News of Friday, 27th February 2026
'કેપ્ટન કૂલ' મુશ્કેલીમાં? ધોનીને ઝારખંડ હાઉસિંગ બોર્ડની ફટકાર, 15 દિવસનું અલ્ટીમેટમ!
રાંચીના હાર્મુ સ્થિત નિવાસસ્થાનનો વ્યાપારી ઉપયોગ કરવાનો ગંભીર આરોપ : આલીશાન બંગલામાં પેથોલોજી લેબ શરૂ કરવા બદલ અત્યાર સુધીમાં 300 થી વધુ નોટિસ ફટકારાઈ

રાંચી: ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની મેદાન પર ગમે તેટલી વિકટ પરિસ્થિતિમાં શાંત રહેતા હોય, પરંતુ હાલમાં તેમના ઘરના આંગણે કાયદાકીય વાવાઝોડું ફૂંકાયું છે. ઝારખંડ રાજ્ય હાઉસિંગ બોર્ડે ધોનીને તેમના રાંચીના હાર્મુ સ્થિત નિવાસસ્થાન મુદ્દે કડક નોટિસ મોકલી છે. આરોપ છે કે સરકાર દ્વારા રહેણાંક હેતુ માટે આપવામાં આવેલી જમીન પર ધોનીએ પેથોલોજી લેબ ખોલીને તેનો વ્યાપારી ઉપયોગ શરૂ કર્યો છે. બોર્ડના અધ્યક્ષ સંજય પાસવાને ચોંકાવનારો ખુલાસો કરતા જણાવ્યું છે કે, આ મામલે ધોનીને અત્યાર સુધીમાં એક-બે નહીં પણ 300 થી વધુ નોટિસ મોકલવામાં આવી છે, છતાં સંતોષકારક જવાબ મળ્યો નથી. હવે બોર્ડે ધોનીને 15 દિવસની અંતિમ મુદત આપી ખુલાસો કરવા આદેશ આપ્યો છે.
હાઉસિંગ બોર્ડના નિયમો મુજબ, જે જમીન રહેવા માટે ફાળવવામાં આવી હોય તેનો ઉપયોગ આર્થિક લાભ માટેની પ્રવૃત્તિઓ માટે કરી શકાતો નથી. ધોનીના હાર્મુ નિવાસસ્થાનમાં ચાલી રહેલી પેથોલોજી લેબ આ નિયમોનું સીધું ઉલ્લંઘન ગણાય છે. માત્ર ધોની જ નહીં, પરંતુ રાંચીમાં સરકાર તરફથી જમીન મેળવનારા અન્ય ઘણા વીઆઈપી લોકો પણ બોર્ડના રડારમાં છે. જોકે, ધોનીનું નામ આ યાદીમાં સૌથી ઉપર હોવાથી આ કિસ્સો રાષ્ટ્રીય સ્તરે ચર્ચાનો વિષય બન્યો છે. હવે જોવાનું એ રહેશે કે 'કેપ્ટન કૂલ' આ કાનૂની ગૂંચવણને કેવી રીતે ઉકેલે છે અથવા 15 દિવસના અંતે બોર્ડ કોઈ કડક પગલાં ભરે છે કે કેમ.
(6:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
