News of Saturday, 28th February 2026
મધ્યપૂર્વમાં મહાયુદ્ધના ભણકારા: ઈરાનના પ્રહારથી વૈશ્વિક અર્થતંત્રમાં ભૂકંપ : ભારતીય બજારો માટે 'બ્લેક મન્ડે'નો ખતરો!
દુબઈથી કુવૈત સુધી મિસાઈલ વર્ષા અને અમેરિકી સૈન્ય મથકો પર હુમલા બાદ ક્રૂડ ઓઈલના ભાવમાં ભડકો થવાની આશંકા: સેન્સેક્સમાં મોટા કડાકા અને સોના-ચાંદીના ભાવ આસમાને પહોંચતા રોકાણકારોમાં ભારે ફફડાટ

નવી દિલ્હી : ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલું સંઘર્ષ હવે માત્ર બે દેશો પૂરતું મર્યાદિત ન રહેતા 'વર્લ્ડ વોર' જેવી સ્થિતિમાં ફેરવાઈ ગયું છે. ઈરાને સંયુક્ત આરબ અમીરાત (UAE), કુવૈત અને કતાર જેવા દેશોમાં સ્થિત અમેરિકી સૈન્ય મથકોને નિશાન બનાવીને વૈશ્વિક વેપારની કમર તોડી નાખી છે. ખાસ કરીને હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz), જે વિશ્વના ક્રૂડ ઓઈલ સપ્લાયની ધમની ગણાય છે, તે બંધ થવાની ભીતિ સેવાઈ રહી છે. જો આ જળમાર્ગ બ્લોક થશે તો ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં તોતિંગ વધારો ઝીંકાઈ શકે છે, જે સીધી રીતે સામાન્ય માણસના રસોડાના બજેટ અને મોંઘવારી પર પ્રહાર કરશે.
બીજી તરફ, શેરબજારના રોકાણકારો માટે આગામી સોમવાર 'અમંગળ' સાબિત થઈ શકે છે. શુક્રવારે સેન્સેક્સમાં જોવા મળેલો 961 પોઈન્ટનો કડાકો તો માત્ર ટ્રેલર હતું, પરંતુ જે રીતે યુદ્ધમાં સાત-આઠ દેશો કૂદી પડ્યા છે તેને જોતા બજારમાં મોટા પાયે વેચવાલી જોવા મળી શકે છે. વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FIIs) ભારતીય બજારમાંથી નાણાં ખેંચીને સુરક્ષિત ગણાતા અમેરિકી ડોલરમાં રોકાણ કરી રહ્યા છે, જેના કારણે રૂપિયો પણ નબળો પડી રહ્યો છે. આ અનિશ્ચિતતાના માહોલમાં આઈટી અને બેંકિંગ સેક્ટરના શેરો પર સૌથી વધુ દબાણ જોવા મળે તેવી શક્યતા છે.
આર્થિક અસ્થિરતાના આ સમયમાં રોકાણકારો હવે 'સેફ હેવન' ગણાતા સોના અને ચાંદી તરફ વળી રહ્યા છે. જ્યારે પણ સરહદો પર તોપો ગુંજે છે ત્યારે સોનાની ચમક વધી જતી હોય છે. હાલમાં સોના અને ચાંદીના ભાવ જે ઐતિહાસિક સપાટી પર છે, તેમાં સોમવારથી વધુ ઉછાળો જોવા મળી શકે છે. નિષ્ણાતોના મતે, જો યુદ્ધ લાંબુ ખેંચાશે તો સોનું મધ્યમ વર્ગની પહોંચથી બહાર જઈ શકે છે. ટૂંકમાં, ઈરાન-અમેરિકા વચ્ચેનો આ જંગ માત્ર સરહદો પૂરતો મર્યાદિત નથી, પરંતુ તે સામાન્ય ભારતીયના ખિસ્સા અને બચત પર પણ સીધી અસર કરનારો સાબિત થશે.
(6:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
