<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd February 2026

મિત્રતાનો ‘ગંગા-જોર્ડન’ સંગમ: પીએમ મોદી માટે ઈઝરાયેલમાં બિછાવાશે લાલ જાજમ : નેતન્યાહૂએ કહ્યું- “સ્વાગત છે મારા મિત્ર!”

મુલાકાત નહીં પણ ‘ફેમિલી રીયુનિયન’ : જેરુસલેમમાં પીએમ મોદીના સ્વાગત માટે નેતન્યાહૂનો ખાસ પ્લાન : નેસેટમાં ઐતિહાસિક સંબોધન અને સંરક્ષણ ક્ષેત્રે ‘બ્રહ્માસ્ત્ર’ જેવા કરારોથી દુનિયામાં મચશે હલચલ

જેરુસલેમ:  ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઈઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહૂ વચ્ચેની મિત્રતા માત્ર રાજદ્વારી સંબંધો પૂરતી મર્યાદિત નથી, પરંતુ તે એક અતૂટ માનવીય બંધન છે. પીએમ મોદીની આગામી ઈઝરાયેલ મુલાકાત પૂર્વે નેતન્યાહૂએ અત્યંત ભાવુક નિવેદન આપતા કહ્યું કે, "ગંગા અને જોર્ડન નદીમાં ત્યારથી ઘણું પાણી વહી ગયું છે, પણ અમારી દોસ્તી વધુ મજબૂત બની છે." નેતન્યાહૂએ ૨૦૧૭ની મુલાકાતની એ પળને યાદ કરી જ્યારે બંને નેતાઓ ભૂમધ્ય સમુદ્રના કિનારે ખુલ્લા પગે ફરતા જોવા મળ્યા હતા. આ વખતે પીએમ મોદીનું સ્વાગત કોઈ વિદેશી મહેમાન તરીકે નહીં, પણ પરિવારના એક સદસ્ય તરીકે કરવાની જાહેરાત કરીને નેતન્યાહૂએ આ મુલાકાતને એક નવો જ આયામ આપી દીધો છે.

આ પ્રવાસ દરમિયાન પીએમ મોદી ઈઝરાયેલની સંસદ ‘નેસેટ’ને સંબોધિત કરશે, જે કોઈપણ વિદેશી નેતા માટે સર્વોચ્ચ સન્માન ગણાય છે. જેરુસલેમમાં આયોજિત ખાસ ‘ઈનોવેશન સમિટ’માં બંને દેશોની ટેકનોલોજીકલ તાકાતનું પ્રદર્શન કરવામાં આવશે, જ્યાં ભારત અને ઈઝરાયેલ સંયુક્ત રીતે દુનિયાને નવી દિશા બતાવશે. આ ઉપરાંત, પીએમ મોદી હોલોકોસ્ટ મેમોરિયલ ‘યાદ વાશેમ’ની મુલાકાત લઈને ઈતિહાસના શહીદોને શ્રદ્ધાંજલિ આપશે. આ મુલાકાતનો હેતુ માત્ર સાંસ્કૃતિક નથી, પણ ભવિષ્યના ભારતને સુરક્ષિત અને આધુનિક બનાવવાનો છે, જેની ઝલક બંને નેતાઓ વચ્ચેની ફોન પર થતી વારંવારની વાતચીતમાં પણ જોવા મળે છે.

સૌથી વધુ ચર્ચા આ મુલાકાત દરમિયાન થનારા સંરક્ષણ કરારોની છે. સુત્રોના જણાવ્યા અનુસાર, ભારત અને ઈઝરાયેલ વચ્ચે કેટલાક ‘ટોપ-સીક્રેટ’ ડિફેન્સ ડીલ થઈ શકે છે, જેમાં ‘સ્પાઈસ-2000’ બોમ્બના આગામી અત્યાધુનિક વર્ઝનનો પણ સમાવેશ થાય છે. આ કરારો ભારતની રક્ષણાત્મક શક્તિને અનેકગણી વધારી દેશે અને દુશ્મનો માટે ‘બ્રહ્માસ્ત્ર’ સાબિત થશે. સંરક્ષણ સિવાય આર્થિક ક્ષેત્રે પણ રોકાણના નવા દ્વાર ખુલશે, જેનાથી ભારતમાં ઈઝરાયેલી ટેકનોલોજીનો પ્રવાહ વધશે. એકંદરે, મોદી-નેતન્યાહૂની આ મુલાકાત માત્ર બે દેશોના મિલન પૂરતી નથી, પણ એશિયા અને પશ્ચિમ એશિયાના નવા ભૂ-રાજકીય સમીકરણો રચવા જઈ રહી છે.

(7:57 PM IST)