News of Thursday, 19th February 2026
LoC પર પ્રહાર: રાજૌરીમાં પાકિસ્તાની આતંકીઓનો ઘૂસણખોરીનો નાપાક ઈરાદો સેનાએ કચડી નાખ્યો!
ગજા નદીના પટમાં છુપાઈને આવતા આતંકીઓ પર ભારતીય સૈનિકોનો જોરદાર ગોળીબાર ; ડ્રોન અને અત્યાધુનિક સર્વેલન્સથી જડબાતોડ જવાબ, અંધારાનો લાભ લઈને ભાગ્યા આતંકીઓ

રાજૌરી: જમ્મુ-કાશ્મીરના રાજૌરી સેક્ટરમાં પાકિસ્તાન પ્રેરિત આતંકવાદીઓએ ફરી એકવાર સરહદ ઓળંગવાનો દૂઃસાહસ કર્યો, પરંતુ ભારતીય સેનાના સતર્ક જવાનોએ તેમના આ મનસૂબા પર પાણી ફેરવી દીધું છે. ૧૯ ફેબ્રુઆરીની વહેલી સવારે જ્યારે આખો વિસ્તાર ગાઢ ધુમ્મસ અને અંધકારમાં લપેટાયેલો હતો, ત્યારે નાથુઆ ટિબ્બા વિસ્તારમાં ગજા નદીના કિનારે કેટલીક શંકાસ્પદ હિલચાલ જોવા મળી હતી. સેનાના 'વ્હાઇટ નાઈટ કોર્પ્સ'ને અગાઉથી જ ગુપ્ત માહિતી મળી હતી કે ઘૂસણખોરો સરહદ પાર કરવાની ફિરાકમાં છે. જેવી આતંકીઓએ ભારતીય સરહદમાં પગ મૂકવાનો પ્રયાસ કર્યો, સૈનિકોએ વળતો પ્રહાર શરૂ કરી દીધો હતો.
સુરક્ષા દળોએ આ ઓપરેશનમાં અત્યંત ચોકસાઈ પૂર્વક અને ઝડપી ગોળીબાર (Calibrated Firing) કર્યો હતો, જેનાથી આતંકીઓમાં નાસભાગ મચી ગઈ હતી. સેનાએ માત્ર જમીન પર જ નહીં, પરંતુ 'હવાઈ દેખરેખ' (Aerial Surveillance) એટલે કે ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરીને દુશ્મનોની ચોક્કસ પોઝિશન શોધી કાઢી હતી. જવાનોએ વ્યૂહાત્મક રીતે આખા વિસ્તારને ઘેરી લીધો હતો, જેના કારણે આતંકીઓને પૂંછડી દબાવીને પાછા પાકિસ્તાન તરફ ભાગવા માટે મજબૂર થવું પડ્યું હતું. સેનાની આ ત્વરિત કાર્યવાહીએ ફરી એકવાર સાબિત કર્યું છે કે LoC પર ભારતીય રક્ષકો પક્ષીને પણ પાંખ મારવા દેવા તૈયાર નથી.
આ નિષ્ફળ ઘૂસણખોરી બાદ સમગ્ર રાજૌરી અને પુંછ સેક્ટરમાં હાઈ-લેવલ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. સેનાને શંકા છે કે ભાગી ગયેલા આતંકીઓ સરહદની આસપાસ ક્યાંક છુપાયેલા હોઈ શકે છે અથવા ફરીથી હુમલાનો પ્રયાસ કરી શકે છે. વધારાની ટુકડીઓને સરહદ પર તૈનાત કરી દેવામાં આવી છે અને દરેક નાકા પર સઘન સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. સ્થાનિક લોકોને પણ સતર્ક રહેવા અને કોઈપણ શંકાસ્પદ ગતિવિધિ જણાય તો તુરંત જાણ કરવા સૂચના આપવામાં આવી છે. પાકિસ્તાન દ્વારા કરવામાં આવતા આવા સતત ઉશ્કેરણીજનક પ્રયાસો વચ્ચે ભારતીય સેનાએ પોતાની પકડ વધુ મજબૂત બનાવી દીધી છે.
(8:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
