News of Saturday, 28th February 2026
તમારા ભણતરનો શું ફાયદો ? મજૂરો પાસેથી શીખો ઘર કેમ ચલાવવું?
છૂટાછેડા લેવા આવેલા કપલને સુપ્રીમ કોર્ટે ખખડાવ્યા : જસ્ટિસ નાગરત્નાએ ન્યૂરોસર્જન પતિને આડે હાથ લેતા જે કહ્યું તે આખા ભણેલા-ગણેલા સમાજ માટે એક મોટો અરીસો છે

નવી દિલ્હી તા.૨૮: આપણે હંમેશા એવું માનતા હોઈએ છીએ કે શિક્ષણ માણસને સમજદાર બનાવે છે, પણ જ્યારે વાર પતિ-પત્ની અને અન્ય સંબંધની આવે છે તો ઘણી વાર મોટી મોટી ડિગ્રી પણ કંઈ કામમાં આવતી નથી. શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં આવો જ એક વૈવાહિક વિવાદના કેસની સુનાવણી દરમ્યાન જોવા મળ્યું હતું. સુપ્રીમ કોર્ટે એક ન્યૂરોસર્જનને ફટકાર લગાવતા ત્યાં સુધી કહી દીધું કે, આટલું ભણેલા-ગણેલા છતાં મગજમાં બ્લોકેજ આવી ગયું છે.
સુપ્રીમ કોર્ટના જજ જાસ્ટિસ બી.વી.નાગરત્નાની બેન્ચે આ પારિવારિક વિવાદ પર સુનાવણી કરી રહ્યા હતા. જ્યારે કોર્ટે જોયું કે આટલું હાઈ એજ્યુકેશન છતાં આ કપલ એક છતની નીચે શાંતિથી રહી શકતા નથી. તો જજ નારાજ થઈ ગયા.
જસ્ટિસ નાગરત્નાએ ન્યૂરોસર્જન પતિને આડે હાથ લેતા જે કહ્યું તે આખા ભણેલા-ગણેલા સમાજ માટે એક મોટો અરીસો છે. તેમણે કટાક્ષ કરતા કહ્યું કે, તમારા ભણતરનો શું ફાયદો જો તમે એક સામાન્ય પતિ-પત્નીની માફક વ્યવહાર નથી કરી શકતા? થોડું સામાન્ય લોકો તરફ જુઓ, એ બાંધકામ કરી રહેલા મજૂરો અને તેમના બાળકોને જુઓ, તેઓ કેવી રીતે પોતાનું ઘર વસાવે છે. તમારા જેવા ઉચ્ચ શિક્ષિત અને યોગ્ય લોકોના મગજમાં આ પ્રકારના મેન્ટલ બ્લોક (માનસિક અવરોધ) હોય છે. આ કટાક્ષ એ તમામ ભણેલા-ગણેલા કપલ માટે એક આકરો પ્રહાર હતો, જ્યાં ડિગ્રીઓનો અહંકાર એકબીજાના સંબંધોની સમજ પર ભારે પડી જાય છે.
કોર્ટમાં સુનાવણી દરમ્યાન પતિના વકીલે સ્પષ્ટ રીતે કહ્યું કે, ન્યૂરોસર્જન પતિ હવે આ સંબંધને વધારે ખેંચવા નથી માગતો અને તેને કોઈ પણ સંજોગોમાં છૂટાછેડા જોઈએ. વળી બીજી તરફ પત્નીનો મત એકદમ અલગ હતો. તેણે કોર્ટમાં આજીજી કરતા કહ્યું કે, તે પોતાના લગ્નને અને પરિવારને બચાવવા માટે એક છેલ્લો મોકો આપવા માગે છે.
બંને પક્ષોની દલીલો અને ભાવનાઓ સાંભળ્યા બાદ સુપ્રીમ કોર્ટે આ સંબંધને બચાવવાની છેલ્લી કોશિશ કરવાનો નિર્ણય લીધો. કોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે, અમે બંને પક્ષના વકીલોને સાંભળ્યા. પત્ની પોતાના લગ્નને બીજો મોકો આપવા અને પોતાના દીકરા સાથે પતિ પાસે સોનીપત જવા રાજી છે. તે આવું કરવા માટે સંપૂર્ણપણે સ્વતંત્ર છે.
(9:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
