News of Wednesday, 25th February 2026
AI ની દુનિયામાં ભારતનો ડંકો: અમેરિકા અને ચીનને પછાડી ભારત બન્યું દુનિયાનું સૌથી મોટું ‘AI માર્કેટ’!
૨૦૨૫ માં ભારતીયોએ તોડ્યા તમામ રેકોર્ડ : વિશ્વની દર ૫ માંથી ૧ AI એપ ભારતમાં થઈ ડાઉનલોડ: ૨૦૭ ટકાના તોફાની વધારા સાથે ભારત બન્યું ગ્લોબલ AI હબ

નવી દિલ્હી: ભારતે ફરી એકવાર સાબિત કરી દીધું છે કે ટેકનોલોજીને અપનાવવામાં તે વિશ્વમાં સર્વોપરી છે. માર્કેટ ઇન્ટેલિજન્સ ફર્મ ‘સેન્સર ટાવર’ ના તાજેતરના અહેવાલ મુજબ, વર્ષ ૨૦૨૫ માં ભારતે AI એપ્લિકેશન ડાઉનલોડ્સના મામલે અમેરિકા, ચીન અને સમગ્ર યુરોપને પાછળ છોડી દીધું છે. ભારતમાં AI એપ ડાઉનલોડ્સમાં ૨૦૭ ટકાનો અભૂતપૂર્વ ઉછાળો જોવા મળ્યો છે. વિશ્વભરમાં જેટલી પણ જનરેટિવ AI એપ્સ ડાઉનલોડ થઈ રહી છે, તેમાં ૨૦ ટકા હિસ્સો એકલા ભારતનો છે. નવી દિલ્હીમાં યોજાયેલી AI સમિટ બાદ ભારતની આ સિદ્ધિએ વૈશ્વિક ટેક નેતાઓને ચોંકાવી દીધા છે અને હવે ભારતને ભવિષ્યના ‘AI પાવરહાઉસ’ તરીકે જોવામાં આવી રહ્યું છે.
ભારતમાં આટલી ઝડપથી વધી રહેલી લોકપ્રિયતા પાછળ પ્રીમિયમ AI સેવાઓનું ‘ફ્રી મોડલ’ સૌથી મોટું કારણ છે. જિયો અને એરટેલ જેવી દિગ્ગજ ટેલિકોમ કંપનીઓએ તેમના ગ્રાહકોને Perplexity AI Pro અને Google Gemini AI Pro જેવી મોંઘી સેવાઓ મફતમાં આપી છે. એટલું જ નહીં, OpenAI એ પણ ChatGPT Go ની આખા વર્ષની એક્સેસ ફ્રીમાં ઓફર કરી છે. આ પ્રમોશનલ ઓફર્સને કારણે સામાન્ય ભારતીય વપરાશકર્તા પણ હવે હાઈ-ટેક AI સાથે જોડાયેલો છે. મેટા AI અને ડીપસીક જેવા પ્લેટફોર્મના પ્રવેશથી બજારમાં સ્પર્ધા વધી છે, જેનો સીધો ફાયદો ભારતીય ડાઉનલોડ્સના આંકડામાં જોવા મળી રહ્યો છે.
જોકે, આ રેકોર્ડ ડાઉનલોડ્સ વચ્ચે એક કડવું સત્ય એ પણ છે કે કંપનીઓની કમાણીમાં ભારતનો હિસ્સો હજુ ઘણો ઓછો છે. રિપોર્ટ અનુસાર, ભલે ભારત ડાઉનલોડમાં નંબર વન હોય, પરંતુ પ્રીમિયમ પ્લાન ખરીદનારા ભારતીય વપરાશકર્તાઓનો હિસ્સો માત્ર ૧ ટકા છે. એટલે કે, ભારતીયો AI નો ઉપયોગ તો ભરપૂર કરી રહ્યા છે પણ તેના માટે ખિસ્સામાંથી નાણાં ખર્ચવામાં હજુ પાછળ છે. તેમ છતાં, જનરેટિવ AI કંપનીઓ માટે વર્ષ-દર-વર્ષે ૩૨૦ ટકાની વૃદ્ધિ એ સંકેત આપે છે કે ભલે અત્યારે આવક ઓછી હોય, પણ ભવિષ્યમાં ભારત જ આ કંપનીઓ માટે સૌથી મોટું કમાણીનું સાધન બનશે.
(7:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
