તા. ૫ ઓક્ટોબર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા વદ – ૧૦ સોમવાર
News of Wednesday, 25th February 2026
અમેરિકાની ચીન વિરુદ્ધ મોટી કાર્યવાહી, ૧૫૦૦૦ કિલોમીટર પીછો કરી ઓઈલ લઈ જતું ત્રીજું જહાજ દબોચ્યું: પેન્ટાગોને કેરેબિયન સમુદ્રથી હિંદ મહાસાગર સુધી પીછો કર્યો
ચીને અમેરિકાની આ સૈન્ય કાર્યવાહીને આંતરરાષ્ટ્રીય કાયદાઓનું ગંભીર ઉલ્લંઘન અને ચાંચિયાગીરી ગણાવીને તેનો સખત વિરોધ નોંધાવ્યો: અમેરિકાની આ આક્રમક કાર્યવાહીથી બંને દેશો વચ્ચે ઘર્ષણ વધુ ઉગ્ર બન્યું

અમેરિકન સેનાએ વેનેઝુએલાથી ચીન જઈ રહેલા એક ઓઈલ ટેન્કરનો કેરેબિયન સમુદ્રથી હિંદ મહાસાગર સુધી ૧૫૦૦૦ કિલોમીટર લાંબો પીછો કરીને તેને આંતર્યું છે. આ જહાજમાં સાત લાખ બેરલ ક્રૂડ ઓઈલ ભરેલું હતું. અમેરિકાએ પ્રતિબંધિત તેલની હેરાફેરી રોકવા માટે આ સૌથી લાંબી કાર્યવાહી કરી છે અને તાજેતરના સમયમાં પકડાયેલું આ ત્રીજું જહાજ છે.
અમેરિકાના સંરક્ષણ વિભાગ પેન્ટાગોને સત્તાવાર માહિતી આપી છે કે તેમની નૌકાસેનાએ હિંદ મહાસાગરમાં એક મોટી અને ઐતિહાસિક કાર્યવાહી પાર પાડીને ચીન જઈ રહેલા એક્વિલા ટુ નામના ઓઈલ ટેન્કરને પોતાના કબજામાં લીધું છે. આ વિશાળ જહાજ કેરેબિયન સમુદ્રમાંથી નીકળ્યું હતું અને અમેરિકન દળોએ તેનો ત્રણ મહાસાગરો પાર કરીને ૧૫૦૦૦ કિલોમીટર એટલે કે દસ હજાર નોટિકલ માઈલ સુધી સતત પીછો કર્યો હતો. અમેરિકી સરકાર દ્વારા વેનેઝુએલાના ક્રૂડ ઓઈલ પર લગાવવામાં આવેલા આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોના કડક અમલીકરણના ભાગરૂપે આ અત્યાર સુધીનો સૌથી લાંબો પીછો માનવામાં આવે છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, આ ઓઈલ ટેન્કર ગયા વર્ષના ડિસેમ્બર મહિનાની શરૂઆતમાં વેનેઝુએલાના ટર્મિનલથી નીકળ્યું હતું. જહાજ પોતાની ઓળખ છુપાવવા માટે ટ્રાન્સપોન્ડર અને રડાર સિસ્ટમ બંધ કરીને ચાલી રહ્યું હતું અને બીજા બનાવટી નામ હેઠળ ગુપ્ત રીતે ચીન તરફ આગળ વધી રહ્યું હતું. હોંગકોંગની એક કંપનીની માલિકી ધરાવતા અને પનામા દેશનો ધ્વજ લગાવેલા આ જહાજમાં આશરે સાત લાખ બેરલ જેટલું ભારે ક્રૂડ ઓઈલ ભરેલું હતું.
અમેરિકન સંરક્ષણ વિભાગે આ ઓપરેશન વિશે જણાવ્યું હતું કે જહાજે ભાગવાનો ખૂબ પ્રયાસ કર્યો પરંતુ અમારી સેનાએ તેનો પીછો છોડ્યો નહીં. અગાઉ પણ અમેરિકા દ્વારા આ જ પ્રકારે બે અલગ અલગ ઓઈલ જહાજો જપ્ત કરવામાં આવ્યા હતા, જેને પગલે તાજેતરની આ કાર્યવાહીમાં ઝડપાયેલું આ ત્રીજું મોટું જહાજ છે. બીજી તરફ ચીને અમેરિકાની આ સૈન્ય કાર્યવાહીને આંતરરાષ્ટ્રીય કાયદાઓનું ગંભીર ઉલ્લંઘન અને ચાંચિયાગીરી ગણાવીને તેનો સખત વિરોધ નોંધાવ્યો છે. હાલના વૈશ્વિક અને ભૌગોલિક રાજકીય તણાવ વચ્ચે અમેરિકાની આ આક્રમક કાર્યવાહીથી બંને દેશો વચ્ચે ઘર્ષણ વધુ ઉગ્ર બનવાની શક્યતા છે.*
(10:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
