૈચારિક અને રાજકીય લડાઈ પણ બની ગઈ છે. બીજી તરફ, ડોનાલ્ડ ટ્રમ્પની સીધી સંડોવણી અને 'મોટી સૈન્ય કાર્યવાહી'ની જાહેરાતે રશિયા અને ચીન જેવા દેશોને પણ સતર્ક કરી દીધા છે, જે વૈશ્વિક સત્તા સંતુલન બગાડી શકે છે.
આ સંઘર્ષની જ્વાળાઓ હવે પર્સિયન ગલ્ફ સુધી પહોંચી છે. કુવૈત, કતાર અને UAE જેવા શાંત ગણાતા દેશો પર ઈરાની મિસાઈલો ત્રાટકતા ખાડી દેશોમાં પણ હાહાકાર મચી ગયો છે. અબુ ધાબીમાં થયેલ ખુવારી અને બહેરીનમાં અમેરિકી નૌકાદળના મથક પરના હુમલાએ સાબિત કરી દીધું છે કે આ યુદ્ધ હવે આખા વિશ્વના તેલ પુરવઠા અને સમુદ્રી વ્યાપારને ઠપ્પ કરી દેશે. જો આ જંગ અટકશે નહીં, તો તેની સીધી અસર ભારતના શેરબજાર અને ઈંધણના ભાવો પર પડશે, જેના કારણે આગામી દિવસોમાં વિશ્વભરમાં આર્થિક કટોકટી સર્જાવાની પ્રબળ શક્યતા છે.
(6:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
