તા. ૨૯ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૯ શનિવાર
News of Wednesday, 25th February 2026
લગ્નમંડપમાં લોહીની હોળી: બિહારમાં વરમાળા બાદ સ્ટેજ પર જ દુલ્હનને ધરબાઈ ગોળી! પાગલ પ્રેમીએ ખુશીના પ્રસંગને માતમમાં ફેરવ્યો
આરતી ઉતારતી વખતે જ પાછળથી ત્રાટક્યો હુમલાખોર: ગોળી વાગતા જ દુલ્હન સ્ટેજ પર ઢળી પડી, મહેમાનોમાં નાસભાગ; ગંભીર હાલતમાં વારાણસી રિફર કરાઈ

બક્સર:બિહારના બક્સર જિલ્લામાં એક સનસનાટીભર્યા કિસ્સામાં એકતરફી પ્રેમમાં પાગલ બનેલા યુવકે લગ્નના પવિત્ર મંડપને રણમેદાન બનાવી દીધું છે. મુફસ્સિલ પોલીસ સ્ટેશન વિસ્તારના ચૌસા મલ્લાહ ટોલીમાં જ્યારે લગ્નની શરણાઈઓ ગુંજી રહી હતી અને વર-કન્યા નવા જીવનના સપના જોઈ રહ્યા હતા, ત્યારે જ કાળમુખા પ્રેમીએ આવીને દુલ્હન પર ગોળીબાર કર્યો હતો.
ચૌસા નગર પંચાયતમાં આયોજિત આ લગ્ન સમારોહમાં વરમાળાની વિધિ પૂર્ણ થઈ હતી. વર અને કન્યા સ્ટેજ પર ઉભા હતા અને એક યુવતી તેમની આરતી ઉતારી રહી હતી. આ આનંદના માહોલ વચ્ચે ભીડમાંથી અચાનક એક શખ્સ સ્ટેજ પર ચઢી આવ્યો હતો. કોઈ કંઈ સમજે તે પહેલાં તેણે અત્યંત નજીકથી દુલ્હન પર પિસ્તોલ વડે ફાયરિંગ કર્યું હતું. ગોળી વાગતાની સાથે જ દુલ્હન લોહીલુહાણ હાલતમાં સ્ટેજ પર જ પડી ગઈ હતી.
શરૂઆતમાં ત્યાં હાજર મહેમાનોને એવું લાગ્યું કે કદાચ કોઈએ હર્ષ ફાયરિંગ (ઉજવણીમાં ગોળીબાર) કર્યો છે અથવા ફટાકડા ફૂટ્યા છે. પરંતુ જ્યારે કન્યાને લોહીથી લથપથ જોતા જ મંડપમાં ચીસાચીસ અને રૂદન શરૂ થઈ ગયું હતું. આ અંધાધૂંધીનો લાભ લઈને હુમલાખોર ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.
ઘાયલ યુવતીને તાત્કાલિક બક્સરની સદર હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જ્યાં તેની સ્થિતિ નાજુક જણાતા તબીબોએ વધુ સારવાર માટે તેને વારાણસીના હાઈટેક ટ્રોમા સેન્ટરમાં રિફર કરી છે. હાલમાં તેની હાલત અત્યંત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
ઘટનાની જાણ થતા જ મુફસ્સિલ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં આ એકતરફી પ્રેમનો મામલો હોવાનું બહાર આવ્યું છે. પોલીસે આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે અને હાલમાં હુમલાખોરના પિતાની અટકાયત કરીને સઘન પૂછપરછ હાથ ધરી છે. આ ઘટનાનો હચમચાવી દેતો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે
(9:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
